નવમી સદીમાં જામ સાડ દ્વારા નિર્મિત આ કિલ્લો 1819ના ભૂકંપમાં પણ સુરક્ષિત રહ્યો હતો. સીસમના વાટા અને સાગના તોતિંગ દરવાજાઓ પરનું ઝીણવટભર્યું કોતરકામ તેની મજબૂતી અને પ્રાચીન કલાનો જીવંત પુરાવો આપે છે.
વર્ષ 2000ની છઠ્ઠી નવેમ્બરે હું અને મારી સહપ્રવાસી, બિંદુ ભટ્ટ ભુજથી કંથકોટ જવા માટે એસ.ટી. સ્ટેન્ડ પહોંચ્યા. ભુજની પૂર્વ દિશાએ ૧૦૩ કિલોમીટર દૂર રહેલા કંથકોટ પહોંચવા અમે પહેલા ભચાઉની બસમાં બેસી ૮૩ કિલોમીટરનું અંતર પસાર કર્યું અને ભચાઉથી માત્ર ૨૩ કિલોમીટર દૂર રહેલા કંથકોટ જવા માટે બીજી કાળા પાટીયાં વાળી લોકલ બસમાં બેઠા.
ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર સતત ભુજની પૂર્વ તરફ જતી બસ દ્વારા બધું થતાં ત્રણ-સાડા ત્રણ કલાકે અમે જ્યારે નાથ સંપ્રદાયના કંથડનાથની તપોભૂમિ એવા કંથકોટ પહોંચ્યા ત્યારે ઓછામાં ઓછા દસેક વાગી ગયા હતાં.
બીજી નવેમ્બરે ભાવનગરથી એક નક્કી circuit cover કરવા નીકળેલા અમે કેરા, કોટાય અને ધોળાવીરા તો explore કર્યું અને હવે વાગડના આ Geodiversityથી ભરપૂર એવા કંથકોટ નામના વાગડીયા ગામમાં આવ્યા.
બારસોએક લોકોની વસ્તી ધરાવતા અને આશરે ત્રણસો જેટલા ઘર-ખોરડા વાળા ગામ વિંધીને અમારે તો ગામથી ઉપર ખડકાળ ટેકરી પર રહેલા કંથકોટના કિલ્લે જવું હતું અને જવું હતું સૂર્યપૂજક કાઠીઓએ બંધાવેલા પ્રાચીન સૂર્યમંદિરે અને કચ્છના ભદ્રેશ્વર ગામના પરોપકારી શેઠ જગડુશાના સંબંધી આત્મદેવનાથના બે સંતાનો, લાખા અને સોહિએ તેરમી સદીમાં બંધાવેલા જૈન મંદિરે.

સવારથી સાંજ સુધીનું પાણી, કોરો નાસ્તો, સુખડી-મગસ અને મારી કેમેરા બેગ લઈને અમે બસમાંથી ઉતર્યા અને ઐતિહાસિક ડુંગરી કિલ્લા તરફ ઉપડ્યા.નવમી સદીમાં જામ મોડના દીકરા, જામ સાડ દ્વારા બંધાયેલો કિલ્લો તેના વિશાળ પ્રવેશદ્વારને લીધે દૂરથી દેખાવાનો શરૂ થયો અને ત્રણ માઈલમાં પથરાયેલા કિલ્લા સુધી પહોંચવા માટે અમારા પગમાં જાણે જોર આવ્યું.
આવળ-બાવળ વચ્ચેની વેરાન-પથરાળ ભૂમિમાં ઉભેલો કિલ્લો અવેશેષિત અવસ્થામાં હતો અને પ્રવેશદ્વાર અને તેની સાથેની દિવાલો પણ 1819ના ભૂકંપમાં એટલે ટકી ગઈ હતી કારણ કે તે દિવાલોમાં સીસમના વાટા કરેલા હતાં.
અનેક કાળ અને રાજ્યકાળના સાક્ષી આ કિલ્લાના ઢાળ વાળા પ્રવેશદ્વાર સમક્ષ ઉભા રહિ મેં તેના ફોટા પાડ્યા ત્યારે cartridge પર ચડાવેલો roll monocrome એટલે એકરંગી હતો એટલે સઘળું શ્વેત-શ્યામના રંગોમાં સંગ્રહિત થઈ રહ્યું હતું.સાગના તોતિંગ દરવાજાઓ પરનું ઝીણવટભર્યું કંડારકામ સદીઓ પ્રાચીન હોંકારા દેતું હતું અને મહાકાય પ્રવેશદ્વાર અને કિલ્લાની દીવાલ પર દોરેલા કેસરી રંગના ત્રિશૂળો શૂરવીરતાની શાખ પૂરતાં હતાં.
ચારેય બાજુ ખડકાળ ખીણોથી ઘેરાયેલો કિલ્લો જ્યારે સિંધથી આવેલ જામ મોડ મનાઈ દ્વારા બંધાવાનો શરુ થયો ત્યારે કિલ્લાની દિવાલ નાથ સંપ્રદાયના આદ્યગુરુ દાદા કંથડનાથની ધૂણી પાસેથી પસાર થતી હોવાથી દાદાને બીજી જગ્યાએ ખસવાનું કહેતા દાદાએ ખસવાની તો ના પાડી પરંતુ દિવાલ દિવસે ચણાતી હતી અને રાત્રે પડી જતી હતી તેનું કારણ પણ એ હતું કે દાદા દિવસ દરમ્યાન ગોદડી સીવતા અને રાત્રે ગોદડીના ટાંકા છોડી નાખતાં આથી કિલ્લાની ચણેલી દિવાલ રાત્રે પડી જતી.
આવી રીતે સાતવાર પડેલી દિવાલને ઉભી કરી કરીને કિલ્લો બાંધવામાં નિષ્ફળ રહેલા જામ મોડ તો મૃત્યુ પામ્યાં અને તેમના મૃત્યુ પછી રાજા જામ મોડના પુત્ર, જામ સાડે દાદા કંથડનાથને તેમના શિષ્યની મદદથી રીજવ્યા અને એ પછી જ કંથકોટ ફરતો આ વિશાળ કંથદુર્ગ બંધાયો જ્યાં ચાલુક્ય વંશના મુળરાજ સોલંકીએ અને ૧૧મી સદીમાં ભીમદેવ સોલંકીએ પણ આશરો લઇ જીવ બચાવ્યો હતો.
કંથકોટની તળેટીથી પર્વતની ટોચ પર આવેલા આવા ઐતિહાસિક ગિરિદુર્ગ સુધી પહોંચવામાં અમને તો પરસેવો છુટી ગયો પરંતુ ટેકરી પર ઉભેલા કિલ્લાના પ્રવેશદ્વારે ઉભા રહ્યા ત્યારે વા-ગડનો મીઠ્ઠો પવન અમને વધુ મીઠ્ઠો લાગતો હતો અને મારું મન, એક જમાનામાં ૪૫ ફૂટ ઊંચા તોતિંગ દરવાજાવાળા પ્રવેશદ્વારમાંથી પસાર થતા હાથી-ઘોડા અને શુરવીર યોધ્ધાઓથી લોહિયાળ સમય કેવો હશે, તેની કલ્પના કરતું હતું.
૧૨૦૦ વર્ષ પ્રાચીન પ્રવેશદ્વાર અને કિલ્લાની દિવાલ પર રહેલા ગોખને નિરાંતે જોઇને હું અને બિંદુ કિલ્લાના પ્રવેશદ્વાર વાળો વળાંક વળી ઢાળ ચડીને થોડાક ઉપર ગયા ત્યાં અમને રસ્તાની ધારે લાઈન બંધ પથરાયેલાં પાળિયાઓનો ખજાનો હાથ લાગ્યો. જ્યાં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી એવી લોકવાયકા વાળા કિલ્લાથી થોડે દૂર, કિલ્લાના ઢાળ વાળા, રોડને કાંઠે શુરવીરોના પાળિયા પથરાયેલા હતા. સિંદુરથી તગતગતા કેસરી પાળિયા પર ઘોડા-ઊંટના આલેખનો ધરાવતાં stone relief હતા અને યુધ્ધે ચડેલા અસવારના ઘોડા એક પગે ઉંચા થઈ યુધ્ધે ચડવાના મિજાજમાં આલેખાયેલા હતાં.

સંત, શુરા અને સતીઓના આ વાગડ પ્રદેશમાં સાળો-બનેવી એવા ધરણ વાઘેલા અને જામ સાડ વચ્ચે થયેલા ધીંગાણા પછી જમીનમાં રોપેલા આ પાળિયા ખાસ્સા પ્રાચીન હતા અને ચાલો તો અવાજ આવે તેવા સુકાઈ ગયેલા ઘાસ વચ્ચે એકબીજાની ઓથે ઉભેલા આ પાળિયા સદીઓ પહેલાના ધિંગાણાની કથા કહેતા હતા અને એક ઊંટડિયો પાળિયો મૌન રહીને પણ સદીઓ પહેલા અહીં ઊંટનો મહિમા શું હતો તે જણાવતો હતો.
રાજગોર દવેના સુરાપુરા એવા શ્રી સારીંગધર દાદાનો સફેદ રંગે રંગેલો પાળિયો અને ચૂંદડી અને લીલા નાળીયેરનો હાર ચડાવેલો પાળિયો જુદો તરી આવીને ધીંગાણા વખતે શહિદ થયેલા શૂરવીરોના વંશજોની શ્રધ્ધાના પુરાવા આપતા ભરબપોરે અમને હોંકારા દેતા કહેતાં હતાં કે ભલે અમે પથ્થર પણ અમારી અંદર ધરબાયેલી કથાઓ હજી પણ જીવંત છે.
રામવાવ-રાપર રસ્તા પરથી કંથકોટના ગઢે પહોંચ્યા પછી રણના કાંઠે આવેલા આ કંથદુર્ગના એકાદ વળાંકે ૧૭૨૦-૧૭૨૧ની સાલના આવા વિવિધ પ્રકારના પાળિયા મળશે તેવો ખ્યાલ ન હતો પરંતુ અચાનક મળેલા આ ગમતા ખજાનાને કેમેરાની જોળીમાં ભર્યો ત્યારે લોક સંસ્કૃતિના આ પ્રતીકોએ ઈતિહાસની કડીઓ પણ મેળવી આપી અને એવા ઐતિહાસિક મેળાપ હારોહાર પથ્થર પર થતાં ઊંડા bass relief workને વિશ્વના stone bass reliefની પંગતમાં મુકિ, Research વગર રાજી થયેલા મેં અને બિંદુએ Geoheritage [ભૂ-વારસા]તરીકે જતન કરવા ગમે તેવા કંથકોટના દુર્ગ પર આગળ ચાલવાનું શરૂ કર્યું.
જેમ કિલ્લાની ઉપરની બાજુએ જતી સાંકડી કેડીનું પાંચસો એક ફૂટનું સીધું ચઢાણ ચઢી કિલ્લે પહોંચ્યા હતાં એ જ રીતે હજી પણ થોડું ચઢાણ ચઢી અમે કંથદુર્ગની ટોચે પહોંચ્યા અને ફરતી નજર નાખી તો ધબકારા ચુકી જવાય તેવો panoramic view અમારી રાહમાં હતો અને અહીં સુધી આવવામાં એ પણ સમજાય ગયું કે ડુંગરના ઢોળાવનું સીધું ચઢાણ અને કિલ્લાની દીવાલો એટલી strategically ગોઠવી છે કે કિલ્લા સુધી પહોંચવાના એક જ પ્રવેશદ્વાર સુધી ન પહોંચી શકનાર કોઈ પણ વ્યક્તિ ડુંગરોમાં અટવાય જાય અને ચડ-ઉતરના સર્પાકાર રસ્તે આડે માર્ગે પણ ચડી જાય.
કિલ્લો, તેનો પ્રવેશદ્વાર, પાળિયા, તેના પરનું દેવનાગરી લિપિનું આલેખન અને હવે વૃક્ષો વિહિન બે પથરાળ ખીણો વચ્ચે ઊંચી ટેકરી પર રહેલા અમે દૂરથી કિલ્લા તરફ આવતા રસ્તાને જોતાં ઉભાં હતાં અને જોતાં હતાં તળેટીમાં રહેલા કંથકોટ નામના કસબાને જ્યાં 2000ના વર્ષમાં સમ ખાવાને બસ્સો-ત્રણસો ખોરડા માંડ હશે.

હિમાલયની Lush green ખીણો જોવા ટેવાયેલી મારી આંખને વાગડના વેરાન પ્રદેશની ખડકાળ વેલીમાં સ્થિર કરીને જોયું તો મા રવેચી અને મા આશાપુરાના જાગતા પડ જેવો વાગડ પ્રેદશ મા મોમાયના બેસણાં લઈને બેઠો જણાતો હતો. એટલું જ નહિ, Geological parkની આંતરરાષ્ટ્રીય જનરલમાં ઉલ્લેખિત આ proposed geosite જીવ જેટલી વ્હાલી લાગતી હતી અને તેનું ભૂસ્તરશાસ્ત્રીય દ્રશ્યફલક ખડકો, અશ્મિઓ અને ખનીજોથી તો સભર હતું જ પરંતુ વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક અને રહસ્યમયી મૂલ્ય ધરાવતું મહામૂલું પણ હતું, કારણ કે અહીં આઠમી સદીથી જીવતો ઈતિહાસ પથ્થરે પથ્થરે પથરાયેલો હતો; ખંડિત મંદિરોના એક એક પથ્થર પર કંડારેલી કલા ઊંચી aesthetic લઈને મારું ગુર્જર કે ચાલુક્ય કલા વારસાના નમુના પીરસતી હતી અને શૈવ માર્ગને અનુસરતા નાથ સંપ્રદાયની સિધ્ધ પરંપરાના દાદા કંથડનાથની રહસ્યમયી તપોભૂમિ પર દાદા મેકરણ જેવા કાપડી સંપ્રદાયના સંતનો એકાદ રાતવાસો ઘણી Mystic ઘટનાઓની ધૂણી ધખાવીને પણ બેઠો હતો.
અમે આવી તરંગિત ભૂમિમાંથી જેટલું પામી શકાતું હતું એટલું પામીને ખડકો, તેનું weathring અને તેના ઘસારા પર અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોની આ ભૂમિના સ્વરૂપો સમજતી Geomorophological siteને બપોરના સન્નાટામાં અવલોકી અને સાથે લાવેલા થેલામાંથી મગસ-સુખડીના બે બટકા સાથે સેવ-મમરા અને પૌવાનો નિર્દોષ ચેવડો આરોગીને પાણી પીધું અને દૂર દેખાતા અવશેષિત જૈન મંદિર તરફ પગ ઉપાડ્યા.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.