• Image-Not-Found

આજથી એટલે કે 27 જૂન 2025 ના રોજથી જગન્નાથ રથયાત્રા શરૂ થઈ રહી છે. આ દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન આપવા માટે મંદિરમાંથી બહાર નીકળે છે. તેમજ આ યાત્રાના દર્શનાર્થે ભક્તો પણ ભાવવિભોર બનીને ધામધૂમથી ઉજવણી પણ કરે છે.

દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આજથી એટલે કે 27 જૂન 2025 થી શરૂ થઈ રહી છે. વળી ઓડિશાના પુરી શહેરથી શરૂ થતી આ યાત્રા તેની ભવ્યતા અને આધ્યાત્મિક મહત્વ માટે સમગ્ર વિશ્વમાં પહેલાથી જ ખ્યાતનામ છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાએ આ વખતે ઈતિહાસ રચ્યો છે. કારણ કે ભગવાન જગન્નાથને પહેલી વાર 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું, જે અત્યાર સુધી ફક્ત ઓડિશાના પુરીમાં જ જોવા મળતું હતું.

આજથી ઓડિશામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા શરૂ થઈ છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ત્રણ ભવ્ય રથોમાં તેમના મંદિરમાંથી નીકળીને શ્રી ગુંડિચા મંદિર તરફ પ્રયાણ કરે છે. જ્યાં લાખો ભક્તો આ ધાર્મિક ઉત્સવમાં સહ‌ હર્ષોલ્લાસ સાથે ભાગ પણ લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ યાત્રા શા માટે કાઢવામાં આવે છે અને ભગવાન દર વર્ષે તેમની માસીના ઘરે કેમ જાય છે? તો ચાલો શ્રદ્ધાપૂર્વક જાણીએ તેની પાછળની પૌરાણિક માન્યતાઓ અને ધાર્મિક મહત્વ વિશે.

જગન્નાથ રથયાત્રાનું ધાર્મિક મહત્વ શું છે?

આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે સામાન્ય રીતે ભગવાન જગન્નાથ ગર્ભગૃહમાં રહે છે અને આ દિવસે જ તેઓ મંદિરમાંથી બહાર આવે છે અને સામાન્ય ભક્તોને દર્શન આપે છે. શ્રદ્ધાળુઓ ભગવાનનો રથ ખેંચે છે, જે ખૂબ જ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રથ ખેંચવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે અને તેને મોક્ષ મળે છે. આમ આ રથયાત્રા ભગવાનની કૃપા અને સેવા ભાવનાનું પ્રતીક બની જાય છે.

જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?

જગન્નાથ રથયાત્રાનો મુખ્ય હેતુ ભગવાન જગન્નાથને તેમની માસી પાસે લઈ જવાનો છે. આ યાત્રા દર વર્ષે અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે કાઢવામાં આવે છે. જ્યારે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાંથી બહાર આવે છે અને સાત દિવસ શ્રી ગુંડિચા મંદિરમાં રહે છે. આ મંદિરને તેમની માસીનું ઘર માનવામાં આવે છે.

માસીના ઘરે જવાની માન્યતા શું છે?

દંતકથા અનુસાર, જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકા ગયા હતા, ત્યારે તેમણે રાધા અને વ્રજવાસીઓને વચન આપ્યું હતું કે તેઓ દર વર્ષે એક વાર તેમની મુલાકાત લેશે. આ રથયાત્રા આ ભાવના સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ તેમના ભક્તોમાં આવે છે. શ્રી ગુંડીચા મંદિરને તેમની માસીનું ઘર કહેવામાં આવે છે અને ત્યાં તેમને ખાસ કરીને 'પોડા પીઠા' નામની વાનગી ચઢાવવામાં આવે છે જે માસીના સ્નેહનું પ્રતીક છે.

ભગવાન તેમની માસીના ઘરે કેટલા દિવસ રહે છે?

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા કુલ 7 દિવસ શ્રી ગુંડિચા મંદિરમાં રહે છે. આ દિવસો દરમિયાન, તેમની પૂજા, પ્રસાદ અને સેવા શ્રીમંદિરની જેમ જ ત્યાં કરવામાં આવે છે. સાત દિવસ પછી, 'બહુડા યાત્રા' ના દિવસે, ભગવાન તેમના મૂળ સ્થાન એટલે કે પુરીમાં આવેલા શ્રીમંદિરમાં પાછા ફરે છે.

ભગવાન જગન્નાથનો રથ કેટલા પૈડા પર ચાલે છે?

પુરી રથયાત્રામાં, ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ અલગ-અલગ પૈડા પર ચાલે છે. ભગવાન જગન્નાથના રથ 'નંદી ઘોષ' માં 16 પૈડા, બલભદ્રના રથ 'તલધ્વજ' માં 14 પૈડા અને દેવી સુભદ્રાના રથ 'દર્પદલન પદ્મ' માં 12 પૈડા છે. જોકે આ સંખ્યા રથની ભવ્યતા અને તેના કદ અનુસાર નક્કી કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથનો રથની વિશેષતા અને યાત્રા પછી તેનું શું થાય છે?

ભગવાન જગન્નાથના રથને બનાવવા માટે ફાસી, ધૌરા, સિમલી, સહજા અને મહીના લાકડાનો ઉપયોગ થાય છે. જેને, ઓડિશાના મયુરભંજ, ગંજમ અને કેઓંઝર જિલ્લાના જંગલોમાંથી લાવવામાં આવે છે. આ વૃક્ષો પર ભગવાન જગન્નાથ સંબંધિત ધાર્મિક પ્રતીકો જેમ કે ચક્ર, શંખ, ગદા અથવા પદ્મ અંકિત હોય છે. આ ઉપરાંત, જે વૃક્ષોની નજીક સાપના ખાડા, પક્ષીઓના માળા અથવા નદી, મંદિર વગેરે જેવા પવિત્ર સ્થાનો હોય તેવા વૃક્ષો કાપવામાં આવતા નથી. 

આ પસંદગી પ્રકૃતિ પ્રત્યે આદર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર કરવામાં આવે છે, જેથી જંગલો અને પ્રાણીઓ સુરક્ષિત રહે. ઉપરાંત જે વૃક્ષોમાંથી લાકડા કાપવામાં આવે છે તેમની પણ શુભ મુહૂર્ત દરમિયાન પૂજા કરવામાં આવે છે. તેમજ ઉત્સવ પૂરો થયા પછી, રથને તોડી પાડવામાં આવે છે અને તેના લાકડાનો ઉપયોગ કોઈ સારા કામ માટે કરવામાં આવે છે.