Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

કચ્છના લુડિયા ગામે લેખિકાનો ૨૫ વર્ષ જૂનો, હોમસ્ટેનો પ્રથમ 'વર્જિન' અનુભવ. માર્ચ ૨૦૦૦માં સૂફી સંત દાદા મેકરણના થાનકેથી ભુજ થઈ, લુડિયા પહોંચ્યા. સવજીભાઈ-માનાના પરિવાર સાથે માટીના ભૂંગામાં રહ્યા. મેઘવાળ સમાજનું લોકજીવન, ભરતકામ, ભીંતચિત્રો અને બાળકોનો સ્નેહ માણ્યો. આ પ્રવાસે તેમને ધીરજ અને સંયોજનનો પાઠ શીખવ્યો.

|| હોમસ્ટેની હૂંફ કેટલી જૂની? ||


આગલે દિવસે ધ્રંગનો મેળો કરીને સૂફી સંત દાદા મેકરણના થાનકેથી રાત્રે આઠ-નવ વાગે ભુજ પહોંચ્યા હતા. ભુજના અમારા કાયમી સરનામા જેવા વી.આર.પી ગેસ્ટ હાઉસમાં બીજા દિવસની સવાર પડે એ પહેલા જ અમે ગેસ્ટ હાઉસનો દાદરો ઉતરી લારીએ ઉકળતી ચા પીધી અને સ્નાન વિધિ પૂર્ણ કરી ભુજથી 71 કિલોમીટર દૂર રહેલા લુડિયા ગામે જવા ભુજના એસ.ટી સ્ટેન્ડ પહોંચ્યા.



    વર્ષ 2000ના માર્ચ મહિનાના આ પ્રવાસમાં પણ મારી all time classic એવી દોસ્ત, નલિની ભટ્ટ મારી સાથે હતી. આગલે દિવસે ધ્રંગના મેળે ગયા ત્યારે ભુજના એસ ટી સ્ટેન્ડ પર અમે લુડિયાની બસની તપાસ કરેલી એટલે જેવી બસ મુકાણી કે અમારી યાત્રા શરૂ થઈ. 




     રુદ્રમાતા ડેમ રોડ પર સરસપર, રૂદ્રમાતા, લોરિયા, લોરિયાના જમણા હાથે ઓફ રોડ, સુમરાસર, ડાબે હાથે બન્નીનો ઘાસિયો પ્રદેશ, એ પછી ભીરંડીયારા અને ભીરંડીયારા પછી જમણે હાથે દૂર ખારી નદીને સાઈડમાં રાખીને કચ્છના મોટા રણને અડીને આવેલું ખાવડા આવે તે પહેલા જ બસ કંડક્ટરે બેલ માર્યો અને લુડિયા ગામ જવા માટે બસ હાઈ-વે પર ઊભી રાખી. 



     બસમાંથી ઉતર્યા પછી પાંચેક કિલોમીટર અંદર રહેલા લુડિયા ગામે પહોંચવા અમે શેરીંગ છકડામાં બેઠા અને ઢઢઢઢ કરતો, ધૂળ ઉડાડતો છકડો પહોંચ્યો લુડિયા.



    રોજનીશીમાં પ્રવાસનોંધ ટપકાવ્યા વગરના એ રખડું દિવસોના આ પ્રવાસમાં લુડિયા પહોંચ્યાં ત્યારે મૂળ રાજસ્થાનના મેઘવાળોના માટી મઢ્યા દસ-બાર ભુંગાની વસાહત જોઈને અચાનક કોઈ ખજાનો હાથ લાગ્યાનો ભાવ થયો કારણ કે ગારના લીંપણ વાળી ફ્લોર પર ઝાડના પાતળા થડની વળાંક વાળી થાંભલીયુના ટેકે રહેલા ભુંગાઓનું આ ચિત્રમયી રૂપકડું ગામ first sight love માફક પહેલી નજરે જ અંદર ઉતરી ગયું.



      આજથી પચ્ચીસ વર્ષ પહેલા કોઈ રેસ્ટોરન્ટ, હોમ સ્ટે, હોટલ, ટી સ્ટોલ, ગામનો ચોરો કે એસ. ટી. બસના કોઈ જાતના pick up point વગરના લુડિયા ગામે પહોંચીને અમે સીધા જ સવજીભાઈ–માનાના માટી મઢ્યા ઘરે ગયા અને ભૂંગાની બહાર એક બીજી ઈંટ પર ઈંટ અને તેની પર પતરું ગોઠવેલા,  ભુંગાની બહાર રહેલા, રસોડે સવજીભાઈના પત્ની, માનાબેને બનાવેલી ચા પીધી અને સામાનનો એકાદ થકવી નાખતો થેલો ભુંગાની અંદર મુક્યો.




     ધારા, ગોરા અને ચંદા એમ ત્રણ નાની દીકરીઓ અને એ ત્રણેથી નાના દીકરા, નવીન સાથેના આ છ જણાના પરિવારમાં અમે બે જણા ઉમેરાણા અને બે-ત્રણ દિવસ, સત્તરમી સદીમાં સિંધ પાકિસ્તાન અને રાજસ્થાનના મારવાડમાંથી આવીને કચ્છના મોટા રણની ધારે વસેલા, મજાના મેઘવાળો સાથે અને સવાભાઈ અને માનાના પરિવાર સાથે અમે સુખેથી રહ્યા તે હોમસ્ટેની હૂંફ પચ્ચીસ વર્ષ જૂની જ્યારે હોમસ્ટે શું છે તેનો અહેસાસ ખાસ્સો અજાણ્યો હતો.



પ્રવાસ દરમિયાન કોઈના ઘરે ઉતર્યા હોઈએ એવો હોમસ્ટેનો આ virgin અનુભવ હતો. ક્ષણે ક્ષણે સંયોજનો શોધતો મારો જીવ સવાર પડતા જ ગળામાં કેમેરા નાખીને નીકળી પડતો અને સામ સામે રહેલા બાર-તેર ભૂંગા વાળા મેઘવાળી ગામમાં અસલ ખરબચડા Backgroundમાં લોક જીવનના મોતી વીણતો.
આવા મોતી વીણવામાં એક સવારે છાણ-ગારાની લીંપણવાળા હુંફાળા ભૂંગાના આંગણે દુબળા-પાતળા સવજીભાઈ દીવાલને અઢેલીને પોતાના પરિવાર સાથે નિરાંતે બેઠા હતા અને ગેરુવા રંગની થાંભલીયું અને ભૂંગાની ભીંતચિત્રો દોરેલી ભીંતોની આગળ સૂર્યપ્રકાશની ઓથે રંગીન કંજરી–ઓઢણી અને ચાંદીની ભારેખમ હાંસડીમાં તેમના પત્ની માનાબેન પણ બાળકો સાથે બેઠાં હતાં એવું Rustic lifeથી સભર ભરેલું સંયોજન જેવું જડ્યું એવું લોટરી માફક તરત જ લૂંટી લીધું.



    લુડીયામાં પસાર કરેલા એ દિવસોમાં મને એક વખત એક Visual dialogue જડી આવ્યો. સવજીભાઈ–માનાનો નાનો નવીન માનાના ખોળામાં સુતો હતો અને માનાની ગોઠવાળી ગામઠી ચુંદડી નવીન પર ઓઢાડેલી હતી. નવીનનો ચાંદીની કડલી પહેરેલો નાનકડો પગ દેખાતો હતો અને આવા વ્હાલા સંયોજનમાં વળી માના તેની બે દિકરીઓ સાથે વાતો કરી રહિ હતી. તે ક્ષણે જયારે સઘળુ Candidના કેકારવમાં ગુંજતું હતું ત્યારે મારે તો મારી જોળીને આટલા Perfect rustic Compositionથી ભરવાની જ થતી હતી એટલે મેં સંયોજનને બરાબર વાંચીને હૃદયે ધર્યું અને એ વખતે એવું લાગ્યું કે હું જાણે મેઘવાળોના મૂળ પોતને પામી રહિ છું, જે વણાટમાં ભલે વિષયો ઘણા હોય પરંતુ તેમ છતાં કોઈ unclutter કરવા જેવો chaos નથી.




