‘રાત ટૂંકીને વેશ ઝાઝા’ એમ પાર્ટીએ ચૂંટણી માટે તૈયારીઓ કરવાની હતી. એક નવા ચેહરાને સમગ્ર ભારતમાં સ્થાપિત કરવાનો હતો. ભારતીય જનતા પાર્ટીને લોકસભાની અગામી ચૂંટણીમાં પ્રચાર- પ્રસાર માટે ઘણી કંપનીઓએ પ્રેઝન્ટેશન આપ્યા. તેમાંથી સોહો સ્ક્વેર એજન્સીને પસંદ કરવામાં આવી.
તમે પ્રશાંત કિશોરનું નામ તો સાંભળ્યું જ હશે. જેમની સંસ્થા આઈ.પેક (I-PAC) ભારતમાં વિવિધ રાજકીય પાર્ટીઓને ચૂંટણી જીતવામાં મદદ કરે છે. હવેના સમયમાં જ્યાં કોંગ્રેસ પાર્ટીને જલદીથી કોઇ રાજ્યમાં સત્તા નથી મળતી ત્યાં 2023મા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવનાર ‘પોલ સ્ટ્રેટેજિસ્ટ’ સુનિલ કાનુગોલુ પણ ચર્ચામાં રહ્યા હતા. હવે ચૂંટણી માર્કેટીંગ સ્ટ્રેટેજીથી લડાઇ રહી છે. તમામ પ્રકારના સર્વે એજન્સીઓ કરે છે. વોર રૂમ બનાવીને ચોવીસ કલાક પ્રચાર –પ્રસાર પર ચાંપતો બંદોબસ્ત રખાય છે. ડેટા ભેગો કરી તેનું એનાલિસિસ કરી નવી નવી ટેકનોલોજી સાથે સોશિયલ મીડિયાના સમન્વયથી રાજકીય પાર્ટીઓ પ્રચાર કરે છે. દરેક પાર્ટીના પોતાના સોશિયલ મીડિયા સેલ છે. ચૂંટણી આવતા જ તમારા વોટ્સએપ, એક્સ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ઉપર સતત રાજકીય પાર્ટીઓ પ્રચાર- પ્રસાર કરતી રહે છે. કોઈ એડ.એજન્સીને ચૂંટણી પ્રચારનું કામ સોંપી કેવી સફળતા મળે તેનું મોટું ઉદાહરણ 2004મા કોંગ્રેસ પાર્ટીએ ઓપિનિયન પોલને ખોટા પાડતા ભારતીય જનતા પાર્ટીના ‘ઇન્ડીયા શાઈનિંગ’ સામે ‘કોંગેસ કા હાથ, આમ આદમી કે સાથ’ સૂત્ર સાથે સત્તા મેળવી તે છે.
લોકસભામાં 2004 પછી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ફરી વાર 2009માં હારી પણ ગુજરાત રાજ્યની વાત અલગ હતી. 2002થી ગુજરાત રાજ્યની ચૂંટણીમાં વિજેતા બનતા નરેન્દ્ર મોદી 2012માં પણ વિધાનસભામાં વિજેતા રહ્યા. તેઓ સતત ચર્ચામાં રહેવા લાગ્યા. હવે તેમણે પોતાના વિજયરથનું સુકાન નવી દિલ્હી તરફ કર્યું હતું. એ દરમિયાન 7 સપ્ટેમ્બર, 2013ના રોજ ભારતીય જનતા પક્ષે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા. હવે આરપારની લડાઇ હતી. તેમાં જરૂર હતી એક મજબૂત સ્ટ્રેટેજીની જેથી તેઓ પોતાને યુ.પી.એ. સરકાર સામેનો નવો ચહેરો બની શકે.
‘રાત ટૂંકીને વેશ ઝાઝા’ એમ પાર્ટીએ ચૂંટણી માટે તૈયારીઓ કરવાની હતી. એક નવા ચેહરાને સમગ્ર ભારતમાં સ્થાપિત કરવાનો હતો. ભારતીય જનતા પાર્ટીને લોકસભાની અગામી ચૂંટણીમાં પ્રચાર- પ્રસાર માટે ઘણી કંપનીઓએ પ્રેઝન્ટેશન આપ્યા. તેમાંથી સોહો સ્ક્વેર એજન્સીને પસંદ કરવામાં આવી. કંપનીએ તરત જ પોતાનું કામ શરૂ કર્યું. લોકો વચ્ચે જઈ પરિવર્તનનો પવન માપ્યો. તમામ સ્તરે નરેન્દ્ર મોદીનું નામ જ કંપનીને કાને પડ્યું જેથી આ માહોલને સ્લોગન- સૂત્રમાં બેસાડવામાં આવ્યું. ફેવીકોલ, એશિયન પેઇન્ટસ, કેડબરી જેવી જાહેર ખબરો બનાવવા માટે જાણીતા એડમેકર પિયુષ પાંડેએ ‘જનતા માફ નહીં કરેગી’ અને ‘અબકી બાર મોદી સરકાર’ તથા આ એજન્સીના જ અનુરાગ ખંડેલવાલે ‘અચ્છે દિન આને વાલે હૈ’ સ્લોગન લખ્યું. જે ઘણું ‘વાયરલ’ થઈ ગયું. આ ટૂંકા અને ચોટદાર સ્લોગનથી ‘મોદી માહોલ’ની રચના થઈ ગઈ. એ સમયે પાર્ટીની જે કોઈ પ્રિન્ટ અને ડિજિટલ જાહેર ખબર હોય ત્યાં આગળનો વિષય-થીમ બદલાય પણ પાછળ અબકી બાર મોદી સરકાર જાળવી રાખવામાં આવતું જેમ કે, ‘બહુત હુવા રોજગાર કા ઇન્તજાર.... અબ કી બાર મોદી સરકાર’.
ટી.વી.ની જાહેરખબરો માટે એજન્સીએ નવતર પ્રયોગ કર્યો. ધંધાદારી કલાકારોને અભિનય કરાવવાને બદલે વાસ્તવિક (રીઅલ) વ્યક્તિઓથી જાહેર ખબરો બનાવી. જેમાં તેમની પોતાની અંગત અભિવ્યક્તિ હોય. વર્તમાન સરકાર સામેનો આક્રોશ વ્યક્ત થતો હોય. તેમાં પણ જાહેરખબરોને બ્લેક એન્ડ વાઈટમાં ફિલ્માવામાં આવી. જેથી જનતાના વિષાદ-વ્યથા- દુઃખનું ચિત્ર બરાબર ઉપસી આવે. હાઇલાઇટ થાય. આ સંસ્થાએ સમગ્ર પ્રચાર-પ્રસાર દરમિયાન 80 જેટલી જાહેર ખબરોનું નિર્માણ કર્યું. આમાંની ઘણી જાહેર ખબરો ‘પીકુ’, ‘મદ્રાસ કેફે’ અને ‘વિકી ડોનર’ જેવી હીટ ફિલ્મો આપનાર સુજિત સરકારે બનાવી હતી. આ પ્રચાર- પ્રસાર એ ઉમ્મીદથી દુગનાનું કામ કર્યું. ભારતીય જનતા પક્ષ તત્કાલીન સત્તાધારી પાર્ટી સામે આક્રોશ ઉભો કરવામાં સફળ રહ્યો. આ તમામ જાહેરખબરોથી એક માહોલ ઊભો થયો. લોકસભામાં બહુમતી માટે જોઈતી 272 કરતા પણ વધુ બેઠકો એટલે કે કુલ-282 બેઠકો જીતવામાં ભાજપને સફળતા મળી. ભારતીય રાજનીતિમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે બહુમતી મળી હતી. હવે કેન્દ્ર- રાજ્ય દરેક જગ્યાએ રાજકીય પક્ષો ચૂંટણીમાં માર્કેટિંગને ઘણું જ મહત્ત્વ આપે છે. વિવિધ એજન્સીઓને રોકી પક્ષ અને તેના મુખ્ય ચહેરાનો પ્રચાર- પ્રચાર કરવામાં આવે છે. નાણાંની કોથળી ખુલ્લી મૂકી દેવામાં આવે છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે