GTRI નાં રિપોર્ટ મુજબ, બ્રિટન સાથેના મુક્ત વેપાર કરાર (FTA) ના પ્રથમ વર્ષમાં ભારતને રૂ. 4,060 કરોડની કસ્ટમ આવક ગુમાવવાની ધારણા છે કારણ કે વિવિધ વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડવામાં આવી છે અથવા નાબૂદ કરવામાં આવી છે.
તાજેતરમાં થયેલાં, ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA)ના પ્રથમ વર્ષમાં ભારતને ₹4,060 કરોડની સીમા શુલ્ક (કસ્ટમ્સ) આવકનું નુકસાન થવાની ધારણા છે. આ અંદાજ વિવિધ વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડવા અથવા નાબૂદ કરવાને કારણે છે. આર્થિક સંશોધન સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) દ્વારા સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
GTRI નો અહેવાલ બ્રિટનથી વર્તમાન આયાત ડેટા પર આધારિત છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2024-25ના વેપારના જથ્થાના આધારે, વાર્ષિક નુકસાન વધીને ₹6,345 કરોડ અથવા લગભગ 57.4 બ્રિટીશ પાઉન્ડ સુધી પહોંચવાનો અંદાજ છે.
આવકના નુકસાન પરનો અંદાજ
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતે બ્રિટનથી આયાત કરાયેલી વસ્તુઓના મૂલ્યના 64% પર ડ્યુટી તરત જ નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. કુલ મળીને ભારત 85% ડ્યુટી શ્રેણીઓ પર ડ્યુટી નાબૂદ કરશે અને 5% ડ્યુટી શ્રેણીઓ અથવા ઉત્પાદન શ્રેણીઓ પર તેને ઘટાડશે. GTRI ના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું, "આ પરિબળોના આધારે, કરારના પ્રથમ વર્ષમાં ભારતનું અંદાજિત મહેસૂલ નુકસાન ₹4,060 કરોડ છે."
તેમણે ઉમેર્યું કે, ગયા નાણાકીય વર્ષ 2024-25માં બ્રિટને ભારતમાંથી 14.5 બિલિયન યુએસ ડોલર મૂલ્યની વસ્તુઓની આયાત કરી હતી, જેના પર ભારિત સરેરાશ આયાત ડ્યુટી 3.3% હતી. વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર હેઠળ બ્રિટને 99% ભારતીય ઉત્પાદનો પર ડ્યુટી હટાવવા માટે સંમતિ વ્યક્ત કરી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, "આનાથી બ્રિટનને 37.5 કરોડ બ્રિટીશ પાઉન્ડ (47.4 કરોડ યુએસ ડોલર અથવા ₹3,884 કરોડ) નું અંદાજિત વાર્ષિક આવક નુકસાન થશે, જે નાણાકીય વર્ષ 2024-25ના વેપાર ડેટા પર આધારિત છે. જેમ જેમ બ્રિટનમાં ભારતીય નિકાસ વધશે, તેમ તેમ સમય જતાં રાજકોષીય અસર વધવાનો અંદાજ છે. આ કરારને લાગુ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે કારણ કે તેના માટે બ્રિટનની સંસદની મંજૂરીની જરૂર પડશે."
ભારત-યુકે FTAથી બંને દેશોને આવકનું નુકસાન કેટલું થઈ શકે છે?
GTRI એ જણાવ્યું કે 24 જુલાઈના રોજ હસ્તાક્ષર કરાયેલ ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરારથી બંને દેશોના સીમા શુલ્ક આવકમાં ઘટાડો થશે, કારણ કે વિવિધ વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડવામાં અથવા નાબૂદ કરવામાં આવી છે. ભારતે 2024-25માં બ્રિટનથી 8.6 બિલિયન યુએસ ડોલર મૂલ્યની વસ્તુઓની આયાત કરી હતી. આ આયાતમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો મોટો હિસ્સો સામેલ છે અને તેના પર 9.2% ની ભારિત સરેરાશ ડ્યુટી હતી. વ્હિસ્કી અને જિન જેવી વસ્તુઓને બાદ કરતાં મોટાભાગના કૃષિ ઉત્પાદનો, જેના પર 64.3% ની સરેરાશ ડ્યુટી લાગે છે, તેને ડ્યુટી કપાતમાંથી બહાર રાખવામાં આવ્યા છે.