ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુરુવારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. વળી આ પહેલા પણ ભારતની ઘણી રાજકીય હસ્તીઓ, જેમ કે સંજય ગાંધી, માધવરાવ સિંધિયા, વાય. એસ. રાજશેખર રેડ્ડી, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુરુવારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરોમાંના એક હતા. જોકે વિમાનમાં કુલ 241 લોકોના મોત થયા હતા, જ્યારે 1 વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગયો હતો. એવામાં ભારતમાં ઉડ્ડયન સલામતી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભારતની ઘણી રાજકીય હસ્તીઓ, જેમ કે સંજય ગાંધી, માધવરાવ સિંધિયા, વાય. એસ. રાજશેખર રેડ્ડી, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ચાલો જાણીએ તે હસ્તીઓ વિશે જેમણે વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો.
સંજય ગાંધી:
વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજકીય નેતાઓની આ યાદીમાં પહેલું નામ સંજય ગાંધીનું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્રનું 1980માં એક વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું. તેમનું દિલ્હીમાં એક નાનું વિમાન ઉડાવતી વખતે અવસાન થયું હતું.
મોહન કુમારમંગલમ:
1973માં દિલ્હી નજીક એક વિમાન દુર્ઘટનામાં તત્કાલીન કેન્દ્રીય સ્ટીલ અને ખાણ મંત્રી મોહન કુમારમંગલમનું મૃત્યુ થયું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટ, AI 440 ક્રેશ થઈ ગઈ હતી અને કેન્દ્રીય મંત્રીના મૃતદેહની ઓળખ ફક્ત પાર્કર પેન અને અકસ્માત સમયે તેમની પાસે રહેલા શ્રવણ યંત્ર દ્વારા થઈ હતી.
બળવંતરાય મહેતા:
બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા જેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થયું હતું. સરહદ નજીક પાકિસ્તાની વાયુસેના દ્વારા તેમના વિમાનને ભૂલથી તોડી પાડવામાં આવ્યું હતું.
દોરજી ખાંડુ:
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું 30 એપ્રિલ, 2011ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ ચાર અન્ય લોકો સાથે તવાંગથી ઇટાનગર જઈ રહ્યા હતા ત્યારે રાજ્યના પશ્ચિમ કામેંગ જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
વાય. એસ. રાજશેખર રેડ્ડી:
આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું સપ્ટેમ્બર 2009માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમનું હેલિકોપ્ટર નલ્લામાલા જંગલમાં ક્રેશ થયું હતું અને 24 કલાકની શોધખોળ બાદ કાટમાળ મળી આવ્યો હતો.
સાયપ્રિયન સંગમા:
મેઘાલયના ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા ત્યારે પવન હંસ હેલિકોપ્ટર બારાપાણી તળાવ પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માત 22 સપ્ટેમ્બર, 2004 ના રોજ થયો હતો અને સંગમા ઉપરાંત નવ અન્ય લોકોના મોત થયા હતા. અકસ્માત સમયે તેઓ રાજ્યની રાજધાનીથી માત્ર 20 કિમી દૂર હતા.
જીએમસી બાલયોગી:
લોકસભાના અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું 3 માર્ચ, 2002ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી તેમને લઈ જતું હેલિકોપ્ટર આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક એક તળાવમાં ક્રેશ થયું.
માધવરાવ સિંધિયા:
કોંગ્રેસના નેતા માધવરાવ સિંધિયાનું 2001 માં ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ અકસ્માત યુપીમાં થયો હતો. તેમનું મૃત્યુ અગાઉના એક હવાઈ અકસ્માત પછી થયું હતું જેમાં તેઓ બચી ગયા હતા. તેમના મૃત્યુ પહેલાં, તેમણે કોંગ્રેસ સરકારમાં નાગરિક ઉડ્ડયન, માનવ સંસાધન વિકાસ, રેલ્વે અને સંદેશાવ્યવહાર જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા હતા.