પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ વન નેશન વન ઇલેક્શન પર એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તેનો 18,626 પાનાનો અહેવાલ આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1951 થી 1967 વચ્ચે એકસાથે ચૂંટણી યોજાઈ હતી.
દેશમાં ફરી એકવાર 'એક દેશ એક ચૂંટણી'ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સંબંધમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ હવે મંજૂર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ સરકાર આગામી શિયાળુ સત્રમાં આ પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરી શકે છે. બીજી તરફ વિપક્ષે પણ આ મુદ્દે અત્યારથી વિરોધના સૂર આલાપ્યા છે.
કોવિંદ સમિતિએ પણ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. 191 દિવસમાં તૈયાર થયેલા 18,626 પેજના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 2029થી પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવામાં આવે. આ પછી, 100 દિવસમાં બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ થઈ શકે છે.
ત્યારે આવો જાણીએ કે દેશમાં એક સાથે ચૂંટણી ક્યારે યોજાઈ હતી? વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાવાની બંધ ક્યારે થઈ? અને આવું થવાના કારણો શું હતાં?
અગાઉ ક્યારે એક સાથે ચૂંટણી યોજાતી હતી?
આઝાદી પછી પહેલીવાર દેશમાં 1951-52માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ લોકસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. આ પછી, 1957, 1962 અને 1967 માં પણ લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી. પરંતુ આ પ્રથા 1968-69 પછી તૂટી ગઈ હતી, કારણ કે આ સમય પછી સત્તાના રાજકારણને કારણે કેટલીક વિધાનસભાઓ વિવિધ કારણોસર વિસર્જન કરવામાં આવી હતી.
જ્યારે એક સાથે ચૂંટણી યોજવા માટે વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું !
કોવિંદ કમિટીના રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશ રાજ્યની રચના 1953માં મદ્રાસમાંથી વિસ્તારો અલગ કરીને કરવામાં આવી હતી. તે સમયે તેની 190 બેઠકોની વિધાનસભા હતી. ફેબ્રુઆરી 1955માં આંધ્ર પ્રદેશમાં પ્રથમ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. બીજી સામાન્ય ચૂંટણી 1957માં યોજાઈ હતી. 1957માં સાત રાજ્યોની વિધાનસભા (બિહાર, બોમ્બે, મદ્રાસ, મૈસુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ)નો કાર્યકાળ લોકસભાના કાર્યકાળ સાથે સમાપ્ત થયો ન હતો. એકસાથે ચૂંટણી યોજી શકાય તે માટે તમામ રાજ્યોની વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ 1956ને, 1956માં પસાર કરવામાં આવ્યો હતો. બીજી સામાન્ય ચૂંટણી એક વર્ષ પછી 1957માં યોજાઈ હતી.
જ્યારે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની સાથે લોકસભાની ચૂંટણી યોજાઈ ન હતી
1951થી 1967 સુધી એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી. પહેલીવાર અલગ-અલગ લોકસભા ચૂંટણી યોજાઈ તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. આ 1971ની વાત છે. કેન્દ્રમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. ઈન્દિરાએ પોતાના જ પક્ષ સામે બળવો કરીને કોંગ્રેસના બે ટુકડા કરી નાખ્યા હતા. અ કમઠાણ થઈ ત્યારે ચૂંટણી આડે 14 મહિના બાકી હતા. ઈન્દિરાની નવી પાર્ટી, કોંગ્રેસ (આર) બહુમતી મેળવીને તેના પ્રગતિશીલ સુધારાઓ લાગુ કરવા માંગતી હતી. જે સુધારાઓ કોંગ્રેસના જૂના રક્ષકોને કારણે ઈન્દિરા હજુ સુધી અમલમાં મૂકી શક્યા ન હતાં.
આ સાથે એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી નહીં યોજાય. રામચંદ્ર ગુહા 'ઈન્ડિયા આફ્ટર નેહરુ' પુસ્તકમાં લખે છે કે સમય પહેલા સામાન્ય ચૂંટણીઓ કરાવીને વડાપ્રધાને ચતુરાઈથી પોતાને વિધાનસભા ચૂંટણીથી દૂર કરી લીધા હતા. એક સાથે ચૂંટણીના કિસ્સામાં જાતિ અને વંશીયતાની ભાવનાઓ રાષ્ટ્રીય મુદ્દાઓને અસર કરશે. 1967ની ચૂંટણીમાં આના કારણે કોંગ્રેસને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા રાજ્યોમાં સ્થાનિક મુદ્દાઓની મોટી અસર જોવા મળી હતી. આ વખતે ઈન્દિરાએ નક્કી કર્યું કે પહેલા સામાન્ય ચૂંટણીઓ યોજીને તેઓ આ બે મુદ્દાઓને અલગ કરશે અને રાષ્ટ્રીય મુદ્દાઓના આધારે જનતા પાસેથી સીધો ટેકો મેળવશે.
આમ આ રીતે કોંગ્રેસે લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં લાભ મેળવવા માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જૂદા જૂદા સમયે કરવાની પ્રથા શરૂ કરી હતી. જે પ્રથા આજે પણ ચાલતી આવે છે. જોકે ઈન્દિરા ગાંધીએ જે રીતે રાજ્યોની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી જે રાજકીય લાભ માટે જૂદી કરવાની પ્રથા શરૂ કરી એ રાજકીય લાભ અન્ય પક્ષોને પણ લાગુ પડે છે. જો આવું થાય તો રાજ્યસભા અને લોકસભાનું સંખ્યાબળ અત્યંત મિશ્રિત આવે, જેને પગલે સત્તાનું રાજકારણ તો ઠીક, પરંતુ પોલિસી મેકિંગ અને ગર્વનન્સના સ્તરે પણ આ બાબત ઘણી આંટીઘૂંટી ઊભી કરી શકે છે.