વર્ષ ૨૦૦૦ની ચોથી માર્ચે મહાશિવરાત્રિ અને પ્રાગટ્ય દિવસે લેખિકાએ મોટીબેન નલિની સાથે કચ્છના ધ્રંગના મેળાની પ્રથમ મુલાકાત લીધી. સૂફી સંત દાદા મેકરણની સમાધિ, રબારી-આહીર સ્ત્રીઓના રાસ અને છુંદણાની કળાને રોલ કેમેરામાં કંડારી આ યાત્રાને તેમણે છબીકલાનો પ્રથમ વર્જિન સ્પર્શ ગણાવ્યો. ૨૦૦૧ના ભૂકંપ બાદ ધ્રંગનું મૂળ ચારિત્ર્ય બદલાયું.
વર્ષ ૨૦૦૦ની ચોથી માર્ચે ઘનિષ્ઠા વદ તેરસને મહાશિવરાત્રિ તો હતી જ પરંતુ તારીખ લેખે પૃથ્વી પર અવતર્યાનો મારો પ્રાગટ્ય દિવસ પણ હતો.આવા મંગલમય દિવસે હું અને મોટીબેન નલિની ભુજના અમારા ઓલ ટાઈમ ફેવરીટ વીઆરપી ગેસ્ટ હાઉસથી ભુજના શિવમંદિરે માથુ ટેકવી ભુજના એસ ટી સ્ટેન્ડ પહોંચ્યા કારણ કે આ વખતે તો ભુજ આવવાનું કારણ સૂફી સંત દાદા મેકરણની સમાધિ સ્થાને ભરાતો ધ્રંગનો મેળો હતો.
પીર અને ઓલિયાના થાનકોએ જઈ નિરાંતના શ્વાસ લેવાની શોખીન હું કેમેરા હાથમાં આવ્યો ત્યારથી ધ્રંગના મેળાના સપના જોતી હતી અને હવે તો એસ.ટી બસની બારીએથી મીઠ્ઠા વાંસતી વાયરાના ગમતા સ્પર્શે ભુજથી માત્ર ચાલીસ કિલોમીટર દુર રહેલા ધ્રંગ પહોંચવામાં હતાં.
ચાલીસ કિલોમીટર પસાર કરીને અમે ધ્રંગ પહોંચ્યા ત્યારે ગુજરાત-પાકિસ્તાનની સરહદે આવેલું આ ગામ મહાશિવરાત્રિના મેળામાં માલતું હતું. ત્રણ દિવસ ચાલતો ધ્રંગનો મેળો શિવરાતને દિવસે રબારીઓ અને આહીરોથી તો ભરચક હતો જ પરંતુ તેમાં ક્યાંક ક્યાંક કોઈક પરદેશીઓ પણ દેખાતા હતાં અને મારી જેવા ફોટોગ્રાફર્સની તો વાત જ ન કરો એટલા હતાં.
કચ્છના રાજા રાવ દેશળજી બીજાની દેખરેખ હેઠળ બંધાયેલું શિવ મંદિર અને કાપડી સૂફી સંત દાદા મેકરણની સમાધિ અહીંનું એવું સત કે છેક રાજસ્થાનથી પણ લોકો મેકરણ દાદા અને તેના લાલિયા અને મોતિયા નામના બે મુંગા સાથીદારોની સમાધિના દર્શન કરવા દોડી આવે.
શ્રધ્ધેય ભૂમિ સુધી પહોંચવાની આવી દોડમાં ધ્રંગ સુધી પહોંચેલા અમે બે પ્રવાસીઓ પણ બસમાંથી ઉતરીને સીધા મેળાના રસ્તે ચડ્યા. મેકરણ દાદાને ભગવાન ગણતી કચ્છની આહીર પ્રજાની સ્ત્રીઓના રૂપને હું તો પહેલીવાર જોતી હતી અને આમ પણ કચ્છના આ પહેલા લોકમેળાને હું રોલ કેમેરાની જોળીમાં ભરતી હતી એટલે મારો ઉત્સાહ અને એમેચ્યોર ઉતાવળ મને એક સ્થળે સ્થિર ઉભા રહેવા નોહતી દેતી.
આમ પણ મારી છબીકલા યાત્રામાં ધ્રંગનો મેળો લોકમેળાના રંગીન માહોલનો પ્રથમ વર્જિન સ્પર્શ હતો એટલે હું તો એ કુવારા સ્પર્શે ઓલમોસ્ટ પાગલની જેમ કેમેરા ગળે ભરાવી ક્યાં વિષયને જીલી લઉં એવી મેડનેસમાં અંહીથી ત્યાં ચાલ્યા જ કરતી હતી અને ઉનની કાળી ધાબળી અને લાલ ટપકા વાળી ઓઢણીયુમાંથી ધારદાર નજરે જોતી રબારણું અને ભૂરી અટલસી કંજરીમાં સખીઓ સાથે હાથમાં હાથ પરોવી મેળામાં મલપતી આહીર સ્ત્રીઓના ગ્રેઈસને મેન્યુઅલ મીટરે ગોઠવી ખચખચ ક્લિક કરતી જતી હતી કારણ કે આજથી ચોવીસ વર્ષ પહેલા અનુભવી છબીકારની પરિપક્વતા અને નિરાંતનું તો નામોનિશાન મારામાં નોહતું જ અને જે હતું તે નવા પ્રદેશો, તેના લોકો અને તેની સંસ્કૃતિને જોવા-જીલવાનો નકરો ઉત્સાહ હતો.
છબીકલાની શરૂઆતના મારા આવા અતિ ઉત્સાહિ દૌરમાં વળી સત્તરમી સદીના ઉતરાર્ધથી અઢારમી સદીના પ્રથમ ત્રણ દાયકાઓમાં ધગધગતા ઉનાળામાં કચ્છના રણમાં મારગ ભૂલેલા મુસાફરોને માર્ગે ચડાવી પાણી અને ભોજન આપતા દાદા મેકરણ અને તેના લાલિયા-મોતિયાની કથા પણ મને ભારતના સૂફી સંતો સુધી લઈ જઈ ઓશોની કબીરવાણી સુધી ખેંચી જતી હતી.
મારી પાત્રીસની વયે એક સાથે આકાર લઈ રહેલા આવા અનેક ખેંચાણમાં આપણે તો નદીના વહેણ જ્યાં લઈ જાય ત્યાં જતાં હતાં અને એ વહેણમાં દાદા મેકરણ સાથે જોડાયેલો કાપડી સંપ્રદાય, તેના અનુયાયીઓ, તેના અખાડા અને તેની ગુરુ-શિષ્ય પરંપરાની રહેણી-કરણી સઘળું જાણવાનું મન થતું હતું અને એ મન મને સત્તરમી-અઢારમી સદીમાં રણની ધગધગતી બપોરે એક કૂતરો માર્ગ ભૂલેલા મુસાફરને માર્ગ દેખાડતો હોય અને લાલિયો ગધેડો પોતાની પીઠ પર રોટલો-પાણી લઈને કોઈ સંતના સતની જેમ ચાલતો હોય એવા વિઝ્યુઅલ્સ દેખાડતું હતું અને એવી ક્ષણે દાદા મેકરણની આ ભૂમિ મને વધુને વધુ આધ્યાત્મિક અને ઉર્જાવાન અનુભવાતી હતી.
તરંગિત ભૂમિના આવા સ્પર્શે ધ્રંગનો મેળો જ્યાં ભરાય છે તે શિખરબધ્ધ શિવમંદિરે તો દર્શન કર્યા જ પરંતુ એ સાથે લાકડાના હેન્ડલ વાળી ખુલ્લી લીલી-ભૂરી પેટીયું સાથે પરંપરાગત છુંદણા ત્રોફાવા વાળા tatto makersને પણ મેં જોયા. ધ્રંગના મેળાના ઊભા પટ્ટે રહેલા સ્ટોલ ઉપરાંત જમીન પર પાથરણું પાથરીને બેઠેલા આ Tatto makers આસપાસ તો ભારે ભીડ હતી. ગળી ભૂરી ઝાલર વાળી અને આરી ભરત ભરેલી સફેદ થેલીયું વાળી અને બેકલેસ કાપડા પહેરેલી સ્ત્રીઓ ધ્રંગની રણ જેવી કરકરી રેતીમાં બેઠેલા ત્રાજવા ત્રોફાવા વાળાને પોતાનો ડાબો કે જમણો હાથ ધરે અને વિવિધ છુંદણા આકાર લે એવા ટોળા વચ્ચે કેમેરા લઈને પહોંચું ત્યારે ખબર પડે કે વાસણ પર નામ લખવા માટે વપરાતું સોય બેટરી જેવું મશીન ઢરરર કરતું શરુ થાય અને થોડી પીડા સાથે સ્ત્રીને મનગમતા મોર, વેલ, વીંછી, ફૂલ, ઢગલી, લાડવા કે પ્રિય સખીઓના નામ હાથ પર ઉપસી આવે અને મરણ સુધી સાથ નિભાવે.
એટલું જ નહિ છૂંદણાની આ સૌદર્ય યાત્રા છુંદણાથી છોગાળા છેલ સુધી પહોંચવાની સૌંદર્ય યાત્રા બની જાય અને રબારી હોય કે મેર, આહીર હોય કે હોય ભરવાડ સમાજની ઊંચી પડછંદ સ્ત્રીઓ તેના છુંદણાના કામણ તો કચ્છ-કાઠિયાવાડની ધરતીના ખમીરની જેમ આપણું ધ્યાન ખેંચે અને છુંદણાનો એટલો જ કામણગારો ઈતિહાસ આપણને નિયોલિથિક કાળના પાના ઉથલાવવા મજબૂર કરે.
માર્ચ મહિનાના તડકે મેળાની ભીડમાં મનમાં છૂંદણાનો ઈતિહાસ જોઈ લેવાનું મન લઈને ફરતી હતી ત્યાં મેં એક મોટી કાળી છત્રી આસપાસ માથે ઓઢણી ઓઢેલી રબારી મુગ્ધાઓનું ટોળું જોયું. એકબીજા પર હાથ મુકિને છત્રી નીચે મહેંદી મુકવાના બ્લોક લઈને બેઠેલા મહેંદિ વાળા ભાઈ પાસે ભેગી થઈ ગયેલી કિશોરવયની મસ્તીખોર રબારી દીકરીઓને જીલી ત્યારે પ્રસાદાલયની દીવાલ પર મોટા અક્ષરે લખેલા ‘જી નામ’ સાથે કચ્છના કબીર ગણાતાં દાદા મેકરણની કેટલીક સાખીઓને પણ દીવાલો પર લખેલી જોઈ અને કચ્છી ભાષામાં લખેલી સાખીઓના વાંચન સાથે મેળામાં આવેલા લોકો સાથે બપોરનું ભોજન પણ લીધું.
એ પછી તો આખી બપોર આહીર અને રબારીઓના ટોળાના ટોળા મેળે આવતાં રહ્યા અને અમે સૌ છબીકારો ખજાનો લૂટવા આવ્યા હોઈએ તે રીતે વિવિધ સંયોજનોનો અમૂલ્ય સંપૂટ ઘડતા રહ્યા. એમાં દાદા મેકરણની સમાધિ સ્થળની અગાસીએથી નીચે થતા રાસ-ગરબાનું વિહંગાવલોકન કરતી રબારી સ્ત્રીઓના સંયોજનોએ મારા ધ્રંગના ફેરાને સફળ બનાવ્યો એવા મનગમતા એથનિક સંયોજનો મને મળ્યા.
આમ સાંજ પડી અને મહાવદ તેરસનો સૂર્ય પશ્ચિમ દિશાની ટેકરીઓ તરફ અસ્ત થવા જઈ રહ્યો હતો. મેળો તો એની રીતે રંગેચંગે ચાલતો હતો પરંતુ દાદા મેકરણના આ થાનકના ખુલ્લા આકાશ નીચે રહેલા સમાધિ સ્થળે કંકુ કે સિંદુરના મોટા ટપકા વાળી સફેદ સમાધિઓ જાણે સૂફી સંત મેકરણનું મૌન લઈને નિશ્ચલ હતી.
દૂર દેખાતી ટેકરીઓ, તેની આગળ લીલા-સૂકા ઝાડી-ઝાંખરા અને નળિયા વાળું એક ઘર મારી આગળ પથરાયેલી અનેક સમાધિઓના દ્રશ્યફલકને સંધ્યાકાળનું સત્વ બક્ષતું બેઠુ હતું. તેવામાં કંકુના ત્રિશૂળ કરેલી ધોળાવેલી દેરી, તેની બાજુમાં રહેલા એક ઝાડનું ઠુંઠું, તેની ડાળે બેઠેલું પક્ષી અને સફેદ સમાધિઓની વચ્ચે લાલ ટપકવાળી કાળી ઓઢણીઓ ઓઢિને કુંડાળું વળીને બેઠેલી રબારી સ્ત્રીઓ મને કચ્છના લોકમેળા પાછળ છબીકારો શા માટે આટલા બધા પાગલ છે તેના જવાબો આપતું હતું.
ધીમે ધીમે સૂરજ ઢળવાની છેલ્લી મિનિટોમાં મેળામાં હતાં એમાંના કેટલાક છબીકારો આ સમાધિ સ્થળે ભેગા થવા લાગ્યા. એવામાં હું પણ ઢળતા સૂરજની લાલીમામાં સમગ્ર દ્રશ્યને જીલતા શીખતી હતી ત્યારે હિમાચલી કેપ પહેરેલા એક હેન્ડસમ ફોટોગ્રાફરે મને Hi ! કહ્યું અને મેં પણ Hi ! કહિ જવાબ વાળ્યો.
એ પછી સૂરજ ઢળ્યો. ધીમે ધીમે સૌ પોત પોતાના એસ.એલ.આર કેમેરા કિટમાં મુકવા લાગ્યા અને Hi કહેનાર ફોટોગ્રાફર, #VivekDesai અને બીજા ઘણા ફોટોગ્રાફર્સ તો ચાર-પાંચના ગ્રુપમાં અમદાવાદ-વડોદરાથી આવ્યા હતાં આથી સંધ્યા કાળ થયો એટલે સૌ પોત પોતાની માયા સંકેલી ઉપડ્યા અને મારી અને નલિની જેવા એકલ-દોકલ છબીકારો હવે ધ્રંગથી ભુજ કેવી રીતે જવું એનો જુગાડ કરવામાં પડ્યા.
સંધ્યા સમય પછી એ દિવસે ધ્રંગથી ભુજ કઈ રીતે પહોંચ્યા એ મારા સ્મરણમાં જબુકતું નથી અને ભૂલ એ કે એવી કોઈ ડાયરી પણ નથી જેમાં રોજબરોજની કોઈ નોંધ ટપકાવેલી હોય પરંતુ ધ્રંગનો મેળો કચ્છનો જ નહિ પરંતુ મારી છબીકલા યાત્રાનો પ્રથમ અનુભવ હતો જેમાં હું રબારી અને આહીર સ્ત્રીઓને સંયોજવામાં એટલી મશગૂલ હતી કે એક ઓરડામાં રહેલી દાદા મેકરણની અને તેની સાથે જે અગિયાર શિષ્યોએ સમાધિ લીધી હતી તે સમાધિ સ્થળના ઓરડે ગઈ પરંતુ ફોટા પાડવાનું ચુકિ ગઈ. એટલું જ નહિ બળદ ગાડાની હરીફાઈના ધૂડ ઉડાડતા દ્રશ્યો પણ ખ્યાલ બહાર રહિ ગયા અને આજે વર્ષ ૨૦૦૦ના ધ્રંગના મેળાની નેગેટીવ અને contact sheets પર નજર કરું છુ તો મેં કરેલા આ મેળાના કામમાં નથી મંદિરનું મકાન, નથી સમાધિઓનો ઓરડો, નથી પ્રસાદાલય કે નથી દાદા મેકરણની અખંડ ધૂણીનો એક પણ ફોટો.
