Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

ભારતીય બંધારણના ઘડતરમાં બંધારણીય સલાહકાર ડૉ. બી.એન. રાવનું પ્રદાન અમૂલ્ય છે. તેમની નૈતિકતા, ઊંડા અભ્યાસ અને જટિલ મુદ્દાઓના સરળ ઉકેલ લાવવાની ક્ષમતાને કારણે જ ભારત સફળતાપૂર્વક લેખિત બંધારણ રચી શક્યું, જે આજે પણ વિશ્વમાં લોકશાહીનું જીવંત ઉદાહરણ છે.

વિન્સ્ટન્ટ ચર્ચિલ સરીખા વિદેશી રાજનેતાઓને ભારત પોતાનું બંધારણ ઘડી શકે તે માટે ભરોભાર શંકા હતી, પરંતુ ભારતે સફળતાપૂર્વક પોતાનું બંધારણ ઘડ્યું. આજે જ્યારે દુનિયાના ઘણા દેશોમાંથી લોકશાહી અદ્રશ્ય થવા લાગી છે ત્યારે ભારત હજુ લોકશાહી ઢબે વિકાસ કરી રહ્યો છે. ભારતની બંધારણ સભાની ચર્ચાઓ તમે વાંચશો તો ખ્યાલ આવશે કે બંધારણના ઘડવૈયાઓએ કેટલું ઝીણું ઝીણું કાત્યું છે. ચર્ચાઓ કરી છે. બંધારણસભા લેખિત બંધારણ ઘડી શકી તેની પાછળ બંધારણીય સલાહકાર રહેલા બી. એન. રાવની મહેનત અને અભ્યાસ છે.


તેમનો ટૂંકમાં પરિચય કરી લઈએ. ૨૬ ફેબ્રુઆરી, ૧૮૮૭માં કર્ણાટકના દક્ષિણ કેનેરા જિલ્લામાં જન્મેલા બી.એન. રાવનું આખું નામ બેનેગલ નરસિંહ રાવ હતું. તેઓ અભ્યાસમાં શરૂઆતથી જ તેજ રહેલા. તે વખતની બ્રિટિશ સરકારની સ્કોલરશીપ લઈને તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની ટ્રીનીટી કોલેજમાં ભણ્યા હતા. ૧૯૦૯માં તેઓ આઈ.સી.એસ. (આજની આઈ.એ.એસ)ની પરીક્ષામાં પસંદગી પામ્યા. કઠિન કહેવાતી આ પરીક્ષાની વૈતરણી પાર કર્યા બાદ તેમને સદનસીબે પોતાના ગૃહરાજ્ય મદ્રાસ પ્રાંતમાં જ પોસ્ટિંગ મળ્યું પરંતુ નૈતિકતાના પૂજારી એવા રાવે પોતાના પ્રાંતમાં પક્ષપાતરહિત કામગીરી ન થઈ શકે તે કારણ દર્શાવી બદલી (ટ્રાન્સફર) માગી. છે ને અદભૂત નૈતિકતા! બ્રિટિશ સરકારમાં તેમની માંગણી ગ્રાહય રખાઈ અને તેમને બંગાળ પ્રાંતમાં મૂકવામાં આવ્યા. તેમની મોટાભાગની નોકરી બંગાળ અને આસામમાં જ પૂરી થઈ હતી.


ડો.રાવને બ્રિટિશ શાસનમાં કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી કે જેના પરથી બ્રિટિશ સરકારને આ પ્રશાસક ઉપર કેટલો ભરોસો હતો તે સિદ્ધ થતું હતું. આસામનો પક્ષ સાઇમન કમિશન સમક્ષ રજુ કરવા સરકારે તેમને લંડન મોકલ્યા હતા. મોન્ટેગ્યુ- ચેમ્સફર્ડ કાયદા- ભારત સરકાર અધિનિયમ-૧૯૩૫ના ઘડાવાના સમયે ડો.રાવે નવી દિલ્હીમાં ઓફિસર ઓન ડ્યુટી (ઓ.એસ.ડી) તરીકે ફરજ બજાવી. આ પદે રહીને તેઓ ગવર્નર જનરલને સંવૈધાનિક સહાયતા આપતા રહેલા. આ રીતે સંવિધાનના મામલામાં તેમનો વર્ષોનો અભ્યાસ હતો. જે તે સમયના જુના કાયદાઓને ૧૯૩૫ના ભારત સરકાર અધિનિયમ અનુરૂપ ફેરવવા માટે એમણે બેહદ પ્રશંસનીય કામગીરી કરી. આ કામગીરીને બિરદાવતા વર્ષ ૧૯૩૮માં બ્રિટિશ સરકારે તેમને ‘નાઈટહૂડ’નો ખિતાબ આપ્યો હતો. ૧૯૩૯-૪૪ દરમિયાન તેઓ પોતાની મૂળ જગ્યાએ પાછા જઈને કલકત્તા ખાતેની હાઇકોર્ટમાં જજ તરીકે રહ્યા અને તે જગ્યા ઉપર નિવૃત્તિ પામ્યા. ત્યારબાદ પણ તેમને સરકાર દ્વારા જ્યાં પણ યાદ કરવામાં આવ્યા તે જગ્યા ઉપર તેઓ સેવા આપતા રહ્યા. તેમણે સિંધ- પંજાબ વચ્ચેના સિંધુ નદીના પાણી વહેંચણી આયોગ , હિન્દુ પર્સનલ લો સુધારા આયોગ વગેરેમાં અધ્યક્ષતા કરીને પોતાની વહીવટી કુનેહ દર્શાવી હતી. તેમ


