કચ્છના ધોળાવીરામાં (કોટડા ટીંબા) લેખિકાએ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષો, જેમ કે, સાઇન બોર્ડ, વાવ અને સ્વસ્તિકનું નિરીક્ષણ કર્યું. આ અનિશ્ચિત પ્રવાસમાં, કચ્છી લુહાણા પરિવારે પ્રેમથી મહેમાનગતિ કરીને રાત્રિ નિવાસની વ્યવસ્થા કરી, જે કચ્છી સંસ્કૃતિનું પ્રતીક છે.
5000 વર્ષો પહેલા દટાયેલી અને અગ્નિ સંસ્કારના ઉર્ધ્વગામી સંસ્કારે પંચમહાભૂતમાં ભળેલી એક મૂલ્યવાન સભ્યતાના વિશાળ વિસ્તાર પર દૂર સુધી નજર ફેરવતાં, હું અને મારી સહપ્રવાસી બિંદુ, કચ્છના ખદિરબેટના ખોળે રહેલા ધોળાવીરાની ‘કોટડા ટીંબા’ નામની પુરાતત્વિય siteને છેલ્લા બે કલાકથી Explore કરી રહ્યા હતાં.
ઉત્તરે અફઘાનિસ્તાનથી દક્ષિણે છેક ગુજરાત સુધી વિસ્તરેલી આ હડપ્પન સંસ્કૃતિના લુપ્તપ્રાય મહાનગરના અવશેષિત પથ્થરો પર હવે ધીમે ધીમે શિયાળાની સાંજનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો અને મને ગમતાં એ પીળા પ્રકાશની હાજરીએ હું ચોરસ-લંબચોરસ આકારના ખાણીયા પથ્થરોની અવશેષિત સંરચનાના સંયોજનો અંકે કરી રહિ હતી અને એ સાથે જ પંદર વર્ષ સુધી ચાલેલા ઉત્ખનનના આ કિલ્લેબંધ નગરનું વિશ્વનું સૌથી પહેલું Sign board, ઓજારો, ભઠ્ઠીઓ, તાંબાના આભૂષણો અને પકવેલી માટી અને પથ્થરના ચણતરને મારી કેમેરાની રખડું જોળીમાં એવી રીતે ભરી રહી હતી જાણે સિંધુ ખીણની આ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ પૃથ્વીના પેટાળમાંથી મને જડેલું સોનું ન હોય !

હતું એવું કે શિયાળાની સાંજના એ સમયે ‘કોટડા ટીંબા’ની site પર ચકલુંય ફરકતું નોહતું અને હું અને બિંદુ પાંચ હજાર વર્ષો પહેલાના નગરની પથ્થરની Excavated દીવાલો સામે ગુમશુદા સ્વજનોની અને ભૂમિમાં દફન થઈ ગયેલી સભ્યતાની જાણે ભાળ પૂછતાં હોઈએ તેમ ઊભા હતાં.
તામ્રપાષાણ યુગની સભ્યતાના આ નગરમાં અમે જ્યાં ઉભા હતાં ત્યાં પકવેલી ઇંટોના અવશેષો જોયા. નાના ટપ્પા જેવા પગથિયાં ઉતરીને પાણી ભરાય એવી પ્રાચીન વાવ જોઈ અને પથ્થર પર કોતરેલી Indus scriptની ચિત્રલિપિમાં સ્વસ્તિકની મંગલમયી હાજરી જોઈ અને લુપ્ત થયેલી સભ્યતાના શુભ-મંગળ પ્રતીકને આંખોના આંગણે ઉતારી અમે ફરી એકવાર આ મહાનગરની પશ્ચિમે ગયા જ્યાં પાંચ હજાર વર્ષ પહેલાનું સ્મશાન અગ્નિદાહ આપ્યા પછી મૃતદેહના વધેલા અવશેષોને પોતાના પેટાળમાં લઈને પડ્યું હતું.
દફનના સ્મશાનવત આ સ્થળેથી ક્ષિતિજે નજર કરતાં દેખાતું હતું કે ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ તરફ જઈ રહ્યો હતો. ઓરસ-ચોરસ પથરાળ અવશેષોથી દૂર અગ્નિ સંસ્કારની આથમતી વેદનામાં સદીઓ પહેલા જમીનમાં દફન થયેલી એક well-flourished સંસ્કૃતિ, તે સંસ્કૃતિના સંસ્કારો, હાથે ઘડેલી ઇંટોના અવશેષો, ચાર-પાંચ ઓરડાઓના ખુલ્લા આવાસો અને ધોળાવીરા સંગહાલયમાં મુકાયેલા મણકા અને માટીના રમકડાને આંખોથી સ્પર્શી અને સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને અમે સાંજની ચાદરમાં લપેટાતાં જોઈ રહ્યા હતાં.