આથી જ ૨૦૦૦ની સાલ પછી તરત જ ૨૦૦૨માં અને પછી છેક ૨૦૧૧માં ડિઝીટલ કેમેરા Nikon-D 90 સાથે ફરી ધ્રંગના મેળે ગઈ અને મનભરીને ધ્રંગને કચકડે મઢ્યું પરંતુ જયારે ૨૦૦૧ના ધરતીકંપ પછી તરત જ ધ્રંગ ગઈ ત્યારે કચ્છના આહીર અને રબારીઓએ સ્વજનો ગુમાવ્યાનું દુઃખ હજી તેઓના ચહેરા પર ગ્લાનિ લઈને વીંટળાયેલું જણાતું હતું અને પછીના બે વખતનું ધ્રંગ મારું મૂળ ધ્રંગ નોહતું.
૨૦૦૧ના ધરતીકંપે દાદા મેકરણના આ થાનકને ભારે નુક્શાન પહોંચાડેલું હતું એટલે બધું હતું પરંતુ મને હંમેશ આકર્ષતું મૂળ original character મેળાના માહોલમાં તો ઘણા અંશે અકબંધ હતું પરંતુ ત્યાં ધરતીકંપ પછી બંધાય ચૂકેલા મકાનોમાં નોહતું.
જુના મકાનો, મંદિરો અને સમાધિના ઓરડાની જુની દીવાલો, બારીઓ અને ઊંબરા કે આછા આકાશી કમાડથી બનતું ambiance ખૂટતું હતું અને ક્યાંક ક્યાંક કોઈ રબારી, આહીરના ચહેરે સ્વજનોના મૃત્યુની પીડા પણ જાણે અકબંધ અંકાયેલી જણાતી હતી જે પીડાને હું કે મારો એસ.એલ.આર કેમેરા જીલી શકે તેમ નોહતા કારણ કે જે ગોજારા ધરતીકંપમાં વીસેક હજાર લોકો મર્યા હોય અને ચાર લાખ જેટલા મકાનો પડવાથી છ લાખ બેઘર થયા હોય એવા સમયે દાદા મેકરણનું થાનક જ નહિ કચ્છના મોટા ભાગના પીર-પયંગબરોના થાનકો, કુબા-ભુંગાઓ અને સદીઓ પ્રાચીન સ્થાપત્યો જમીન દોસ્ત થઈ નવા ચણતરે ચડ્યા હતા. એ ચણતર-ઘડતરે અનેક સ્થળોની જુની nostalgic feelને પણ ધૂળમાં મેળવી દિધી અને મને એ ફીલ સાથે ઘણી લેવા દેવા હતી.
ધ્રંગના મેળાના સંધ્યા સમયે અતીતના આવા ઓછાયા-પડછાયા સમેટીને મેં કેમેરાને પણ થેલામાં મુક્યો અને અમે ભુજ ભણી પ્રયાણ કર્યું.ફાગણના વાસંતી દિવસને અને મારા જન્મ દિવસને પણ ભરપૂર જીવ્યાનો આનંદ અંદરને અંદર ઉભરાતો હતો અને ગંતવ્યને પામ્યા પછીની ગતિ જાણે શાતા આપીને કહેતી હતી કે જીવન ખુદ એક પ્રવાસ છે જેને જીવતાં જીવતાં જે જડે છે તે સ્મરણો છે, સ્મૃતિ, સમરણ અને અનુબોધ છે જે આપણને સમૃધ્ધ કરે છે.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.