લગે રહો મુન્નાભાઈની વાર્તા લખવામાં રાજકુમાર હીરાની, વિધુ વિનોદ ચોપડા અને અભિજાત જોશીને બે વર્ષ લાગ્યા. ગાંધીજીને આધુનિક સમયમાં લાવી, 'ગાંધીગીરી'નો વિચાર રજૂ કરવા અભિજાતભાઈએ ૧૦,૦૦૦ પાનાંની 'મહાદેવભાઈની ડાયરી'ના ૨૩ ભાગોનો અભ્યાસ કર્યો, જેથી ફિલ્મ હળવી શૈલીમાં ઉચ્ચ સ્તરનું સર્જન બની શકે.
ફિલ્મ થિયેટરના પડદે આવે તે પહેલા તે ઘણા તબક્કાઓથી ગુજરતી હોય છે. તેનો સૌ પ્રથમ તબક્કો છે વાર્તાનો પ્લોટ. જેમાં માત્ર બે- ચાર વાક્યમાં ફિલ્મનો વિચાર હોય છે જેમ કે સલીમ- જાવેદ લિખિત ‘શોલે’માં બે ચોર એક નિવૃત આર્મી મેનને પોતાનો બદલો લેવા મદદ કરે છે તે પ્રકારનું વિચારબીજ હતું. ચાર -પાંચ વાક્યો પરથી તેની આખી પટકથા (સ્ક્રીનપ્લે) લખાય છે. પૂરા બેથી ત્રણ કલાક માટે ફિલ્મના દ્રશ્યો અને સંવાદો લખવામાં આવે છે.
‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’. ફિલ્મ સફળ થઈ. પ્રથમ ફિલ્મથી જ રાજકુમાર હીરાની હિન્દી સિનેમા જગતમાં ઉત્તમ નિર્દેશક તરીકે ગણાવા લાગ્યા પણ હવે આગળ શું ? સફળતા મળી પણ એ તો ભૂતકાળ થઈ ગઈ હતી. હવે નવી ફિલ્મ માટે વાર્તાનું શું ? એ દરમિયાન તેમના મનમાં ઘણા સમયથી ચાલતા એક પ્લોટની વાત કરીએ. એ કથા બીજ એવું હતું કે એક સ્વતંત્ર સેનાની બ્રિટિશરો સામે લડતા લડતા ઘવાય છે. કોમામાં સરી પડે છે. કોમામાં ૫૦ વર્ષ રહ્યા બાદ તે હોસ્પિટલમાં જાગે છે. ભાનમાં આવતા સાથે જ તે ગાંધીવાદી પહેલું વાક્ય ઉચ્ચારે છે કે બાપુ કેમ છે ? તેમણે ઉપવાસ છોડ્યા ? આખી ફિલ્મ તે ગાંધીવાદી વ્યક્તિ આધુનિક જમાનાને કઈ રીતે જુએ છે તેની ઉપર બનાવવાની હતી પરંતુ વાત આગળ ન વધી. આ કથાબીજનું બાળમરણ થયું.
સમય આગળ વધ્યો. તે દરમિયાન રાજકુમાર હીરાનીને નવો પ્લોટ સૂઝ્યો. તેમને થયુ કે ગાંધીવાદીની જગ્યાએ કેમ ખુદ ગાંધીજી આધુનિક જમાનામાં પ્રવેશીને મુન્ના અને સર્કિટને મળે પછી કેવા કિસ્સાઓ સર્જાય ? હવે આ કથાબીજ લઈને આખી ફિલ્મ લખતા અભિજાત જોશી, વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હીરાનીને બે વર્ષ જેટલો સમય લાગી ગયો. આટલો સમય કેમ લાગ્યો ? તે હવે જોઇએ. ગાંધીજીનું મોટાભાગનું લખાણ ગુજરાતીમાં હોઇ અભિજાત ભાઈએ વધુ મહેનત કરવાની થઈ. તેમણે ફિલ્મમાં ‘ગાંધીગીરી’ યોગ્ય રીતે ઉપસી આવે તે માટે થઈ ૧૦,૦૦૦ પાનાઓમાં વિસ્તરેલી ‘મહાદેવભાઈની ડાયરી’ના ૨૩ ભાગોનું ખેડાણ કર્યું. ફિલ્મના ઘણા દ્રશ્યો કે જ્યાં ગાંધીજીના આદર્શો- સિદ્ધાંતો પર મુન્નાભાઈ ચાલે છે એ ગાંધીજીના આ વાંચનથી સિંચાયેલી સ્ક્રીપ્ટની જ કમાલ છે.