ભારતના લેખિત બંધારણની રચનામાં ડો.બી.એન રાવ જેવા સંવિધાનના વિષયના નિષ્ણાતની મદદ લેવાશે તેવા વિધાતાના લેખ સાચા પડ્યા કે જ્યારે જુલાઈ,૧૯૪૬માં તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ વેવલે ‘રીફોર્મ ઓફિસ’ હેઠળ તેમને ભારતની સંવિધાન સભાના બંધારણીય સલાહકાર નિમ્યા.


ભારતની બંધારણ સભાની કઠણાઈ તે હતી કે તે સમયે બંધારણસભામાં ચૂંટાયેલા મોટાભાગના સભ્યો સ્વાતંત્ર સેનાની હતા. તેમાંથી ઘણા ખરા વકીલો હતા પરંતુ બંધારણ એ ઘણો જ અભ્યાસ માંગી લે તેઓ વિષય છે જેમાં દરેક વ્યક્તિની પ્રવીણતા ન પણ હોય. આ પરિસ્થિતિમાં ડોક્ટર રાવ આ સભ્યોની મદદે આવતા હતા. બંધારણસભામાં જે કોઈ મુદ્દો ચર્ચાવાનો હોય તે માટેની સંદર્ભ સામગ્રી સભ્યને તેઓ પૂરી પાડતાં. ડો.રાવ દુનિયાના તે સમયના દેશોના લેખિત- અલેખિત બંધારણમાંથી ભારતને લાગુ પડતા મુદ્દાઓ- જોગવાઈઓ પસંદ કરી તેના દસ્તાવેજો સભ્યશ્રીઓને અભ્યાસ માટે ઉપલબ્ધ કરાવતા હતા. સભ્યશ્રીઓને સંદર્ભ તરીકેની સામગ્રી સરળતાથી મળી રહે તે માટે તેઓ કાળજી લેતા. તેમણે મેળવેલી કાચી સામગ્રી પરથી સભ્યશ્રીને અભ્યાસમાં સરળતા રહે તે માટે સરળ શબ્દો અને રજૂઆતમાં તેમણે કેટલીક પુસ્તિકાઓ-બ્રોશર્સ છપાવ્યા હતાં. આ પગલાંથી રસ ધરાવનાર બંધારણ સભાના સભ્યશ્રીઓ બંધારણસભામાં સ્વસ્થ ચર્ચા કરી શક્યા. વિદ્વતાપૂર્ણ રીતે જે તે જોગવાઈઓ પર વિચારમંથન ચાલ્યું.


બંધારણના વિષયમાં તેમની પ્રવીણતા એ હદે હતી કે જ્યારે જ્યારે બંધારણસભામાં કોઈ જટિલ મુદ્દે દલીલો થતી અને મામલો ગૂંચવાઇ જતો. ચર્ચાની કોઈ દિશા નક્કી ન થતી ત્યારે ડો. રાવ તે જટિલ મુદ્દાના મૂળને પકડી તે બાબતને ઉકેલી આપતા. જેથી બંધારણસભામાં ચર્ચાનો દોર રાબેતા મુજબ આગળ ચાલવા લાગતો. ૨૫ નવેમ્બર, ૧૯૪૯માં સંવિધાનસભાની સમાપન ચર્ચામાં બોલતા ડો. બી. આર. આંબેડકરે બંધારણ ઘડવામાં તેમને જે શ્રેય આપવામાં આવે છે તેના ખરા અધિકારી ડો. બી.એન. રાવ છે તેમ કહીને આ વિદ્વાન સનદી અધિકારીની વિદ્વતાને મહોર મારી હતી.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે