Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

કચ્છના વાગડ પ્રદેશમાં આવેલા ઐતિહાસિક કંથકોટ કિલ્લાના ભ્રમણ દરમિયાન પ્રાચીન જૈન અને સૂર્યમંદિરના સ્થાપત્યો નિહાળ્યા પછી, લેખિકાને વેરાન ટેકરી પર દાદા કંથડનાથના મંદિર પાસે એક અજાણ્યા માણસનો પીછો અને ગેબી ભયનો શ્વાસ થંભાવી દે તેવો અનુભવ થયો.

સવારે દસ વાગ્યાથી ભુજની પૂર્વે વાગડ પ્રદેશમાં વસેલા કંથકોટને હું અને મારી સહપ્રવાસી, બિંદુ explore કરી રહ્યા હતા. કચ્છના રણની દક્ષિણ બાજુએ આવેલા આ પથરાળ પ્રદેશના કંથકોટ નામના ગામની ખડકાળ ટેકરી પર પહોંચીને, કાઠીઓએ બાંધેલા અને અવશેષિત અવસ્થામાં રહેલા કંથદુર્ગના પ્રવેશદ્વારને જોયા પછી અમે રસ્તાના વળાંકે આવતા ૧૭૦૦-૧૭૨૧ની સાલના પાળિયાઓને પણ નિરાંતે જોઈને કંથકોટના ડુંગર પરથી તળેટીમાં વસેલા કંથકોટ ગામનું વિહંગાવલોકન કર્યું અને દૂર દેખાતા બેવડા મંડપ વાળા જૈન મંદિર તરફ પગ ઉપાડ્યા જે જૈન મંદિરના સભામંડપને સોળ સ્તંભ હોવાથી તે સોળથંભી જૈન મંદિર તરીકે પણ ઓળખાતું હતું.



મધ્યયુગીન પડોના બનેલા અને સમથળ ટોચવાળા કંથકોટના ડુંગર પર બપોરનો સન્નાટો વ્યાપેલો હતો અને અમે જાડી-જાખરા અને પથરા-પાણાથી છવાયેલી આજુબાજુની ઊંચી-નીચી ટેકરીઓને નિહાળતા ઊંચા મોટા ટેકરા પર રહેલા ખંડેર જેવા અવશેષિત જૈન મંદિરની નજીક પહોંચ્યા.



વર્ષ ૨૦૦૦ના નવેમ્બરમાં અર્ધભગ્ન અવસ્થામાં શ્વાસ લેતા આ મંદિરને મેં આકાશના canvas પર દૂરથી જ wide angleમાં સંયોજ્યું ત્યારે ઉપર આકાશ અને ઈલેક્ટ્રીકના બે વાયર નીચે પીળી માટીના ટેકરા પર આકર્ષક સ્તંભો વચ્ચે આકાશના અંશો લઈને ઉભેલા જૈન મંદિરને તેની આસપાસ ઉગી ગયેલા આવળ-બાવળ સહિત સંયોજ્યું.



ધ્વસ્ત થયેલા શિખર વાળા આ જૈન મંદિર આસપાસના અવાવરુ વિસ્તારને પણ મારી કેમેરાની જોળીમાં ભરી 1819ના વિનાશક ભૂકંપના સાક્ષી આ જૈન મંદિરના પગથિયે પહોંચી અને જોયું તો મંડપની છતના ધુમ્મટો અને કેટલાક સ્તંભો પણ તૂટી ગયેલી હાલતમાં હતાં. આસપાસ બધે ખરી પડેલા શિખરો અને સ્તંભોના પથ્થરો વિખરાયેલા પડ્યાં હતા અને તેમાં સદીઓથી શ્વાસ લેતી શિલ્પ સમૃદ્ધિ લાવણ્યસભર પ્રતિમાઓના રૂપ-સ્વરૂપો લઈને રખડતી-રઝળતી કોઈના સ્પર્શની રાહમાં હતી.




ખવાઈ ગયેલી શિલ્પકૃતિઓ ઉપરાંત એક સ્તંભ પરનો લેખ ૧૩૩૦નો ઉલ્લેખ કરતો હતો અને શ્રીમાળી જૈનના ઉલ્લેખ વાળો એક આલેખ અમને તેરમી સદીમાં થઈ ગયેલા ભદ્રેશ્વરના પરોપકારી વેપારી શેઠ જગડુ શાહ સુધી તો દોરી જતો હતો પરંતુ તે ઉપરાંત એક સમયે કંથકોટમાં ઓસવાલ જૈનોની વસ્તી હતી તેવા ઈતિહાસ સુધી પણ દોરી જતો હતો.



