Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

રાજ્યના મોટા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર દ્વારા વિશ્વ બેંક અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ પાસેથી લોન મેળવવાની જટિલ પ્રક્રિયાનું અહીં વિગતવાર વર્ણન છે. દરખાસ્ત તૈયાર કરવાથી લઈ વોશિંગ્ટનમાં થતી વાટાઘાટો અને અમલીકરણ સુધીના વિવિધ પાસાઓ દ્વારા વિકાસની આર્થિક સફર સમજાવવામાં આવી છે.

દેશ અને રાજ્યને વિકાસ માટે નાણાંની જરૂરિયાત હોય છે. ઘણીવાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે પુષ્કળ ધનરાશિની જરૂરિયાત વર્તાય છે જેમકે નર્મદા નદી પર સરદાર સરોવર યોજના કે જેમાં નવાગામ ખાતે ડેમ બનાવવાનો હતો ત્યારે ગુજરાત સરકારને વિશ્વ બેંક પાસેથી લોન મેળવવાની થઇ હતી. વૈશ્વિક કક્ષાએ આવા પ્રોજેક્ટ માટેની લોન મંજુર કરવા માટેની એક વ્યવસ્થા ગોઠવેલી છે.


 
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લેવા અંગેની કામગીરી ભારત સરકારનું આર્થિક બાબતોનો વિભાગ કરે છે,  તેમાં વિભાગનું ફંડ- બેંક ડિવિઝન વિશ્વ બેંક –આઈ.એમ.એફ. સાથે લોનની કામગીરીને અંજામ આપે છે. ભારતને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB),   જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(JICA),  યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ(USAID)  તથા જર્મનીની કે. એફ. ડબલ્યુ. જેવી સંસ્થા કેટલીક શરતોને આધીન  નિશ્ચિત રકમ, નિશ્ચિત સમયગાળા પર લોન તરીકે આપે છે. આ બધી એજન્સીઓના સરવાળા કરતાં વધુ લોન વિશ્વ બેંક આપતી હોય છે.


     સૌ પ્રથમ રાજ્ય સરકારો દ્વારા પોતાને ત્યાં નક્કી કરેલ કોઈ પ્રોજેક્ટ પર વિગતવાર દરખાસ્ત બનાવીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે,  જેના પરથી ભારત સરકારનો આર્થિક બાબતોનો વિભાગ એક વિગતવાર નોંધ તૈયાર કરે છે. ભારત સરકારની દરખાસ્ત મળતા વિશ્વ  બેંક તેને પોતાની નીતિ,  બેંકની વર્તમાન ધિરાણ અગ્રતા  વગેરે પાસાઓને  ધ્યાને રાખી  ચકાસણી કરવામાં આવે  છે. ત્યારબાદ સૂચિત  પ્રોજેક્ટ અંગેના  વિવિધ અભ્યાસો કરાવાય-મેળવાય  છે. તેનાથી આગળ વધતા વિશ્વ બેંકની ટીમ આ પ્રોજેક્ટ જે તે રાજ્યએ જે  સ્થળે કરવાનો હોય ત્યાંની સ્થળ મુલાકાત કરવામાં આવે છે. વધુમાં રાજ્યમાં  પ્રોજેક્ટ અમલીકરણ સંસ્થા સાથે વાતચીત પણ કરવામાં આવે છે.વિશ્વ બેંકની મુલાકાત – નિરીક્ષણ અંગે ગુજરાત રાજ્યની એક ઘટના જોઇએ. સરદાર સરોવર યોજના અંગે જ્યારે વિવાદો ચાલી રહ્યા હતા ત્યારે ૧૯૯૧માં વિશ્વ  બેંકે બ્રેડફોર્ડ મોર્સની આગેવાનીમાં સરદાર સરોવર પ્રોજેક્ટની સમીક્ષા માટે એક કમિશન નિમ્યુ હતું. અને તેના રિપોર્ટને આધારે ૧૯૯૩માં આ પ્રોજેક્ટને આપેલ નાણાકીય સમર્થન પાછું ખેંચી લીધુ હતું. 


 લોન કઈ રીતે મેળવવાય છે તે પ્રક્રિયા જોઈએ. વિશ્વ બેંક પાસે લોન લેવા માટે જે વાટાઘાટ કરવાની આવે છે તે પહેલા કાગળ કામ ઘણું જ ચુસ્ત અને વિશાળ હોય છે જેમાં જે તે પ્રોજેક્ટની મહત્વની સુક્ષ્મ માહિતી સાથે લોન માટેની તમામ શરતો- બોલીઓનો સમાવેશ થાય છે. જે તે પ્રોજેક્ટનું તમામ પેપર વર્ક પ્રોજેક્ટ જે રાજ્ય કરવાનું હોય તે તૈયાર કરી અને ભારત સરકારને મોકલી આપે છે. જ્યારે વિશ્વ બેંક સાથે લોન મેળવવાની વાટાઘાટ માટે તેના મુખ્ય મથક વોશિંગ્ટન ડી.સી. જવાનું થાય તે પહેલા આર્થિક બાબતોનો વિભાગના કંટ્રોલર ઓફ એઇડ, એકાઉન્ટ્સ અને ઓડિટ(CAAA),  બજેટ સેલ તથા નાણાકીય આયોજન સેલમાં રાજ્યમાંથી પ્રોજેક્ટ માટે તૈયાર કરેલ માહિતી- દસ્તાવેજોની વિગતવાર ચકાસણી થાય છે. વિશ્વ બેંકમાં લોન લેવા અંગેની વાટાઘાટો લગભગ પાંચ દિવસ જેટલી ચાલે છે. મોટેભાગે સોમવારે શરૂ થયેલી વાટાઘાટ શુક્રવારે પૂર્ણ કરવામાં આવે છે. આ વાટાઘાટોમાં ઘણા પ્રાવધાનો –જોગવાઇઓ પર બન્ને પક્ષે ચર્ચા –વિચારણા કરવામાં આવે છે જેમ કે પ્રોજેક્ટ માટેના સ્વતંત્ર ઓડિટરની નિમણૂક પર મોટેભાગે વિશ્વ  બેંક વધુ ભાર આપે છે તે સહિતના જુદા જુદા દ્રષ્ટીકોણથી વિવિધ  મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવે છે અને એક સહમતિ બનાવવામાં આવે છે.ત્યારબાદ ભારત સરકાર લોન મેળવવાના દસ્તાવેજો ઉપર સહી કરે છે.આમ કેંદ્ર સરકાર મારફતે રાજ્ય સરકારને જે તે સમયે જે કોઇ ફોર્મ્યુલા નક્કી થયેલ હોય તે પ્રમાણે  ધનરાશિ મળે છે. 
  
 આ નિશ્ચિત પ્રક્રિયાથી ઘણી જ વિશાળ રકમના પ્રોજેક્ટ માટે ભારત સરકાર તથા રાજ્ય સરકારો લોનો મેળવતી હોય છે. જ્યારે આ પ્રોજેક્ટ કાર્યરત થઈ જાય છે ત્યારે તેનો લાભ સામાન્ય વ્યક્તિને મળવા લાગે છે.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે