દેશનો પહેલો ઈ-વેસ્ટ ઈકો પાર્ક દિલ્હીમાં બનાવવામાં આવશે. 11.4 એકરમાં બનનારો આ પાર્ક PPP મોડેલ પર આધારિત હશે અને દર વર્ષે 51,000 મેટ્રિક ટન ઈ-વેસ્ટનું પ્રોસેસિંગ કરશે. તેનાથી 350 કરોડ રૂપિયાની આવક થવાની અપેક્ષા છે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઈ-વેસ્ટ ઉત્પાદક દેશ છે, જ્યાં દર વર્ષે 1.6 મિલિયન મેટ્રિક ટનથી વધુ ઈ-વેસ્ટ ઉત્પન્ન થાય છે અને તેનો વૃદ્ધિ દર વાર્ષિક 23% છે. જોકે દિલ્હી એકલું દેશના કુલ ઈ-વેસ્ટમાં લગભગ 9.5% યોગદાન આપે છે. જ્યારે વૈશ્વિક સ્તરે ફક્ત 17.4% ઈ-વેસ્ટ જ રિસાયકલ કરવામાં આવે છે, જેનાથી લગભગ 57 બિલિયન ડોલર મૂલ્યના તાંબા, લિથિયમ અને અન્ય દુર્લભ ધાતુઓનો નાશ થાય છે.
તાજેતરમાં રાજધાની દિલ્હીમાં દેશનો પ્રથમ ઈલેક્ટ્રોનિક-વેસ્ટ ઈકો પાર્ક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પાર્ક દિલ્હીના હોલંબી કલાનમાં 11.4 એકરમાં બાંધવામાં આવનાર આ પાર્ક ડિઝાઈન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ, ટ્રાન્સફર (DBFOT) મોડેલ હેઠળ જાહેર ખાનગી ભાગીદારી (PPP) ધોરણે બનાવવામાં આવશે. જેનું બાંધકામ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.
વળી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકવાર આ પાર્ક સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જતાં, તે આગામી 5 વર્ષમાં દિલ્હીના કુલ ઈ-કચરામાંથી લગભગ 25% નું પ્રોસેસિંગ કરશે.
આ પાર્ક દર વર્ષે 51,000 મેટ્રિક ટન ઈ-કચરો પ્રોસેસ કરશે, જે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2022 હેઠળ સૂચિબદ્ધ તમામ 106 શ્રેણીઓને આવરી લેશે. તેનાથી અંદાજિત વાર્ષિક 350 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. આનાથી ઈલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ શક્ય બનશે. હવે પ્રશ્ન એ છે કે ઈ-કચરાને કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે? તો ચાલો આજે આપણે જાણીશું કે ઈ-વેસ્ટ શું છે અને તેને કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે.
ઈ-વેસ્ટ એટલે શું?
ઈ-વેસ્ટ એટલે "ઈલેક્ટ્રોનિક કચરો". તે એવા વિદ્યુત અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉલ્લેખ કરે છે જે હવે ઉપયોગમાં નથી અને કચરા તરીકે ફેંકી દેવામાં આવ્યા છે, જેમ કે કમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેલિવિઝન અને અન્ય ઉપકરણો.
ઈ-વેસ્ટને કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે?
આમ તો ઈ-વેસ્ટ રિસાયક્લિંગ ઘણા તબક્કાઓમાં થાય છે, જેમાંથી મુખ્ય 5 તબક્કા નીચે મુજબ છે:
1. કલેક્શન (સંગ્રહ)
ઈ-વેસ્ટ રિસાયક્લિંગનો પ્રથમ તબક્કો જૂના ઇલેક્ટ્રોનિક્સને એકત્રિત કરવાનો છે. આ માટે ખાસ રિસાયક્લિંગ ડબ્બા, ડ્રોપ-ઓફ સેન્ટર્સ અથવા ટેક-બેક પ્રોગ્રામ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ તબક્કે, ઈ-વેસ્ટને સામાન્ય કચરા સાથે ભેળવવામાં આવતો નથી.
2. સંગ્રહ અને સોર્ટિંગ (વર્ગીકરણ)
એકવાર ઈ-વેસ્ટ એકત્રિત થઈ જાય પછી તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. ત્યારબાદ, તેને મેન્યુઅલી સોર્ટ કરવામાં આવે છે. આમાં, બેટરી, બલ્બ, અને અન્ય જોખમી ઘટકો જેવા ખાસ પ્રક્રિયાની જરૂર હોય તેવા ભાગોને અલગ કરવામાં આવે છે. ફરીથી ઉપયોગ કરી શકાય તેવા ઘટકો અથવા કિંમતી ધાતુઓને પણ આ તબક્કે અલગ કરવામાં આવે છે.
3. ડિસમન્ટલિંગ અને શ્રૅડિંગ
સોર્ટિંગ પછી, ઈ-વેસ્ટને નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને "ડિસમન્ટલિંગ" અને "શ્રૅડિંગ" કહેવાય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોને હાથથી અલગ કરવામાં આવે છે, અને પછી તેમને મશીનો દ્વારા નાના-નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે. આનાથી ધાતુઓ, પ્લાસ્ટિક અને કાચ જેવી વિવિધ સામગ્રીઓને અલગ કરવાનું સરળ બને છે.
4. મિકેનિકલ સેપરેશન
આ તબક્કામાં, જુદી જુદી સામગ્રીઓને તેમના ગુણધર્મોના આધારે અલગ કરવા માટે અદ્યતન મશીનોનો ઉપયોગ થાય છે.
મેગ્નેટિક સેપરેશન: મોટા ચુંબકનો ઉપયોગ કરીને લોખંડ અને સ્ટીલ જેવી ધાતુઓને ખેંચીને અલગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ અને કોપર જેવી બિન-લોહ ધાતુઓને એડી કરંટ (eddy currents) નો ઉપયોગ કરીને અલગ કરવામાં આવે છે.
વોટર સેપરેશન: પ્લાસ્ટિક અને કાચના ટુકડાઓને પાણીનો ઉપયોગ કરીને અલગ કરવામાં આવે છે. ભારે સામગ્રી નીચે બેસી જાય છે જ્યારે હળવા પદાર્થો ઉપર તરે છે, જેનાથી દરેક પ્રકારની સામગ્રીને અલગ કરવી અને શુદ્ધ કરવી સરળ બને છે.
5. મટિરિયલ રિકવરી અને રિફાઈનિંગ
છેલ્લે, અલગ કરાયેલી સામગ્રીઓને સાફ કરીને ફરીથી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. સ્ટીલ અને કોપર જેવી ધાતુઓનો ઉપયોગ નવા ઉત્પાદનો બનાવવા માટે સ્મેલ્ટિંગ પ્લાન્ટ્સમાં થઈ શકે છે. પ્લાસ્ટિકને પીગળીને નવા ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકાય છે, જ્યારે ફરીથી વાપરી શકાય તેવા ઘટકોનો સીધો ઉત્પાદનમાં ઉપયોગ કરી શકાય છે. આ તબક્કો સર્ક્યુલર ઇકોનોમી (circular economy) બનાવવામાં મહત્ત્વપૂર્ણ છે. સર્કિટ બોર્ડમાંથી ચાંદી, ટીન, સોનું, પેલાડિયમ અને કોપર જેવી કિંમતી ધાતુઓ પણ પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે.
આ તબક્કાઓ ઈ-વેસ્ટનું રિસાયક્લિંગ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રીતે કરવામાં મદદ કરે છે.