    સંવેદનોથી સભર આવા dynamic સંયોજનોના ખજાના જેવા લુડિયા ગામના દસ-બાર ઘરોમાં ઘૂમતા-ફરતા એક સવારે આસમાની રંગના દરવાજા વાળા એક ભુંગામાં પ્રવેશીને મેઘવાળોના one room studio apartment જેવા ભુંગાના દેશી ડામચિયાની ટેભા-ટાંકા વાળી ગોદડિયું જોઈ અને એ દિવસની બપોરે જ ભુંગાના આંગણે ગોદડિયું પરના બખિયા અને ટેભા-ટેકાની હસ્તકલા સાચવતી મેઘવાળ સ્ત્રીઓના દુખણા પણ લીધા.



    અભરાઈ પર ચમકતાં વાસણની હરોળ અને mud-mirror workથી શોભતી માટીની નાની સફેદ કબાટડિમાં રખાતું ભોજન મને મેઘવાળોની જીવનશૈલીના લયમાં ડૂબાડતું હતું અને એવા સો ટકાના લયમાં મેં આ ગાંધીના ગામને જીલ્યું ત્યારે એ વર્ષોમાં ખીસ્સા વાળી કફની અને રેગ્યુલર પતિયાલા પહેરેલી હું ભરબપોરની દોઢ-બે કલાકને બાદ કરતાં film roll વાળો એસ.એલ.આર કેમેરા હાથમાં લઈ સંયોજનોના લોભે લુડિયા ગામના સામ સામે રહેલા ભુંગાઓ વચ્ચે ચાલ્યા કરતી.



     એવું ચાલવામાં એક વાર થોકબંધ રંગીન બંગડીઓ, over sized સફેદ ચુડલા અને વચ્ચે સેંથો પાડી ઓળેલા વાળની બંને બાજુઓ પર એક નહિ બે નહિ પરંતુ અનેક અતરંગી હેર પીન નાખેલી મેઘવાળ મુગ્ધાઓ ઘર આંગણે ભરત ભરતી જડી આવી અને એમેચ્યોર ઉતાવળી મેં સોંય-દોરા સંગે મલકતી એ દીકરીઓને જીલી ત્યારે એ ઉતાવળમાં leg space કે head space ચૂકાય ગયી કારણ કે ગમતો વિષય અને ગમતું સંયોજન મળ્યાનો આનંદ બાકિની બધી આવડત અને ધીરજને પાછળ રાખી દઈ આગળ નીકળી ગયો અને એ સમયે આવી કોઈ spaceની પરિભાષા તો, મને, આમેય ક્યાં આવડતી હતી. 



     લુડિયામાં અમારી સામે પ્રાચીન ઈજિપ્તમાં જોવા મળે તેવા unfired mud bricksનાં ઘરો જેવા circular ઘરોની આખી મેઘવાળી વસાહત હતી અને તેના પર સફેદ, પીળા અને આછા આસમાની રંગોથી દોરેલા ભૌમિતિક ભીંતચિત્રો હતાં અને એ ethnic pairને ત્રિવેણી સંગમમાં ફેરવી નાખે તેવું conical thatched roofing હતું જે, કચ્છના મોટા રણ પાસે રહેલા, આખા લુડિયા ગામને ચિત્રમયી બનાવતું હતું.





    લગાન ફિલ્મ જેવા આવા એકદમ તૈયાર સેટમાં, unlike me, મને પણ arrange photographyનો પાનો ચડ્યો અને off white દીવાલ વચ્ચે રહેલી cute નાની બારી અને તેની ધારે ધારે દોરેલા કાંગરા વાળા ભીંતચિત્રો વચ્ચે મેં ગળી ભૂરી રેશમી કંજરી-ઘાઘરી પહેરેલી ગોરાને ગોઠવી ફોટા પાડ્યા.



     Thatched roofingના જાળી-જાળી જેવા પડછાયા નીચેની ઓરસ-ચોરસ mud wall windowમાં ધારાને ગોઠવીને ફોટો પાડ્યો ત્યારે ગ્રીન અને ગળી ભૂરા વસ્ત્રો પર ગુલાબી અને ગળી ભૂરી ઓઢણી અને ચાંદીની વજનદાર હાંસડીના રૂપ-સ્વરૂપ, ખાખી લીંપણ વચ્ચે એવા ખીલી ઉઠ્યા કે મને થયું આ મારી જ ફોટોગ્રાફી છે?? પરંતુ એ શિખાઉ દિવસોમાં ચહેરા પર પડતાં thatched roofingના પડછાયાને દૂર કરવા કેમેરાની ઈનબિલ્ટ ફ્લેશનું ફિલર મારવાનું હોય એવી ખબર નોહતી પડતી અને આથી એકદમ પરફેક્ટ સંયોજનમાં એકાદ ખામી રહી જતી. 



      આવા શીખાઉ દિવસોમાં એક બપોરે મેં સવાભાઈના ગોરા-નવીનને એકદમ off white mud-mirror work પાસે ઉભા રાખી ફોટા પાડ્યા કે આભલા જડેલું રિલીફ વર્ક ગુંજે ભરી લઉં અને સાથો સાથ ભાઈ-બેનની સ્મૃતિને પણ સાચવીને સાથે લઈ જાઉં પરંતુ ઘરે આવીને ફિલ્મ રોલ પ્રોસેસ કરાવ્યો ત્યારે જોયું તો બંને ફોટા હલી ગયેલા આવ્યા અને મને થયું કે ફોટોગ્રાફી કરતી વખતે ગોઠવેલો વિષય ભાગી જશે એવા ભયમાં ઉતાવળ કરો તો આવું થાય અને આથી જ આવી હલી ગયેલી blurred તસવીરોએ મને ધીરજ રાખવાનું શીખવ્યું.



       આવા અનેક પાઠોની પાઠશાલા સાબિત થયેલા લુડિયા ગામના અમારા રોકાણ દરમિયાનની એક ઢળતી સાંજે મને લોટરી લાગી, of course, સંયોજનની જ.થયું એવું કે માર્ચ મહિનાની વાસંતી સાંજે કેમેરા લઈને હું લુડિયાના ભુંગાઓ વચ્ચે ચાલતી હતી ત્યારે પશ્ચિમાભિમુખ આંગણે, ઢળતા સૂરજના સોનેરી પ્રકાશમાં બે મેઘવાળ સ્ત્રીઓને મેં ભરત ભરતી જોઈ. જીણા સફેદ-ભૂરા મોતીનો ગળબંધ, મારવાડા જેવી રાજસ્થાની કંજરી, ફુલ ફુલ વાળો લાલ ઘાઘરો અને સોનાની મોટી નથ વાળી એ બંને જુવાન મેઘવાળ સ્ત્રીઓની બાજુમાં લીંપણ કરેલા પ્લેટફોર્મ વાળુ પાણીયારુ હતું અને તેની પછી બધા જ સફેદ વાળ વાળા વયોવૃધ્ધ દાદી pitch dark કાળી કામળીમાં વીંટળાઈને આ બંને સામે જોઈ રહ્યા હતા. 



      આવા Wow compositionને અંકે કરીને તરત જ એ બે સ્ત્રીઓનું vertical સંયોજન પણ જીલ્યું. સફેદ ભીંત પર કરેલા કંકુવર્ણા ત્રિશૂળ સાથે અને દીવાલો પર ઈંટ દેખાતી હોય તેવા ખરબચડા લાંબા ઊભા પટ્ટા પર કરેલા મેથીયા પીળા રંગની ઓથે ભરત ભરતી બે સખીઓને મેં જીલી ત્યારે available lightમાં ફોટોગ્રાફિ કરતાં છબીકારો માટે ઢળતી સાંજના સૂર્યપ્રકાશનું શું મહત્વ છે તે પણ સમજાય ગયું. 




    આવી કુંવારી સમજણોને પણ સ્મરણ જોળીમાં ભરતી હું લુડિયા ગામમાં ફરતી હતી ત્યારે મેઘવાળ પુરુષોને wood work કરતાં જોયા અને બહેનોને ભરતકામ. બીજું કે ધારા-ગોરા-ચંદા અને એનાથી નાનો નવીન એક જ દિવસમાં મારી સાથે એટલું ભળી ગયા હતાં કે બાકીના દિવસોમાં હું નવીનને હાથ-પગ, મોઢું સાફ કરી દઈ, માથું ઓળી દઈ ટબ્બા જેવો તૈયાર કરી દેતી અને મારી સાથે જમાડતી પણ ખરી.



      રાત-દિવસ દિવસ-રાતના આવા હુંફાળા હોમસ્ટે પછી એક દિવસ મારી કેમેરા કિટ અને કપડાનો થેલો લઈને લુડિયા છોડવાનો વખત આવ્યો.લુડિયાના દસ-બાર ભુંગાની રૂપકડી વસાહતના છેડે ઢઢઢ કરતો છકડો આવીને ઊભો રહ્યો કે જે છકડામાં બેસીને અમારે અંતરિયાળ રફ રોડનો નાનો પેચ પસાર કરી હાઈ-વે પર પહોંચવાનું હતું. સવજીભાઈ અને માનાના આખા પરિવારને અને લુડિયાને પણ આવજો કહિને જેવી છકડામાં બેઠી કે નવીન રડતો રડતો ધૂળ ઉડાડતા છકડા પાછળ દોડ્યો અને માનાએ તેને તેડી લીધો એ અમે જોયું. 



    છકડાની પાળ પર બેસીને અમારી પાછળ ઉડતી ધૂળમાં લપેટાતાં સ્મરણોને હું મારી ભીની થયેલી આંખોથી સ્વચ્છ કરી,  હાઈ-વેની ધાર પર ઉતરી અને ભુજ જતી એસ ટી બસ મળી ત્યારે બસની બારીએ બેઠા બેઠા વીતેલા ત્રણ દિવસને ફરી જોયા જેમાં મેઘવાળના ભૌમિતિક ભાતના ભીંતચિત્રો વાળા ભુંગા હતાં.Clay cabinet પર mirror workના શણગારનું ઈન્ટીરીયર હતું. વાંસતી સવાર-સાંજનું ગ્રામ્ય જીવન હતું. લુડિયાની મેઘવાળ જીવન શૈલીની ઝલક હતી. ઊંચા પ્લેટફોર્મ પર વર્તુળાકાર hut પરનું conical roofing હતું. તડકે તપાવેલી માટીની ઇંટોનું indigenous ચણતર હતું અને માટીના રિલીફ વર્ક પર કાચનું mosaic વર્ક હતું. 



      કોઈ સવારે ચંદા-નવીનને ગોઠવીને પાડેલા ફોટામાં ભુંગાના ઉંબરે નવીનની નાની પલોઠી અને ચંદાની ઉગતી ઠાવકાઈ બે થાંભલીયુંના પડછાયા વચ્ચે ફ્રેમ થઈને બેઠાનું એકદમ વ્હાલું સંયોજન હતું અને એ બધાથી ઉપર સવજીભાઈ-માનાની મહેમાનગતીની હૂંફ હતી અને ધારા-ગોરાની મુગ્ધાવસ્થાને અડતી વયનું ગમતું blushing હતું જેને આવડ્યું એવું સંયોજ્યું અને મારી સ્મરણયાત્રામાં એક પડાવ ઉમેરાયો જે પડાવ એવું કહેતો હતો કે સતત બદલાતાં મુકામો પણ આપણી યાત્રા હોતી હોય છે જે આપણને સમૃધ્ધ કરે છે સ્મૃતિઓથી, અનુબોધ અને અભિજ્ઞાનથી....... 

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.