આ પુરાતન અવશેષોમાં ઉત્ખનન પામીને ઉપર આવેલી ઈંટ-પથ્થરની દીવાલો-આવાસો, વાવ-કુવા અને જળાશયો તો ખરા જ પરંતુ હડપ્પન સંસ્કૃતિને હૃદયે ધરીને ઉછેરી હતી તેવા સ્ત્રી-પુરુષોના પથ્થર, પારા અને મોતીના અલંકારો અને તેઓના ફૂલ જેવા કોમળ બાળકોના પકવેલી માટીના Terracotta રમકડાઓ પણ ખરાં અને હા, એક ખોપરી જે પાંચ હજાર વર્ષો પહેલા અહીં દરિયા કિનારે એક સભ્યતા ધબકતી હતી એવું કહિ આપણને ઉત્ખનનમાં મળી આવેલી છીપલાની બંગડીઓ સુધી લઈ જઈ અકાળે આવેલા મહા વિનાશની રહસ્યમયી વાટે મુકે જ્યાંથી આપણે આપણી વાટ, આપણો મારગ શોધવાનો હોય અથવા મળેલા મારગ પર ચાલવાનું હોય.
આવા મળેલા માર્ગ પર ચાલતાં-ચાલતાં અમે શિયાળાની સાંજ સંધ્યાકાળનું તમસ ઘેરુ રૂપ ઓઢે એ પહેલાજ આ વિશાળ site પરથી ધોળાવીરા ગામની વાટે ચડવા માંગતા હતાં કારણ કે આજથી પચ્ચીસ વર્ષ પહેલા ધોળાવીરામાં રહેવા-જમવાની કોઈ સગવડ મળે તેવી હોટલ, રીઝોર્ટ કે રેસ્ટોરન્ટ નોહતાં અને કચ્છની extreme ઉત્તરેથી ખારોપાટ ઓળંગીને સંધ્યાકાળ પછી અમને કોઈ બસ કે વાહન રાપર કે ભુજ લઈ જાય તેમ પણ નોહતું આથી ‘ફરી મળીશું' એમ કહિ અમે ધોળાવીરાના ‘કોટડા ટીંબા’ને આવજો કહિ વિશ્વની આદ્ય ઐતિહાસિક ગણાતી સભ્યતાની Archaeological siteની બહાર નીકળી ચાલવાનું શરુ કર્યું.
થોડું ચાલ્યાં હશું ત્યાં અમને Thatched roofing વાળા બે off white ભૂંગા દેખાણા. Foregroundમાં ગારનું લીપણ, તેની પાછળ જમણી બાજુ પર ગાર-માટીની બે-અઢી ફુટની દીવાલ અને બે કચ્છી પુરુષોની હાજરી વાળા આ સંયોજનને મેં ઉતાવળે મારું કર્યું ત્યાં તો બેમાંના એક ભૂંગામાંથી પ્રથમ એક દીકરો અને પછી એની દાદી પ્રગટ થયા અને મારી પાછળ પશ્વિમે આથમતાં પીળા સૂર્ય પ્રકાશમાં મેં એ બંનેને જીલ્યા ત્યારે એ નાનકુડા દીકરાનો પડછાયો, તેની પાછળની દીવાલ પાછળ ઉભેલી મેઘવાળ સ્ત્રી અને ભૂંગા પાછળ રહેલા વૃક્ષે એક Triangle રચી મને vertical compositionની ભેટ આપી.
વર્ષ 2000ના નવેમ્બરના પ્રથમ સપ્તાહની એ સાંજ ધોળાવીરા પર સોનાનો વરસાદ વરસાવી રહિ હોય એવો સોનાવર્ણી સૂર્યપ્રકાશ આ વેરાન ભૂમિ પર રાજ કરતો હતો. ગામની બહાર વૃક્ષોની સુકાયેલી ડાળીઓમાંથી બનાવેલા એક ભૂંગા આકારના ઝુંપડાની અંદર ખાટલાની કોરે ખાખી ચડ્ડી-બુસ્કોટ પહેરેલો એક દીકરો અમને કૌતુકથી જોતો હતો અને હું અચાનક લોટરીની જેમ મળેલી આ ઘાટ્ટી કેસરિયા સાંજને લુટાય એટલી લુટવામાં મશગુલ હતી.

આવી લખલૂટ મશગૂલી વચ્ચે મોટો પ્રશ્ન એ સતાવતો હતો કે રાત ક્યાં અને કોના ઘરે રોકાઈશું. છેલ્લી ઘડી સુધી અનિશ્વિત રહેલી આવી સ્થિતિમાં ધીમે ધીમે અંધારુ વધતું જતું હતું આથી અમે ક્યાંય અટક્યા વગર પ્રથમ તો ધોળાવીરા ગામમાં પહોંચી ગયા અને ફરી ચાલવાનું શરુ કર્યું.
કચ્છના મોટા રણમાં 200 કિલોમીટરમાં ફેલાયેલા ખદિર બેટ પર રહેલા આ ગામની ગલીઓમાં હવે ધીમે ધીમે અવર-જવર પાંખી થતી જતી હતી અને શિયાળાના ટૂંકા દિવસની સંધ્યા ટુંટીયુ વળીને રાતની ચાદરમાં લપેટાવા મથામણ કરતી હતી.બીજું કે બિંદુનો મારી સાથેનો પહેલો પ્રવાસ અને એ પણ ધોળાવીરા જેવા ઓછી વસ્તીવાળા ગામની રાત્રિ રોકાણની વ્યવસ્થા વગરનો હોવાથી આખો દિવસ વાગડની આ ભૂમિમાં ફર્યા તો ખરા પણ સંધ્યા કાળે મુંજવણ વધી કે રાત્રિ નિવાસ ક્યાં કરીશું.
આવી મૂંઝવણ મધ્યે અમે આકાશી ભૂરા રંગના દરવાજા વાળું એક પાક્કુ બાંધેલું મકાન જોયું અને ભગવાનનું નામ લઈને હિંમતપૂર્વક અમે દરવાજાની સાંકળ ઠપકારી અને તરત જ કોઈ mid-age ભાઈએ દરવાજો ખોલ્યો અને મીઠ્ઠો આવકાર આપી અમારી માટે ખાટલો ઢાળ્યો અને અમને કહ્યું બેસો.
સવારે ભુજથી નીકળી, છ કલાકની મુસાફરી કરી ધોળાવીરાની પુરાતત્વિય site પર બે-ત્રણ કલાક તડકો લીધા પછી અમે શ્યામ વર્ણી બેય બેનું શ્યામ તો ખરી જ પણ વધુ tanned થઈ હતી અને અમારા મેલા વસ્રો અને ધૂળિયા શ્યુઝ પણ અમારી રખડપટ્ટીની ચાડી ખાતા હતાં છતાં અમે પાથરણું પાથરેલા ખાટલે બેઠા અને આસપાસ નજર ફેરવી તો મોટુ ફળિયા વાળું ઘર હતું અને લાકડાના આકાશી ભૂરા સ્તંભો વાળી એક લાંબી ઓસરીયે ત્રણ-ચાર ઓરડા ઉતારેલા હતાં જેમાંથી છેલ્લે ઓરડે રહેલા રસોડામાં એક બેન માથે ઓઢીને રસોઈ કરી રહ્યા હતા અને આંખથી અમને આવકાર પણ આપતાં હતાં.

થોડીવારમાં દરવાજો ખોલવા આવેલા ભાઈએ જ અમને સ્ટીલના પ્યાલામાં પાણી આપ્યું એટલે મેં મારી ટેવ મુજબ પાણી પીધા પહેલા ખખળાવીને મોઢું ધોયું અને પછી તમે ક્યાંના, ક્યાંથી આવ્યા, શું કરો છો અને ભાવનગરથી સાવ એકલી બે બહેનો છેક ધોળાવીરા સુધી કેમ આવી એવી વાતો ચાલી.અમે બંને નિશાળમાં અંગ્રેજી-સંસ્કૃત ભણાવીએ છીએ એ જાણીને સૌ રાજી તો થયા જ પરંતુ અમારો રાતવાસો પણ નક્કિ થયો એટલે વડિલો વાળા ભર્યા-પુર્યા મોટા ઘરમાં અમે ચારેક ફૂટ ઊંચી ઓસરીએ રહેલા હિંચકે ઘરની બહેનો સાથે વાતોએ વળગ્યા અને વાળુનો વખત થતાં અમને ઘરની દીકરીઓ હોઈએ તેમ ગરમ-ગરમ ખીચડીમાં ખાડો કરી, ઘીની ધાર કરી પ્રેમથી જમાડ્યા અને તાહળી ભરીને દૂધ આપી આખા દિવસની રખડપટ્ટીનો થાક ઉતાર્યો.
સવારથી સેવ-મમરા અને સુખડી પર નભેલા અમે બંને સંતોષપૂર્વક જમીને શિયાળાની એ રાત મોટા ટેભા-ટાકાથી શોભતી કુણી માખણ ગોદડિયું ઓઢીને પસાર કરી ત્યારે કચ્છના અંતરીયાળ પ્રદેશોના દિલના દયાળુ કચ્છી માંડુની મહેમાનગતિએ અમને 'શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ' એ સુભાષિતનો અર્થ realize કરાવવા સાથે કચ્છી લુહાણાની સ્વચ્છતા-સ્વાદ, રહનસહન અને મેવા-મસાલા, અનાજ-કઠોળ અને કરિયાણાની દુકાનો સુધીની પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરાની નાનકડિ ઝલક આપી.
રેતી-માટી અને અશ્મિભૂત ચૂનાના પથ્થરોથી બનેલા ખદિર બેટના અજાણ્યા પ્રદેશને આવીરીતે પોતાનો કર્યો એ ક્ષણો ખાસ્સી સંવેદનશીલ હોવા ઉપરાંત જાણે હિંમતથી ભરેલી પણ હતી કારણ કે ભુજથી નીકળ્યા ત્યારથી આખી આઈટીનરી રામ ભરોસે ચાલતી હતી. અમારી પાસે પોતાનું વાહન તો નોહતું જ પરતું રાત્રિ નિવાસની પણ સો ટકાની અનિશ્વિતતા હતી અને એ પણ પચ્ચીસ-ત્રીસ વર્ષની વય ધરાવતી બે બહેનોની જેને અજાણ્યા ગામમાં કોઈ ઓળખતું નોહતું અને આગળ-પાછળ એવી કોઈ ઊંચી ઓળખાણ પણ નોહતી કે અમારા પ્રવેશ સાથે કોઈ જીપ, ગાડી કે attendant આવી જાય અને અમને escort કરી સરકારી ગેસ્ટ હાઉસ કે Circuit houseમાં ઉતારો આપે.

આવા અનુરક્ષણ વિનાના અમે Geology-Hydrology અને civil engineeringની સમજ ધરાવતી પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષિત મહાનગરને સુમસામ બપોરથી સાંજના સ્મશાનવત સન્નાટા સુધી explore કર્યું અને ત્યારે હું કોઈ વર્તમાનપત્રની ખબરપત્રી નોહતી.કોઈ well-known પરિવારની solo traveller કે સાથે Social media crew લઈને નીકળેલી vlogger-blogger પણ નોહતી છતાં કોઈ gimmick કે ગતકડા વગર ઈન્ડો-પાક સરહદ નજીકની પુરાતત્વિય siteને કવર કરી અને એ ઉજ્જડ-વેરાન પ્રદેશમાં સ્થિત લુપ્તપ્રાય મહાનગરને જોવાની ઈચ્છાને કચ્છી માંડુઓનો મહામુલો ટેકો મળતો રહ્યો.
આથી જ આજની તારીખે હું કચ્છની ધીંગીધરાને, તેના લોકોને, લોકોની મહેમાનગતિને અને વિશ્વના કોઈ પણ ખૂણેથી આવેલા અજાણ્યા પ્રવાસીઓ સાથે મૈત્રીભાવથી પેશ આવવાની તેઓની મોટપને ચાહું છું અને હર હંમેશ એવું કહેવા તૈયાર છું કે આ કચ્છની ભૂમિ, in the real sense of the word, કામણગારી છે જ્યાંના રબારી, જત, સુમરા, ખત્રી, મેઘવાળ, મુતવા, લુહાણા અને અન્ય અનેક અંતરિયાળ લોકો સંઘર્ષ કરીને પણ સંસ્કૃતિનું જતન કર્યું છે અને વિશ્વ પ્રવાસીઓને ગુજરાતના આંગણે આવતા કર્યા છે.
કચ્છનો આ આવકારો મીઠ્ઠો તો છે જ પરંતુ પર્વો, પહેરવેશો અને વિવિધ પ્રદેશો-ભુપ્રદેશોના સૌંદર્યથી ગુણિયલ અને ગરવો પણ છે અને એટલે જ અનેક વખત ભુજથી સવારે નીકળી કચ્છના અંતરિયાળ પ્રદેશોને explore કરતાં કરતાં રાત્રે ક્યારેક કચ્છી રબારી તો ક્યારેક કચ્છી લોહાણા, ક્યારેક મેઘવાળ તો ક્યારેક ઈશ્વરે જેના ગળામાં મધની આખી વાટકિ ઢોળીને મધમીઠો અવાજ આપ્યો છે તેવા ગઢવી પરિવારોને ત્યાં રોકાણી છું અને એ વખતે ખીર-ખીચડીને માખણ માનીને સૌની મહેમાનગતિ માણી છે અને કવિ દુલાભાયા 'કાગ'ની રચનામાં ગવાતાં મીઠ્ઠા આવકારને જાતે-પોતે અનુભવ્યો છે.
કચ્છની એક એક અઠવાડિયાની આવી circuitના અનેક અનુભવો જ મારી કચ્છની આ સ્મરણ યાત્રાનું સોનું છે જે જુજવાં નામ રૂપે આપ સૌ સુધી પહોંચીને કહે છે કે સ્મરણો સમયાતીત ખજાનો છે જેને pen down કરતા જીવેલું જાણે ફરી જીવાય છે અને થાય છે કે આપણી સ્મરણ યાત્રા આપણી મરણ યાત્રાને મહામૂલી બનાવે છે.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.