આવા આલેખો જોયા પછી અમે તેરમી સદીના ઉતરાર્ધમાં શ્રીમાળી જૈનો દ્વારા બંધાવેલા કચ્છના આ જુનામાં જુના જૈન મંદિરના Archaeological survey of Indiaના સંરક્ષિત સ્મારકના Sign board સુધી જવા પગથિયા ઉતર્યા અને છસ્સો-સાતસો વર્ષ પ્રાચીન જૈન મંદિરના પડથારે ઉભાઉભા અમે ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢ મંડપ, સભા મંડપ અને પ્રવેશચોકીની સ્પષ્ટ સંરચના ધરાવતાં અને જૈન તીર્થંકરોની પ્રતિમાઓ ધરાવતાં જૈન મંદિરની સામે રહેલા ખંડિત સૂર્યમંદિરને નિરાંતે જોયું.



સવારથી કંથકોટના કંથદુર્ગ પર પાળિયા, પાણા-પથરા વચ્ચે રખડતાં અને કારતકની બપોરનો તડકો લેતાં અમને હવે ભૂખ તો લાગી હતી આથી જૈન મંદિરના પગથીયે બેસીને સાથે લાવેલા થેલામાંથી કોરા નાસ્તાના એકાદ-બે બુકડા ઉપર સુખડીની sweet dish જમી અમે પાણી પીધું અને જૈન મંદિરની બરાબર સામે દેખાતા સૂર્યમંદિર તરફ ચાલવાનું શરૂ કર્યું.




ચાલતાં ચાલતાં જ અર્ધભગ્ન સૂર્યમંદિરનો એક ઉભો ફોટો ખેંચ્યો ત્યારે સપાટ જમીન પર અવશેષિત અવસ્થામાં ઉભેલા સૂર્યમંદિરના foregroundમાં રહેલા માર્ગે જાડી-જાખરા નોહતા પરતું નાના-નાના પથ્થરો પડ્યા હતા અને સૂર્યમંદિરની પછીતે નળિયા વાળા બે ઘરો પણ દેખાતા હતા જેમાં કંથડના પૂજારી કાનફટા ગુરુ રહેતા હશે પરંતુ અમે એ બાજુ ન ગયા અને એક ઉભી શ્યામ-શ્વેત તસવીર ખેંચીને સીધા સૂર્યમંદિરે પહોંચ્યા અને ફરી એક રંગીન તસવીરમાં નજીકથી આ પુરાતન સૂર્ય મંદિરને સંયોજીને મંદિરમાં ગયા.



પરિસરમાં કેટલાક જુના પાળિયા સાચવીને બેઠેલા સૂર્યમંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વાર પરના શિલ્પો જોઈને મેં સ્તંભો પર રહેલા કિચકના શિલ્પોને કેમેરામાં ઉતાર્યા અને ભર બપોરે અંધારિયા લાગતા આ અવશેષિત સૂર્યમંદિરના અવાવરુ ગર્ભગૃહમાં પગ મુક્યો ત્યાં ચામાચીડિયાની ઉડાઉડ અને ગર્ભગૃહમાં રહેલી ભયંકર દુર્ગંધથી અમે પાછા પગલે બહાર તો નીકળ્યા પરંતુ કંથકોટની ઊંચી ટેકરીએ આ અવાવરું મંદિરે આસપાસ કોઈ નોહતું એટલે અમારો ભય પણ વધ્યો.



ભયથી ધબકતાં હૃદયે ખંડિત સૂર્યમંદિરને ઉતાવળે જોતાં અમે જોયું કે ગર્ભગૃહ અને સભામંડપના તૂટેલા શિખર ધરાવતા આ સૂર્યમંદિરના, શિલ્પો વગરના સાદા, સ્તંભો પણ ક્યાંક ક્યાંક ટેકા મુકિને ટકાવ્યા હતા અને આસપાસ જ્યાં જુઓ ત્યાં એક જમાનાના શિખરબદ્ધ સૂર્યમંદિરના અલંકૃત અંશો ઢગલો થઈને નોધારા પાડ્યા હતા.




1874-75માં પુરાતત્વવિદ, જેમ્સ બર્જેસે (James Burgess) દોરેલી સૂર્યપ્રતિમાની રેખાકૃતિ પુરાતત્વ ખાતાના રક્ષિત સ્થળના Signboardને શણગારતી સમભંગ મુદ્રામાં ઊભી રહિ સંરક્ષિત સ્થળનો સંદેશો આપી રહિ હતી અને અમે એ વાંચીને સૂર્યમંદિર પાછળ રહેલા પ્રાચીન શિવાલયે ગયા અને પછી ગયા દૂર દેખાતા કંથડનાથના દહેરે.



ભયંકર ઉચી ભેખડ પર આવેલા દાદા કંથડનાથના સફેદ દહેરા [Shrine] ધરાવતા પરિસરમાં અમે પ્રવેશ્યા ત્યારે એક-બે ફૂલ-છોડ જોઈને અમને આશ્ચર્ય તો થયું કારણ કે અત્યાર સુધી અમે એકલા આવળ-બાવળ અને પથ્થરો વચ્ચે રખડીને કંથદુર્ગની ભૂલાયેલી વિરાસતને જોઈ રહ્યા હતાં.Anyways, એ તો હવે અવશેષો હતાં અને હવે અમે દાદા કંથડનાથના મંદિર પરિસરમાં હતાં એટલે મંદિરમાં પ્રવેશતાં પહેલા બુટ-ચપ્પલ ઉતાર્યા અને કેમેરાને પણ કિટમાં મુકીને નાથ સંપ્રદાયના દાદા કંથડનાથની સંગેમરમરની મૂર્તિ સમક્ષ બેઠા.



સદીઓ પહેલા જામ મોડને કંથકોટની પહાડી પર કિલ્લો બાંધવાનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું પરતું તેના પુત્ર જામ સાડે કંથા એટલે ગોદડી સીવતા આ તપસ્વીને મનાવીને જે કંથદુર્ગ બાંધ્યો હતો તે દાદા કંથડનાથના આરસપહાણના પગલાને પણ અમે પગે લાગ્યા અને ફરી કંથડનાથની મૂર્તિને નિરાંતે જોઈ તો દાદાની મૂર્તિના કાનમાં કાનફટા નાથયોગીઓ પહેરે છે તેવી મુદ્રા જોઈ અને હાથમાં બેરખા સહીતની પલાઠી વાળેલી મુદ્રામાં કંડારેલી મૂર્તિ આસપાસ રુદ્રાક્ષ અને ઉનની કાળી શાલ હતી. અને મંદિરમાં માત્ર એકાદ-બે જણા દેખાતા હતા.




તેરમી સદીના ઉતરાર્ધે જામ મોડ સામ્માએ કંથકોટની ઊંચી ટેકરી પર બંધાવેલા મંદિરની જગ્યાએ દેદા જાડેજાઓએ વળી ૧૮૨૦માં એ જ સ્થળે મંદિર બાંધ્યું જે ૧૮૧૯ના મહાભયંકર ભૂકંપમાં જમીન દોસ્ત થઈ ગયું અને એ પછી ફરી અહીં દાદાની દેરી બંધાણી અને તેમના બાર-બાર વર્ષના તપની આ તપોભૂમિ પર ધજાયું ફરકવા લાગી હતી તે અમે જોઈ રહયા હતા.



દાદા કંથડનાથના મંદિર પરિસરમાં કરેલા આવા exploration વખતે મારી અને બિંદુ ઉપરાંત કમરે કાળી શાલ વીંટાળેલ લાંબી દાઢિ વાળી એક વ્યક્તિ હતી જે અમને જોઈ રહી હતી અને છતાં અમે કંથડનાથી યોગીઓની લાંબી લિંગોવાળી સમાધિઓ જોઈ અને કંથડનાથી કાનફટ્ટા યોગીઓના નિર્વાણ પછી અપાતી સમાધિઓની સામે બેઠા અને કંથડદેરી સામે રહેલું એક ભોયરુ પણ જોયું પરંતુ એ તરફ જવાની તો હિંમત જ ન કરી.



બપોર થોડી બોજીલ થતી જતી હતી અને કોઈ અજાણ્યો ભય મને અને બિંદુને કહેતો હતો કે હવે કિલ્લો ઉતરીને ગામ ભણી ભાગો આથી અમે બંને બેનુંએ બૂટ-ચંપલ પહેર્યા અને કંથદુર્ગ પર અવશેષિત અવસ્થામાં રહેલા પ્રાચીન સૂર્ય મંદિર અને જૈન મંદિરના પુરાવશેષોના ખંડિત પથારા વચ્ચેથી અને જાડી-જાખરા, આવળ-બાવળ વચ્ચે પડેલા પાણા-પથ્થર, શિલ્પો-શિખરો વચ્ચેથી કિલ્લાના પ્રવેશદ્વાર તરફ ચાલવાનું શરૂ કર્યું અને એવી ભાગદોડમાં અમે કિલ્લા પર રહેલો જામ મોડના નામનો મોડકુવો જોવાનું ચૂકી ગયા.




