વર્ષ 1949 માં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)નું રાષ્ટ્રીયકરણ થયું. ત્યારથી ભારતની ચલણી નોટો બહાર પાડવા અને તેને 'મેનેજ' કરવાનું કામ તેના શિરે છે. આ નોટો કોઈ સામાન્ય પ્રેસમાં છાપી શકાય નહીં. આ માટે ભારત સરકારની મહારાષ્ટ્રમાં નાસિક અને મધ્યપ્રદેશમાં દેવાસ ખાતે પ્રેસ છે.
8 નવેમ્બર, 2016ના રોજ અચાનક જ ભારતના વડાપ્રધાનશ્રીનું લાઇવ ટેલિકાસ્ટ થયું. કોઈને કલ્પના પણ ન હતી કે તેમના સંબોધનનો વિષય શું હશે? પણ ત્યાં તો રૂપિયા 500 અને 1000 ની ચલણી નોટો બંધ કરવાની સરકારે જાહેરાત કરી. જેની સર્ક્યુલેશનમાં ટકાવારી 86% જેટલી ઊંચી હતી. દેશમાં ખળભળાટ મચી ગયો.
એ પહેલાં ચલણી નોટોની વ્યવસ્થા વિશે માહિતી મેળવીએ. વર્ષ 1949 માં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)નું રાષ્ટ્રીયકરણ થયું. ત્યારથી ભારતની ચલણી નોટો બહાર પાડવા અને તેને 'મેનેજ' કરવાનું કામ તેના શિરે છે. આ નોટો કોઈ સામાન્ય પ્રેસમાં છાપી શકાય નહીં. આ માટે ભારત સરકારની મહારાષ્ટ્રમાં નાસિક અને મધ્યપ્રદેશમાં દેવાસ ખાતે પ્રેસ છે. વધુમાં મૈસૂરું, કર્ણાટકમાં ભારતીય રિઝર્વ બેન્કનું પોતાનું પ્રેસ છે. આ પ્રેસીસને સરકારે કંપનીઓમાં પરિવર્તન કરી દીધી છે. ભારત સરકારના બે પ્રેસ 'સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મીન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (SPMCIL)' તથા મૈસૂરું ખાતેનું આર.બી.આઈ.નું પોતાનું પ્રેસ 'ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રા. લિ. (BRBNMPL)' અંતર્ગત સમાવિષ્ટ પામ્યું છે.
ભારતીય રિઝર્વ બેંક આ બે કંપનીઓમાં નોટોનું છાપકામ કરાવે છે. અહીં છાપકામ બાદ આર.બી.આઈ.ને આ નોટ્સ મોકલી આપવામાં આવે છે. આ નોટ્સ આર.બી.આઈ. તેના પ્રેસ, રિજનલ કચેરીઓ તથા નિર્ધારિત બેન્કની શાખાઓમાં રાખે છે. ત્યારબાદ જરૂરિયાતને લક્ષમાં લઈ તે પોતાના કબજામાં રહેલી ચલણી નોટ્સ બેંકોને આપે છે. આ પ્રક્રિયાથી છપાયેલી નોટ સર્ક્યુલેશન એટલે કે બજારમાં-જાહેરમાં ફરતી થાય છે.
હવે નવેમ્બર 2016 માં ₹500 અને ₹1000 ની ચલણી નોટની સરકારે નોટબંધી કરી. ₹500 અને ₹1000 ની ચલણી નોટ બંધ થતાં જે ખોટ પડી તે પૂરી કરવા સરકારે ₹2000 ની 'મોટી' ચલણી નોટ છાપી અને સર્ક્યુલેશનમાં મૂકી. આ નોટબંધી અગાઉ ઓક્ટોબર 2016 સુધીમાં દેશમાં 17.5 લાખ કરોડથી વધુની ચલણી નોટ્સ સર્ક્યુલેશનમાં હતી. આ નોટબંધીથી સરકારની ત્રણેય પ્રેસનો ભાર વધ્યો. 24x7 પ્રેસ ત્રણ પાળીમાં ચલાવવાની નોબત આવી. જેમાં ₹2000 ની અને ₹500 ની નવી નોટ તથા ₹100 ની જૂની નોટ તેમજ ₹200 ની ચલણી નોટ્સ છાપવામાં આવી રહી હતી. ₹2000 ની ચલણી નોટને લઈને શરૂઆતથી જ વડાપ્રધાન મોદી ખુશ ન હતા અને નોટબંધીથી સર્જાયેલ પરિસ્થિતિ સામાન્ય બને કે ₹2000 ની નોટ બંધ કરવી તેવો તેમણે સંકેત આપ્યો હતો. જુલાઈ 2017 માં આર.બી.આઈ.એ ₹2000 ની ચલણી નોટ છાપવાનું બંધ કરી દીધું.
છેલ્લો આંકડો જોવા જઈએ તો ₹2000 ની નોટ બંધ કરી તે પહેલાં આર.બી.આઈ.એ 7 લાખ કરોડના મૂલ્યની ₹2000 ની ચલણી નોટ છાપી હતી. ₹2000 ની નોટના વળતા પાણી થતાં બેંકોએ પણ પોતાના એ.ટી.એમ.ની ટ્રેમાં ફેરફાર કરી ₹2000 ની નોટના માપને બદલે ₹500 ની નોટના માપની ટ્રે બેસાડવાનું શરૂ કર્યું. ₹2000 ની ચલણી નોટ્સ આર.બી.આઈ.માં પરત ફરી. આર.બી.આઈ.એ ₹2000 ની ચલણી નોટની જગ્યા લેવા ₹500 ની ચલણી નોટનું છાપકામ વધારી દીધું. આર.બી.આઈ.એ બજારમાંથી ₹2000 ની ચલણી નોટનું પ્રમાણ ઘટાડવા માંડ્યું. માર્ચ, 2022 માં જેનું પ્રમાણ 14% હતું તે માર્ચ, 2023 માં 10.8% થઈ ગયું. અંતે ₹2000 ની ચલણી નોટની સફર પૂર્ણ થઈ ગઈ. 20 મે, 2023 ના રોજ તેને પાછી ખેંચવાની જાહેરાત થઈ. 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ₹2000 ની ચલણી નોટ જમા કરાવી તેના બદલામાં અન્ય ચલણી નોટ લઈ જવા પ્રજાજનોને સૂચના આપવામાં આવી પરંતુ નોટબંધીથી સચેત થઈ ગયેલ પ્રજાએ આ 'ડેડલાઇન' પહેલાં જ ₹2000 ની તમામ ચલણી નોટ પરત જમા કરાવી દીધી. ₹2000 ની ચલણી નોટે નોટબંધીના સમયમાં રૂંધાતા આર્થિક વિકાસને પ્રાણવાયુ પૂરો પાડ્યો અને દેશની આર્થિક સ્થિતિને ટકાવી રાખી. બાદમાં પરિસ્થિતિ સામાન્ય થતાં તેની સફરનો અંત આવી ગયો.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે