ઈઝરાયેલે 12 દિવસમાં જે રીતે હિઝબુલ્લાહનો ખાત્મો કર્યો છે તેનાથી આખી દુનિયા આશ્ચર્યમાં છે. આ દરમિયાન હુમલાઓએ હજારો લોકોને ઘાયલ તેમજ વિસ્થાપિત થવા માટે મજબૂર પણ કર્યા હતા.
ઈઝરાયેલે શનિવારે જાહેરાત કરી હતી કે તેણે શુક્રવારે સાંજે બેરૂતને હચમચાવી દેતા હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો. જોકે, ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે 12 દિવસની ઘટનાપૂર્ણ અને ઘાતક લડાઇ પછી આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા અન્ય ઉચ્ચ કક્ષાના હિઝબુલ્લાહ અધિકારીઓ અને લેબનોનમાં 1,000 થી વધુ લોકોની હત્યાનો સમાવેશ થાય છે.
17 થી 28 સપ્ટેમ્બર 2024, એટલે કે 12 દિવસીય આ ઘટનાઓ ક્યાંથી શરૂ થઈ તેને વિગતવાર સમયરેખા મુજબ સમજવાનો પ્રયાસ કરીએ.
17 સપ્ટેમ્બર 2024ના રોજ લેબનોનમાં એક સાથે હજારો પેજર્સ ધડાકાભેર થતાં 13 લોકો મર્યા ગયા અને લગભગ 4,000 ઘાયલ થયા હતા. વળી આ હુમલાની જવાબદારી ઈઝરાયેલે લીધી નહોતી, પણ દુનિયા માને છે કે ઈઝરાયેલે જ આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલે કહ્યું હતું કે તેઓ લેબનોનમાંથી પોતાના લોકોને પાછા લાવશે, પરંતુ એ માટે તેમને હિઝબુલ્લાહને ખતમ કરવું પડશે.
18 સપ્ટેમ્બર 2024ના રોજ લેબનોન હજુ પેજર હુમલાઓમાંથી ઊભર્યુ નહોતું ત્યાં લોકોનાં ઘરોમાં વોકી-ટોકી અને અન્ય સાધનોમાં વિસ્ફોટ થવા લાગ્યા હતાં. જેમાં 14 લોકો માર્યા ગયા અને લગભગ 450 લોકો ઘાયલ થયા હતા.
19 સપ્ટેમ્બર 2024ના રોજ ઈઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલા વડે સેંકડો રોકેટ લોન્ચર પ્લેટફોર્મનો નાશ કર્યો હતો. જો કે, હિઝબુલ્લાહ સમજી શક્યું નહોતું કે ઈઝરાયેલી દળોને તેમની માહિતી ક્યાંથી મળી.
20 સપ્ટેમ્બર 2024ના રોજ ઈઝરાયેલે બેરૂતના રહેણાંક વિસ્તારમાં એક ઈમારતને નિશાન બનાવી હતી. જેમાં હિઝબુલ્લાહ કમાન્ડર ઇબ્રાહિમ અકીલ સહિત વધુ 37 લોકોના મોત થયા હતા. તો ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા.
21 સપ્ટેમ્બર 2024ના રોજ ઈઝરાયેલી વાયુસેનાએ લેબનોનમાં આશરે 400 હિઝબુલ્લાના સેન્ટર્સ પર હુમલો કર્યો, જેમાં રોકેટ લોન્ચર અને દક્ષિણ લેબનોનમાં વધારાના લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. ઈઝરાયેલે કહ્યું કે આ તમામ સેન્ટર્સ ઈઝરાયેલને નિશાન બનાવીને તૈનાત કરવામાં આવ્યા હતા.
22 સપ્ટેમ્બર 2024ના રોજ હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો હતો. જેમાં રોકેટ અને ડ્રોન હુમલાઓ પણ ચાલુ રહ્યા હતા.આ દિવસે ઈઝરાયેલે હિઝબુલ્લાહના 290 ટાર્ગેટોને નિશાન બનાવ્યા. વળી હિઝબુલ્લાહના કેટલાક રોકેટ તો તેલ અવીવ પણ આવી પહોંચ્યા હતા.
23 સપ્ટેમ્બર 2024 ના રોજ ઈઝરાયેલે લેબનોનના લોકોને તાત્કાલિક તેમના ઘર છોડવા ચેતવણી આપી હતી. આ પછી ઈઝરાયેલે 1300 હવાઈ હુમલા કર્યા હતા; જેમાં મહિલાઓ, બાળકો, હેલ્થકેર વર્કર સહિત લગભગ 558 લોકો માર્યા ગયા હતા. તેમજ 1800 લોકો ઘાયલ થયા હતા. આ અંગે લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
વળી, તે જ દિવસે હિઝબુલ્લાએ ઈઝરાયેલ તરફ લગભગ 200 રોકેટ છોડ્યા હતા. જેમાંથી મોટાભાગનાને ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
24 સપ્ટેમ્બર 2024ના રોજ ચાલુ હુમલા દરમિયાન, ઈઝરાયેલ દક્ષિણ લેબનોનના રહેવાસીઓને ભાગી જવા માટે ચેતવણીઓ આપે છે. જો કે, સેંકડો વધારાના હવાઈ હુમલાઓ વચ્ચે યુએનના બે કામદારો સહિત - ડઝનેક વધુ લોકો માર્યા ગયા હતા; તો ઈરાનના રાષ્ટ્રપતિએ સીએનએન સાથેની મુલાકાતમાં ચેતવણી આપી હતી કે, આપણે લેબનોનને કોઈપણ રીતે ગાઝા બનતા અટકાવવું જોઈએ. આ દરમિયાન બેરૂતમાં ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ મિસાઈલ ડિવિઝન કમાન્ડર ઈબ્રાહિમ કાબીસી માર્યો ગયો હતો.
25 સપ્ટેમ્બર 2024ના રોજ હિઝબુલ્લાએ છોડેલી લાંબા અંતરની મિસાઈલ તેલ અવીવ પહોંચી હતી. જ્યાં આતંકવાદી સંગઠને આટલી રેન્જવાળી મિસાઈલ છોડવાની આ પહેલી ઘટના બની હતી. આ પછી ઈઝરાયેલે તેના હવાઈ હુમલા ચાલુ રાખ્યા હતા. જેમાં હિઝબુલ્લાહ સૈનિકો સહિત 72 લોકો માર્યા ગયા અને 400 લોકો જેટલા ઘાયલ થયા હતા.
26 સપ્ટેમ્બર 2024ના રોજ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દરમિયાન G-7ની યોજના 21 દિવસના યુદ્ધવિરામની ઘોષણા કરવાની હતી. જેથી ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેનો મામલો થોડો શાંત થઈ શકે. પરંતુ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને ફગાવી દીધી હતી. વળી હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલ તરફ સેંકડો રોકેટ પણ છોડ્યા હતા. જેમાં હિઝબુલ્લાહ સૈનિકો સહિત 92 લોકો માર્યા ગયા અને 150 ઘાયલ થયા હતા. તે જ સમયે, હિઝબુલ્લાહના એરફોર્સ કમાન્ડર મોહમ્મદ હુસૈન સરૂર પણ માર્યા ગયા હતા.
27 સપ્ટેમ્બર 2024ના રોજ નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે તેમનો દેશ અનેક મોરચે યુદ્ધ જીતી રહ્યો છે અને આ પછી તે ઈરાન ઉપર હુમલો કરીને તેના સાથીઓને પણ ખતમ કરશે. જો કે, આ સાંભળીને સભામાં રહેલા ઘણા સભ્યો ચાલ્યા ગયા હતા.
28 સપ્ટેમ્બર 2024ના રોજ ઈઝરાયેલી સૈન્યએ જાહેર કર્યું હતું કે તેણે બેરૂતમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહને મારી નાખ્યો છે. જેની હિઝબુલ્લાએ થોડા કલાકો પછી ખાતરી પણ કરી હતી. જો કે, સંરક્ષણ નિષ્ણાતોનું માનવું હતું કે નસરાલ્લાહ અને હિઝબુલ્લાહના તમામ કમાન્ડરોની હત્યાથી થોડા સમય માટે નાના વિસ્તારોમાં શાંતિ રહી શકે છે.
નોંધનીય છે કે, આટલાં દિવસોમાં આ હુમલાઓએ હજારો લોકોને ઘાયલ કર્યા અને વિસ્થાપિત થવા માટે મજબૂર કર્યા હતા.