તમને ખ્યાલ હોય તો ‘મુન્નાભાઈ’ સિરીઝ એ હળવી ફિલ્મ છે. ત્યારે ફિલ્મ લેખકોએ ગાંધીજીના આદર્શો- સિદ્ધાંતોને ઉપદેશની જેમ ફિલ્મમાં બતાવ્યા કરતા હળવી રીતે રમૂજથી તરબોળ કરીને ફિલ્મ લખી છે. ફિલ્મની પટકથા(સ્ક્રીપ્ટ) લખાતી હતી ત્યારે રાજકુમાર હીરાની એક નિયમ બનાવ્યો હતો કે ફિલ્મનું દરેક દ્રશ્ય જોઈ દર્શક હસવા જોઈએ કાં એમની આંખોમાં આંસુ આવી જવા જોઈએ. જો ફિલ્મનું કોઈ દ્રશ્ય આ કરવામાં નિષ્ફળ જાય તો તે પટકથામાંથી દૂર કરવું. આ માટે સારી મથામણ થતી. લેખકોએ ગાંધીજીના આત્માને ફિલ્મની પટકથામાં સ્થાન ન આપતા ફિલ્મ મુખ્ય પાત્ર ‘મુન્ના’ને હેલ્યુસિનેશન(વિભ્રમ)થી ગાંધીજી દેખાય છે તેવું તાર્કિક રીતે વિચારીને આધુનિક રીતે લેખન કર્યું.
હવે સર્જનાત્મક લેખન એમ જલ્દી કલમથી કાગળ પર ઉતરી ન આવે. તે માટે મથવું પડે.આ ફિલ્મ લખતા લખતા લેખકો એ સારો એવો પરસેવો પાડ્યો છે. યોગ્ય દ્રશ્યનો વિચાર આવે તે માટે લેખકો લાંબુ લાંબુ ચાલતા. એક વિચારના વિવિધ વિકલ્પોની ચર્ચા કરતા. લેખકો એકબીજા સાથે વાત ન કરતા કલાકો સુધી મૌન થઈ વિચારતા રહેતા. ફિલ્મ લેખન પાછળ રાજકુમાર હીરાનીનો એટલો બધો આગ્રહ કેમ હતો? રાજુ માનતા કે તમારી છેલ્લી સફળ ફિલ્મથી પ્રથમ શોમાં તો લોકો ખેંચાઈ આવશે પણ પછીના શોઝનું શું ?
પ્રથમ ફિલ્મની સફળતાથી રાજકુમાર હીરાની વધુ સાવચેત થઈ ગયા હતા. ફિલ્મ હજુ લખાતી જ હતી. એવામાં શૂટિંગની તારીખ નજીક આવી રહી હતી. નિર્દેશક હોવાને લીધે તેમણે ફિલ્મના પ્રિ-પ્રોડકશનની પ્રક્રિયામાં આખરી નિર્ણય લેવા સમય આપવો પડતો તેમ છતાં નક્કી કરેલી ગુણવત્તા મુજબ ફિલ્મ લખાતી રહી. ત્રણ લેખકોમાં હિંદી સિનેમાના સૌથી વધુ અનુભવી વિધુ વિનોદ ચોપડા હતા. તેથી ફિલ્મની પટકથા બાબતે તેમનો નિર્ણય આખરી રહેતો. ફિલ્મના દ્રશ્યો વિચાર્યા- લખાયા બાદ વિધુ વિનોદ તેને તપાસતા. લખતી વખતે અભિજાત અને રાજુને ગમે તેટલું તે દ્રશ્ય ગમતું હોય પરંતુ વિધુને લાગે કે ફિલ્મના પ્રવાહને તે રોકે છે તો તે દ્રશ્ય તેઓ કાઢી નાખતા. હિન્દી સિનેમા જગતામાં ઘણી ઓછી સિક્વલ ફિલ્મો એવી છે જે મૂળ ફિલ્મ કરતા પણ સારી બની હોય. મોટે ભાગે મૂળ ફિલ્મને વટાવી ખાવાની વૃતિ ફિલ્મની સિક્વલ બનાવવા પાછળ કામ કરતી હોય છે, પણ જ્યારે કોઇ ફિલ્મ સાથે અભિજાત જોશી, રાજકુમાર હીરાની અને વિધુ વિનોદ ચોપડા જેવા દિગ્ગજો સંકળાયેલા હોય ત્યારે ફિલ્મને ચાર ચાંદ લાગી જાય છે. ૨૦૦૬ના વર્ષમાં આવેલી ‘લગે રહો મુન્નાભાઈ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે