લેખિકાની છબીકલા યાત્રા ભાવનગરના સુરખાબથી શરૂ થઈ ફકીરાણી જત પ્રજાના સાંસ્કૃતિક વારસા સુધી વિસ્તરે છે. જત સ્ત્રીઓના અદભૂત ભરતકામ, તેમના પરંપરાગત ઘરો અને માલધારી જીવનને કેમેરામાં કંડારીને લેખિકાએ માનવીય સંવેદનાઓ અને એથનિક સુંદરતાને વાચા આપી છે.
છબીકલાના પ્રારંભિક વર્ષોમાં શિયાળાની સવારો ભાવનગર એરપોર્ટ પાછળના એવા વિસ્તારોમાં પસાર થતી કે જ્યાં સુરખાબનો શ્વેત-ધવલ મેળો ભરાતો.ખરેખર તો નજીકના Saltpan પંપનું પાણી કુલ દોઢ કિલોમીટરમાંથી અડધાએક કિલોમીટરના પાળા બાંધેલા વિસ્તારમાં ભરેલું રહેતું જેમાં સુરખાબ જ નહિ પરંતુ સામાન્ય તુતવારી, રાતાપગ તુતવારી અને Godwits એટલે ગડેરા પણ આ ખારાપાટના મહેમાનો.હું અને મારી જેવા બીજા પક્ષીપ્રેમીઓ પણ કાં તો વહેલી સવારે સૂર્યોદય પહેલા કે સાંજે, સૂર્યાસ્ત પહેલા અહીં દૂરબીન અને કેમેરા સાથે આવે અને જળ-થળના આ વિશાળ વિસ્તારમાં પથરાયેલા પક્ષીઓને અવલોકે.

Asian birdsના census વખતે પક્ષીના જાણકારોની તો અહીં frequency ખરી જ પરંતુ અન્ય છબીકારો માફક હું પણ ગળે કેમેરા લટકાવતી અહીં આવું અને સૂર્યોદય સાથે સુરખાબ સંયોજવા zoom lens ચડાવું અને ક્યારેક સોલ્ટપાનની સમાંતરે રહેલા શાંત રસ્તે ગમતી વૉક પણ લઉં અને એકાદ પાળ પર બેસું પણ ખરી.
આવો ક્રમ મારી છબીકલાના શરૂઆતના શિયાળાની સવારો cover કરતો ચાલ્યો જેમાં હું ઝૂમ લેન્સ ચડાવી લાંબી ડોક, લાંબા પગ, વાંકી લાલ ચાંચ અને સફેદ-ગુલાબી પાંખો ધરાવતાં સુરખાબને શક્ય એટલા નજીકથી સંયોજવા પ્રયત્ન કરું પરંતુ સૌ એકસાથે દૂર દૂર સરકવા લાગે એટલે ભલે ઝૂમ લેન્સ ચડાવ્યો હોય પરતું ફોટામાં સુરખાબ મોટા ન આવે.

વળી હું પક્ષી ઉડાડ સમિતિની કોઈ સભ્ય નોહતી એટલે સુરખાબની flightના ફોટા પાડવા કાંકરી ચાળો કરી સુરખાબને ઉડાડતી નહિ પરતું કોઈ અન્ય ખલેલને કારણે આખો સમૂહ ઉડતો ત્યારે વાંકી ચાંચે જીંગા કે નાની માછલી પકડવામાં મશગૂલ આખો સમૂહ આકાશમાં અચાનક ગુલાબી રંગ ઉડાડતો અને વળી પાછો સરોવર જળ પર ઉતરાણ કરી મારી જેવાને એકાદ સારા સંયોજનની કૃપા કરતો.

એક વખત અચાનક મજા તો ત્યારે આવી કે વર્ષ 2000ના નવેમ્બરની એક સવારે મેં આ saltpanના પાળા પર દસ-પંદર ઊંટની વણજાર જોઈ. છ એક ઊંટ પાળા પર ચાલતાં હતાં અને બાકીના પાળાની નીચેના કાચા, ગારા વાળા રસ્તા પર તેમની ધીમી ગતિનો grace પાથરતાં હતાં.એ વખતે ધીમે ધીમે થતા સૂર્યોદયનો તાજ્જો પ્રકાશ ઊંટની વણજાર પર ઓજસ પાથરતો હતો અને ઠંડીની મીઠ્ઠી શરુઆતના પુરાવા રૂપે ઊંટ પાછળ ચાલતો નાનો રખેવાળ પગથી માથા સુધી ઢબુરાઈને ચાલતો હતો.
અચાનક મળેલી આ લોટરીમાં મારા ડાબા હાથે પાળા પર ઊંટ, પાળાની નીચે બરાબર વચ્ચે માટીના રસ્તે પણ ઊંટ, જમણે saltpanનું સરોવર અને ઉપર આકાશ.આવો well framed ફોટો જીલવામાં ધીમે ધીમે ચાલતાં ઊંટની આખી વણજારના એક એક ઊંટ figure out તો ન જ થયા પરંતુ આખી વણજાર મારી સામેથી પસાર થઈને આગળ ચાલી ત્યારે મારે દિશા બદલવી પડી અને આથી આખું દ્રશ્ય પણ બદલાઈ ગયું.

હવે saltpanના જળમાં થતો સૂર્યોદય ડાબી બાજુએ બરાબર મારી સામે આવ્યો અને જમણી બાજુ પાળા પર ચાલતા ઊંટ જે ધીમે ધીમે દૂર તો જતાં જ હતા પરંતુ સૂર્ય નારાયણ સામે હોવાથી મને છાયાચિત્રની ભેંટ આપીને પણ જતાં હતાં. આવી મજાની ભેંટનો કોઈ નિષ્ણાંત છબીકાર ન્યાય કરી શકે તેવો ન્યાય તો ન જ થયો પરંતુ ઊંટ ઉછેરતી આ પ્રજા તો માલધારી જત છે એવી બત્તી થતાં જ બહુ ઝડપથી હું તેના ઊંચા પડછંદ અને કથ્થાઈ રંગના પઠાણી પહેરેલા રખેવાળ સુધી પહોંચી ગઈ અને કચ્છી ઢાળનું ગુજરાતી બોલતા એ જત સમૂહો ક્યાં રહે છે એ કાચું-પાકું જાણીને વધુ તડકો થાય અને નિશાળની નોકરીએ જવાનો સમય થાય એ પહેલા ઘરે પહોંચી.

પછી તો શિયાળામાં જ explore કરી શકાતાં ભાવનગરના saltpanના સાંઢિયા ફાટક વિસ્તારમાં સાંઢિયા એટલે ઊંટ રાખતી જત પ્રજાના ઝુંપડાને મેં શોધી કાઢ્યા અને મૂળે બલુચિસ્તાનના બોલનઘાટ પાસે કીકાનમાં વસતી આ nomadic tribe સદીઓ પહેલા બલુચિસ્તાનથી સિંધ થઈ કેવીરીતે કચ્છ-સૌરાષ્ટ્રમાં સુધી પહોંચી એ પણ જાણીને શિયાળાની એક સવારે migrationથી મુંજાય નહિ એવા આ ખડતલ ફકિરાણી જતના ‘pukkas’ એટલે કાચા બાંધેલા ઘરો સુધી પહોંચી.

આજથી પચ્ચીસેક વર્ષો પહેલાના ભાવનગરના આ વિસ્તારના ગાંડા બાવળના કોરા, semi arid વિસ્તાર વચ્ચે દૂરથી જ જતના ઝુંપડા મને દેખાણા અને ત્યાં પહોંચીને મેં મારા કાયનેટીની ઘોડી ચડાવી, ગળામાં કેમેરો નાખ્યો અને બરુના સુકાયેલા ઘાસ અને દોરડાનો ઉપયોગ કરેલા પરંપરાગત એથનિક ઘરો તરફ પગ ઉપાડ્યા કે તરત જ નાકમાં સોનાનો વિંઢો અને ચાંદીની વજનદાર હાંસડી પહેરેલા એક જત દાદીએ મને ચોવીસ કેરેટના શુધ્ધ સોના જેવા સ્મિતથી આવકારી અને મેં પણ દૂરથી જ તેમને કેમેરાની યાદગાર જોળીમાં frame કરીને ગોઠવ્યા.
બાવળિયાના background સાથેનું આ પ્રથમ ‘જત’ encounter પછી તો એવું set થઈ ગયું કે નખ મુકવાની પણ જગ્યા ન રહે તેવા પાક્કા ભરતના યોક વાળુ ગાઉન પહેરેલી એથનિક ફકિરાણી જત સ્ત્રીઓને મેં, પૂરી મૈત્રીથી, તેઓના ઝુંપડાઓ સાથે સંયોજી જેમાં ઝૂપડાની ડાબી બાજુ દૂર નજર કરો તો મારું કાયનેટીક પાર્ક કરેલું પણ દેખાય.

વન્યજીવનમાંથી Indian heritage અને cultural photography તરફ વળી રહેલી મારી છબીકલા યાત્રાના એ વર્ષોમાં મારી ફકીરાણી જત સુધી કેમેરા લઈને જવાની જે frequency વધી તેમાં એક સવારે મેં ત્યાં પહોંચીને ચા પીધી અને તેઓના ઘરોને backgroundમાં રાખીને વચ્ચે સેંથો પાડિને માથુ ઓળતી જત દાદીનું વ્યક્તિચિત્ર જીલ્યું અને ભાવનગરના આંબાચોક વિસ્તારમાં નારેશ્વર મંદિર પાસેની દુકાનોમાં મળતી લાલ રંગની ચૂંદડિઓ ઓઢેલી અને બંને હાથમાં સફેદ ચૂડલા પહેરેલી બે સ્ત્રીઓનો ફોટો પાડ્યો ત્યારે તે બે સાથે છ બાળકોની મારી ગમતી ગેંગ પણ તે ફોટામાં હતી.
આ ફોટાની વાત કરું તો આ ફોટો પાડતી વખતે શિયાળાની સવારનો તાજ્જો તડકો, જમણે જતના ઝૂપડાની ‘વાય’ આકારની થાંભલિયુ ઝાંખી-પાંખી દેખાય અને બરાબર વચ્ચે આ આઠ જણાની સમૂહ તસવીરમાં છ બાળગોપાળોમાં બે જોરજોરથી ભેકડો તાણીને રડે અને બાકિના ચારમાંથી મીંઢલી વાળેલી બે જત કુમારીકાઓ તો મીઠ્ઠા હોંકારા દેતી અને લેન્સ સામે બરાબર નજર રાખી ફોટો પડાવ્યો.
એક વખત તો હું અગાઉ પાડેલા ફોટાની પ્રિન્ટ લઈને ફકિરાણી જતની આ વસાહતે પહોંચી ત્યારે ત્યાં રહેતી જતની બધી સ્ત્રીઓ એ તસવીરો જોવા બહાર આવી અને ફરી તે વખતે મેં એક સાથે પાંચેક હમઉમ્ર કહિ શકાય તેવી એકદમ ethnic જત સ્ત્રીઓના ગ્રુપને તેઓના પરંપરાગત ઘરોના foregroundમાં જીલ્યા અને અટલસી ગાઉન પરના Gaj-yoke તરીકે ઓળખાતા ભરત ભરેલા yokeને ધ્યાનમાં રાખીને ફોટા પાડ્યા.
ભૌમિતિક ભાતોની dense embroideryની વચ્ચે વચ્ચે ગોળ-ચોરસ કાચ જડબેસલાક જડેલા હોય તેવા આ યોકનું પાક્કુ ભરતકામ અને તે ભરતકામના લાલ-લીલા, સફેદ અને કાળા દોરા એવા tight stichingથી કડક ભરેલા હતાં કે આપણને એવું થાય કે જાણે આ ફકિરાણી જત મુસ્લિમ માલધારી સ્ત્રીઓએ ભરેલા બખ્તર પહેર્યા છે.
આવી ethnic અને embroideried બખ્તર પહેરેલી જત સ્ત્રીઓ પાસે શિયાળે એકાદ-બે વખત ગઈ ત્યારે એક વખત હું કેમેરામાં monocrome એટલે શ્વેત-શ્યામ રોલ ચડાવીને ગઈ હતી અને એ દિવસે જેવી હું એ વસાહત સુધી પહોંચી અને મારું કાઈનેટિક પાર્ક કરું કે બંને કાનની ઉપર એકદમ tight બે મીંઢલી વાળેલી એક દીકરી બાવળિયા વાળી ખુલ્લી અને વૃક્ષો વગરની એ વસાહતમાં મારી સામે જ ઉભી હતી અને તેની એકદમ ધારદાર નજરથી મારી સામે જોઇને મને કહેતી હતી ઓહો! તમે આવી પહોંચ્યા હેને!
હાથમાં સ્ટીલની ડિશ લઈને નાસ્તો કરતી અને જતની દીકરીઓના ભરત ભરેલા લાંબા ફ્રોક જેવું ગાઉન પહેરેલી તેને મેં એ જ વખતે close-upમાં કચકડે મઢી અને પછી તો જે એક-બે કલાક હું ત્યાં રહિ તેમાં માત્ર તેને જ તેના વિવિધ moods અને મુદ્રામાં સંયોજયા કરી.
એ દિવસની સવારે એ ફકીરાણી જત દીકરીના એટલા portraits 5.6ના aperture પર પાડ્યા કે જાણે મેં portraitનો કોઈ workshop attend કર્યો હોય તેવું લાગ્યું કારણ કે એ દીકરી જ એટલી expressive હતી કે મેં તેનો વિચારશીલ મુદ્રામાં થાંભલી આગળ એક portrait લીધો. એક મારાથી નારાજ થઈને, ખોટું લગાડીને, કતરાઈને આડી નજરે મને જોતી હોય તેવો. એક રિસાઈને ધૂળમાં બેસી ગઈ હોય તેવો અને એક દૂર કોઈને નજર માંડિને નિહાળતી હોય તેવો.
Monocromeના શ્વેત-શ્યામ રંગમાં તે સવારે આટલી photography કર્યા પછી એ મોંઘા monocrome roll મેં વળી sepia અને cyno type blue tintમાં print કરાવી મનોમન કશુંક ઊંચું અને artistic કર્યાનો આનંદ લીધો.

આવા આનંદમાં ઉમેરો કરતી એક ઘટના તો ત્યારે બની કે જ્યારે એક વખત હું 500 વર્ષો પહેલા પોતાના માલ માટે ચરાણની ભૂમિ શોધતાં શોધતાં કચ્છ સુધી આવી ગયેલા આ ફકીરાણી જત મુસ્લિમ માલધારીની ભાવનગરની વસાહત સુધી પહોંચી કે તરત જ, શિયાળાની ગુલાબી તડકિમાં, એક જત દીકરીને આંગણામાં ઊભેલી જોઈ અને તેણે પણ મને notice કરી.
આંજણ આંજેલી મોટી ધારદાર આંખો, વાળની બે ઊંચી બાંધેલી ચોટલીમાં નાંખેલા ફૂમતા અને તે ફૂમતાંમાં વળી મોતી લટકતાં હોય તેવો શણગાર જોઈને હું તો ત્યાં જ અટકી ગઈ.એટલું જ નહીં, બંને નાનકડા હાથોમાં મુકાયેલી મહેંદિ વાળી તે જત દીકરીએ વળી ખભા પર એક પોપટી બટન વાળું અજરખી પ્રિન્ટનું નાનું ગાઉન પહેરેલું અને હાથમાં હતી અતરંગી બંગડીઓ.
એક જ દીકરીમાં એકસાથે આટલું જેવું જોયું કે તરત જ સંયોજી હજી સરખી થાવ ત્યાં તેનો ઘર-પરિવાર બહાર આવ્યો.શિયાળાની તે ગુલાબી સવારે ખાસ તો જત બહેનોના ચૂરી તરીકે ઓળખાતા લાંબા ગાઉનનો Gaj-yoke ખરીદવા ગયેલી મેં yoke માંગ્યો અને ઘર અંદરથી જેવો ભરત ભરેલો જાડો-વજનદાર યોક આવ્યો કે તરત જ ઘરના તોફાની છોકરાએ પોતાના બુસ્કોટ પર યોક રાખીને મને display કર્યો.
તે દિવસે, જત સ્ત્રીઓના જે પરંપરાગત પહેરવેશથી આકર્ષાયને હું વારંવાર આ વસાહત સુધી આવતી હતી તે ચૂરી નામના લાંબા ગાઉન પરનો front yoke મારી સામે હતો.ખરબચડા સુતરાઉ કપડા પર grid-based એટલે જાળી આધારિત ભરતકામ અને તેમાં ભૌમિતિક અને abstract ભાતના motifsની અંદર ઝગમગતા Mirror જોઇને મને મજા પડી અને મેં એ embroideried yokeને હાથમાં લીધો.
Islamic tile workમાં જોવા મળતું mosaic એટલે લાદી ચિત્ર જેવું રંગીન જડાવકામ અને એ પણ સુતરાઉ વસ્ત્ર પર ઝગમગતું જોઈ-સ્પર્શીને તેમાં વપરાયેલા ઘાટ્ટા રંગો પર હું વારી ગઈ અને મેં મારા ethnic collectionમાં રાખવા માટે એક embroderied yoke ખરિદીને કથ્થાઈ પઠાણી અને લીલી ધાર વાળી સફેદ ટોપી પહેરેલા તે પરિવારના જત ભાઈના સ્મિતને પણ કેમેરાની જોળીમાં ભરી ફકીરાણી જતની તે ગમતી વસાહતની રજા લીધી.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.