૧૯૯૯ની નવેમ્બરની આ યાત્રા રમણાશ્રમની પવિત્રતા અને અરુણાચલ પર્વતના રહસ્યમય વાતાવરણને જીવંત કરે છે. લેખિકાના ભય અને મૌન વચ્ચે, વિરૂપાક્ષ ગુફાની આધ્યાત્મિક ઊર્જા અને મુશ્કેલ માર્ગે મળેલી અજ્ઞાત દૈવી સહાય, જીવનની સમજ બદલી નાખનારા અમૃત જેવો અનુભવ બની રહે છે.
વર્ષ ૧૯૯૯ના નવેમ્બર માસના દિવાળી વેકેશનમાં મારા મોટા ભાઈ સુભાષે મને અને મારી બા, નીલાબાને શ્રી રમણાશ્રમ લઈ જવાનું આયોજન કરેલું આથી અમદાવાદથી નવજીવન એક્સ્પ્રેસમાં ચેન્નઈ પહોંચી, ચેન્નઈથી તામિલનાડુ રાજ્ય પરિવહનની બસમાં અમે ત્રણેય સહપ્રવાસીઓ તિરુવન્નામલાઈ પહોંચ્યાં.
અમારો ઉતારો શ્રી રમણ મહર્ષિના રમણાશ્રમમાં જ હોવાથી લાંબા પ્રવાસ પછીના બીજા તાજ્જા દિવસે તો અમે રમણાશ્રમની અંદરના જ મંદિરો, સમાધિ મંદિરો, ગૌશાળા, ગ્રંથાલય, પુસ્તક ભંડાર, meditation hall અને માતૃભૂતેશ્વર મંદિરની મુલાકાત લીધી.પલોઠી વાળીને મૌનમાં બેઠા.પૂજા-આરતી,સ્તુતિ-પાઠ અને મંત્રોચ્ચારમાં પણ સહભાગી થયા અને આશ્રમ પરિસરમાં મુક્ત મને બેસીને આશ્રમને જ તેના વૃક્ષો-વેલીઓ, વડવાઈઓ, વૈદિક મંત્રોચ્ચાર અને ટહૂકતાં મોરના ધ્વનિ સાથે આકંઠ અંદર ઉતાર્યો.

શ્રી રમણાશ્રમ આવ્યા પછીની ત્રીજી સવારે સાત વાગે બાને તેના પૂજા-પાઠના નિત્યક્રમ માટે રૂમ પર જ રાખીને હું અને સુભાષ રમણાશ્રમથી અરુણાચલ પર્વત પર સ્થિત વિરૂપાક્ષ ગુફા અને સ્કંદાશ્રમ જવા નીકળ્યા કે જ્યાં ૧૮૭૯માં જન્મેલા શ્રી રમણ ભગવાન તિરુચુલી નામના તેમના જન્મ સ્થળને છોડીને તિરુવન્નામલાઈ આવ્યા પછી ૧૮૯૯થી શરુ કરીને સળંગ ત્રેવીસ વર્ષ રહ્યાં હતાં.

શ્રી રમણાશ્રમ અરુણાચલ પર્વતની તળેટીમાં જ હોવાથી આશ્રમમાં નિવાસ કરતાં કે આશ્રમમાં ઉતરેલા પ્રવાસીઓ માટે પર્વત ચઢવાનો માર્ગ પણ રમણાશ્રમના પાછળના ભાગે અરુણાચલ પર જવા માટે નિશ્ચિત કરેલા દરવાજેથી જ હતો.આ દરવાજાના એક-બે ટપ્પા ચડ્યા પછી અરુણાચલ પર્વત પર લઈ જતાં પગથિયા વાળા માર્ગે ચડો તે પહેલા પર્વત પર ક્યારે જવું અને ક્યારે સમયસર પાછા ફરવું તેની સૂચનાઓ અને સ્કંદાશ્રમ અને વિરૂપાક્ષ ગુફાનો ખુલવાનો અને બંધ થવાનો સમય પણ લખ્યો હતો આથી અમે ભાઈ-બેને આ સૂચના વાંચી અને એ માર્ગેથી જ અરુણાચલ પર્વત તરફના પગથિયા ચડવાના શરૂ કર્યા.
દક્ષિણ ભારતના પવિત્ર અન્નામલાઈ પર્વત તરીકે પણ ઓળખાતા ૨,૬૭૧ ફૂટ ઊંચા પર્વત પર અમારે તો એક માઈલ જેટલું જ ઉપર ચઢવાનું હતું એટલે ખડકો, શીલાઓ, પથ્થરો અને વૃક્ષો વચ્ચે બાંધેલા પગથિયા ચઢવાનું શરૂ કર્યું ત્યારે કારતક મહિનાની સવારનું પવિત્ર વાતાવરણ અમને, રમણ ભગવાને જ્યાં વીસ વર્ષની નાની વયે તેમની સાધનાના પ્રારંભિક વર્ષો પસાર કર્યા હતાં ત્યાં જવા માટે, જાણે પગમાં બળ આપી રહ્યું હતું.

અમે થોડું ચાલ્યા હઈશું ત્યાં ડાબી બાજુએ અરુણાચલ પર્વતની પ્રદક્ષિણાનો Inner path આવ્યો.આ ઝાડી-ઝાંખરા વાળા પથરાળ માર્ગેથી પણ અનેક શ્રધ્ધાળુઓ, દક્ષિણ ભારતના પાંચ મુખ્ય શૈવ સ્થાનોમાંના આ અરુણાચલ કે સોનાચલમ તરીકે પણ ઓળખાતાં પર્વતની પ્રદક્ષિણા કરે છે.અગ્નિ તત્વને અભિવ્યક્ત કરતાં આ અરુણાચલ પર્વતના outer pathની દર પૂનમે રાત્રે થતી ચૌદ કિલોમીટરની પરિક્રમાથી આ inner pathની પરિક્રમા ટૂંકી અને બાર કિલોમિટરની છે એવું મારી જાણમાં હતું.

એટલું જ નહીં માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની પૂનમે જ્યારે નક્ષત્ર પણ મૃગશિરા હોય છે ત્યારે આ અરુણાચલ પર્વત પર ‘કાર્તિગાઈ દીપમ’નું મહાપર્વ પણ આપણી દિવાળીના પર્વ માફક ઉજવાય છે જેમાં નવેમ્બર-ડિસેમ્બરમાં પડતી એ પૂનમની સાંજે હજારો શ્રધ્ધાળુઓ અરુણાચલેશ્વર મંદિરમાં પ્રજ્વલિત અગ્નિમાંથી એક પાત્રમાં અંગારો લઈ, સાથે દિવેટ રાખી અરુણાચલ પર્વત પર ચડે છે અને જ્યારે એક બાજુ સૂર્યાસ્ત થતો હોય અને બીજી બાજુ ચંદ્રોદય થતો હોય તેવી ક્ષણે [લગભગ સાંજે છ વાગે] અરુણાચલ પર્વતના પાંચમાંથી સૌથી ઊંચા શિખર પર જ્યાં એક મોટી કઢાઈમાં સૌથી વધુ કિલો ઘી અને કપૂર mix કરેલું હોય તે મહાપાત્રમાં અગ્નિ પ્રજ્વલિત કરે છે.
આ અગ્નિ કે અગ્નિ દીપમ, ૨,૬૭૧ ફૂટ નીચે રહેલી તળેટી સુધી અને આખા તિરુવન્નામલાઈ ગામમાંથી દેખાય છે અને તે સમયે શ્રી રમણાશ્રમમાં પણ અસંખ્ય ભક્તો દ્વારા ‘અરુણાચલ શિવ’નો મંત્રોચ્ચાર થાય છે જેનો સમૂહ ધ્વનિ ખાસ્સો meditative અને energetic હોય છે અને સમગ્ર દ્રશ્ય પણ મંત્રમુગ્ધ કરે તેવું enchanting હોય છે.
અરુણાચલ પર્વત ચઢતી વખતે આવી religeo-cultural વાતો મનમાં રાખી અમે ડાબી બાજુના પ્રદક્ષિણા માટેના inner path પર નહીં પરંતુ જમણી બાજુના pavemented path પર ચાલવાનું continue કર્યું.અમારી આગળ પાછળ પણ કેટલાક આશ્રમવાસીઓ અને રમણ ભગવાનના પરદેશી અનુયાયીઓ હતા જે આ જંગલ જેવા પર્વત પર ખુલ્લા પગે ચાલતા હતા.

ધીમે-ધીમે સૂર્ય કિરણો પર્વતને પ્રકાશિત કરી રહ્યાં હતાં અને ખડકો આસપાસ ઝાડી-ઝાંખરાઓમાં ક્યાંક ક્યાંક નાના-નાના પંખીડાઓની ઉડાઉડ પણ દેખાતી હતી.આટલા refreshing વાતાવરણમાં હું અને સુભાષ પણ મૌન યાત્રા માફક પ્રાચીન અરુણાચલ પર્વતનો Mysterious mood અંદર ઉતારતાં ઉતારતાં સ્કંદાશ્રમ તરફ ડગ માંડતા હતા અને એવી ક્ષણોમાં એક એવો view point આવ્યો જ્યાંથી અમને નીચે તળેટીમાં રહેલા અરુણાચલેશ્વર મંદિરનો bird eye view મળતો હતો, આથી હું અને સુભાષ થોડીવાર ત્યાં ઉભા રહ્યાં અને મેં તિરુવન્નામલાઈ સ્થિત આ પ્રાચીન અરુણાચલેશ્વર મંદિરને તેના ગોપુરમ સાથે જીલ્યું અને પછી ધીમે ધીમે સ્કંદાશ્રમ પહોંચ્યા.

રોજ સવારે આઠ વાગે ખુલતાં સ્કંદાશ્રમ માટે અમે થોડા વહેલા હતાં આથી અમે સ્કંદાશ્રમના દરવાજે થોડીવાર ઉભા રહ્યાં.થોડીવાર પછી રમણાશ્રમથી રોજ સવારે અરુણાચલ પર્વત ચઢીને ઉપર આવતા એક સંન્યાસી સ્કંદાશ્રમ આવ્યા અને કોઈ શ્લોક ગાન સાથે તેમણે સ્કંદાશ્રમનું તાળું ખોલ્યું.
તાળું ખોલ્યું કે તરત જ હું અને સુભાષ નાના-નાના પગથિયા ચડીને લીલા બારી બારણા વાળા સ્કંદાશ્રમની inner chamberમાં તે સંન્યાસીની પાછળો પાછળ પ્રવેશ્યાં અને દીવાલને ટેકે આંખ બંધ કરીને બેઠા ત્યાં થોડી વારમાં તાળું ખોલનાર સંન્યાસી દ્વારા મંત્રોચ્ચાર શરૂ થયા.

એક તો સવારનો સમય, અરુણાચલ પર્વત અને શ્રી રમણ મહર્ષિ જ્યાં ૧૯૧૬થી ૧૯૨૨ એમ સાત વર્ષ રહ્યાં હતાં તે સ્થળ મંત્રોચ્ચારના દક્ષિણ ભારતીય આરોહ અવરોહમાં અમારી અંદર ઉતરતું હતું અને અમે પલોઠી વાળી અંદર ઉતરતી એ ઊર્જાને જીલતા બેઠા હતા. આવી નિરાંત પછી હું અને સુભાષ વિરૂપાક્ષ ગુફા ગયા જ્યાં શ્રી રમણ ભગવાન ૧૮૯૯થી ૧૯૧૬ એમ કુલ સત્તર વર્ષ રહ્યાં હતાં અને જ્યાંથી તેમની who am I?ની યાત્રાનું દર્શન લખાયું હતું.
મોટી મોટી શીલાઓ પાસેના જાપલી જેવા દરવાજાથી અંદર ગયા પછી જોયું તો બીજા કેટલાક પ્રવાસીઓ અને શ્રી રમણ ભગવાનના અનુયાયીઓ પણ હતાં અને બધા સાદી પલોઠી કે પદ્માસનમાં ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠા હતા.

મેં પણ મારો અસબાબ બાજુમાં રાખી ઊંચી ઓટલી વાળા એક ખૂણે પલોઠી વાળી અને આંખ બંધ કરી વિરૂપાક્ષ ગુફાના vibesને અંદર ઉતારતાં રમણનું સ્મરણ કર્યું.આમ અડધી-પોણી કલાક બેઠા પછી હું ઊભી થઈ અને વિરૂપાક્ષ ગુફાની બહાર ગઈ અને આસપાસ જોયું પણ સુભાષ ક્યાંય દેખાણો નહિ એટલે લગભગ સાડા દસ આસપાસ મેં એકલા જ નીચે ઉતરવાનું શરૂ કર્યું.
જયારે વિરૂપાક્ષ ગુફાથી અરુણાચલ પર્વત ઉતરવાનું શરૂ કર્યું ત્યારે નીચે ઉતરવામાં બે-ત્રણ વ્યક્તિઓ સાથે હતા એટલે થયું કે વાંધો નહિ આવે પરંતુ ધીમે ધીમે જંગલ જેવા પર્વત વચ્ચે હું એકલી પડી ગઈ અને પગથિયા તો ઉતરતી હતી પણ ભયની મારી પરસેવે રેબઝેબ થઈ અંદરને અંદર રમણને પ્રાર્થના કરતી હતી કે કંઈક મદદ કરો.
આવી પ્રાર્થના વચ્ચે પગથિયા પર પડેલા પાંદડાઓનો ખખડાટ વધ્યો અને મેં પાછળ ફરીને જોયું તો કાળા ડિબાંગ શરીર વાળી એક ત્રીસેક વર્ષની વ્યક્તિ નીચે સફેદ ધોતી અને ઉપર ખુલ્લા શરીરે પગથિયા ઉતરતી હતી અને તેના જમણા હાથમાં લાકડી હતી.
મારો ભય ઘટવાની બદલે વધ્યો અને તે ભયને ઘટાડવા મેં જ સામેથી તેમને પૂછ્યું કે આપકા નામ ક્યાં હૈ? આપ કહા કે હો? ક્યાં કરતે હો વિગેરે વિગેરે અને આમ વાત કરવાથી મારો અજાણી વ્યક્તિ કેવી હશે તે ભય તો ઘટ્યો જ પરંતુ તે ભણેલી-ગણેલી દક્ષિણ ભારતીય વ્યક્તિ સાથે મેં રમણ ઉપરાંત ઓશો રજનીશ અને જે કૃષ્ણમૂર્તિની વાતો પણ કરી અને પર્વતનો જંગલ જેવો patch પૂરો થયો કે મારી સાથે ચાલતી તે દૂબળી-પાતળી સાત્વિક વ્યક્તિ, મારા આશ્રય વચ્ચે, ક્યાંક દેખાણી નહિ એટલે મને થયું કે રમણે મને અરુણાચલના અઘરા જંગલ જેવા patchને પસાર કરવા જાણે સાથ આપ્યો અને પછી અદ્રશ્ય થઈ ગયા.

રુવાડા બેઠા કરી દે એવી આ ઘટના પછી હું જાતને ભેગી કરું ત્યાં જ મને રમણાશ્રમનો પાછળનો દરવાજો દેખાણો જ્યાંથી સવારે મેં અને સુભાષે અરુણાચલ પર્વત ચઢવાનું શરુ કરેલું.એ દરવાજો પર્વત ઉપરથી જોયા પછી પર્વતના બાકીના પગથિયા હેઠા જીવે ઉતરી અને ઘાયે ઘા કે કહો, almost, દોડતી કે ઝડપી ચાલે હું રૂમ પર પહોંચી અને બા-સુભાષને બધી માંડીને વાત કરી અને એ પછી સાડા અગિયારે ભોજનનો બેલ પડે તે પહેલા હાથ-પગ, મોઢું ધોયા અને ફ્રેશ થઈ અમે ત્રણેય આશ્રમના dining hallમાં લંચ માટે ગયા.
તે દિવસે સૌ આશ્રમવાસીઓ સાથે જમી ત્યારે બપોરના ભોજનનો સંતોષ જાણે છેલ્લા અમૃત કોળીયામાં હોય એટલો મીઠ્ઠો હતો અને મનોમન કહેતો હતો કે The moment you realize something, life takes its ‘u’ turn.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.