પાછળ ફરીને મંદિર તરફ નજર કરવાની હિંમત તો નોહતી પરંતુ તો પણ અમારા મરકટ મને એકવાર તો પીછેમુડ કર્યું અને અમારો ભય સાચો હતો કે કાળી ગરમ શાલ કમરે વીંટાળેલુ, લાંબી દાઢી વાળું અને ગળામાં કેટલાક કાળા દોરા-માદળિયાં પહેરેલું કોઈક અમારી પાછળ આવી રહ્યું હતું.



કંથદુર્ગ પર ગયા ત્યારે જ એ વેરાન-ઉજ્જડ કિલ્લા પર બપોરના બાર વાગેલા હતા એ પછી ચકલુય ફરકે નહી એવી ભરબપોરે અમે હજાર-બારસો વર્ષ પહેલાના, કાળની થપાટો જીલેલા અને લીલથી કાળા પડી ગયેલા ખંડેર જેવા મંદિરો કર્યા અને એ કરતી વખતે ગર્ભગૃહમાંથી ઉડતાં ચામાચીડિયાની પાંખના ફફડાતે અમે ફફડિ ઉઠી તરત જ પાછા પગલે બહાર આવ્યા પરંતુ આ ખંડેર જેવા મંદિરોની બહારનો માહોલ પણ ભય ઓઢીને એવો સ્થિર હતો કે કંથકોટ ગામ તો કિલ્લાની તળેટીએ અને અમે કિલ્લાની એકલી-અટૂલી વેરાન ટોચ પર એકલા આથડતા હતા.



મનમાં ગવાતા હનુમાન ચાલીશાની ઓથે અને લગભગ ઝડપી ચાલે દોડતાં અમે કિલ્લાના પ્રવેશદ્વારના પાળિયા વાળા વળાંકે પહોંચ્યા અને લોકજીવનના આ આરાધ્યદેવોને મનોમન માથું ટેકવી, મંડ્યા ગામ તરફનો ઢાળ ઉતરવા.



સવારથી જ નહિ પરંતુ છેલ્લા છ દિવસથી રખડી-રઝળીને તાંબા વર્ણી tanned થયેલી અમે બંને બેહેનો હનુમાનજી થઈ સીધો હનુમાન કુદકો મારી કંથદુર્ગની તળેટીએ કંથકોટ ગામમાં સદીઓથી વસતાં મધ્યકાલીન દેદા રજપૂતો કે વીરભદ્રોના ડેલીબંધ મકાનો સુધી પહોંચી જવાનું મન થયું પણ ના, અમારે તો બપોરના બે-ત્રણ વાગે ખંડેરો-અવશેષોની અવાવરુ ટોચ-ટેકરીએથી પાળિયા-પથ્થર વટાવતા આમ પગપાળા ચાલીને જ નીચે ઉતરવાનું થતું હતું.



ઉતાવળે અને ભયના ઓથાર હેઠળ ઢાળ ઉતરવામાં કેમેરા તો થેલામાં જ પેક હતો એટલું જ નહિ આસપાસનું વિહંગાવલોકન કરી કંથકોટ ગામનો sky view લેવાનું પણ અમે સાવ ભૂલી જ ગયા અને એકબીજાના પગે આવેલો પથરો પણ દદડતો હતો તો અમને એવું થતું કે ખરેખર અમારી પાછળ હજી કોઈ ગેબી જણ આવે છે.



બુમરાણ મચાવો તો પણ કોઈ સાંભળે નહિ એવી સમથળ ખંડેર ટેકરીએથી અમે આવા ભયને સાથે રાખી, હરણફાંળે નીચે ઉતર્યા અને ગામ નજીક આવ્યું ત્યારે પાછળ ફરીને જોયું તો દાદા કંથડનાથની ધૂણી વાળા દેરેથી (shrine) અમારી પાછળ આવતા જણ ક્યાંક અટકીને પાછા વળી ગયા હશે એટલે અમે થોડીવાર ઉભા રહી ગયા અને ઊંડો શ્વાસ લઈ આગળ વધ્યા અને એવી હાશ પછી પણ અમને અમારી તરફ ચકળ-વકળ થયેલી બીકાળવી આંખ દેખાતી હતી અને હજી આ લખું છું ત્યારે પણ આખો ઘટનાક્રમ દેખાય છે અને શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ સતત કહે છે કે તમે તો બે જણા હતા પરંતુ તું એક જ હોત તો !


મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.