ભારતમાં હાસ્યની હદ ઘણી વખત કાનૂની અને સામાજિક મર્યાદાઓને પાર કરી જાય છે, જેનાથી કોમેડિયન્સને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તાજેતરમાં જ, સમય રૈના ના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં યૂટ્યુબર રણવીર અલ્હાબાદિયા દ્વારા એક સ્પર્ધકને તેના માતા-પિતાની ખાનગી જિંદગી અંગે પૂછેલા અશ્લીલ પ્રશ્નને કારણે ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે રણવીર, અપુર્વ મખીજા, સમય રૈના અને શોના આયોજકો વિરુદ્ધ FIR પણ નોંધાઈ હતી. જો કે આ કોઈ નવીનતમ કે પહેલીવાર બનેલી ઘટના નહોતી; જ્યાં કોમેડિયન્સને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય.
અગાઉ ભારતમાં કેટલાય હાસ્ય કલાકારો તેમના જોક્સને લઈને વિવાદોનો સામનો કરી જ ચુક્યા છે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ હાસ્ય કલાકારો કયા કારણોસર કાનૂની અને સામાજિક મર્યાદાઓ ભૂલીને સમાજની આંખે ચઢ્યા !
મુનાવર ફારુકીઃ વર્ષ 2021માં મુનાવર ફારુકીને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યાની ફરિયાદ બાદ ઈન્દોરમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં IPC sections 295A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા), 269 (જાહેર સુરક્ષા ભંગ) હેઠળ ઈન્દોર પોલિસે FIR નોંધાવી હતી. વળી જામીન મળ્યા પહેલા તેમણે એક મહિનાથી વધુ (37 દિવસ) સમય જેલમાં પણ વિતાવ્યો હતો.
વીર દાસ: 2021માં, વીર દાસ એ વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે "ટુ ઈન્ડિયાઝ" શીર્ષકવાળી કવિતાનું પઠન કર્યું હતું. જેને લઈને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં IPC section 295A અને 505 (જાહેર શાંતિ ભંગ) હેઠળ FIR નો સામનો કરવો પડ્યો હતો. ફરિયાદોમાં આરોપ હતો કે તેમણે ભારત વિરુદ્ધ 'અપમાનજનક' નિવેદનો કર્યા હતા.
તન્મય ભટ્ટ: 2015માં, AIB રોસ્ટ દરમિયાન, રણવીર સિંહ અને અર્જુન કપૂર સાથેના કાર્યક્રમ માટે તેમની સામે આક્ષેપ થયા હતા.
2016માં, સચિન તેંડુલકર અને લતા મંગેશકરને હાસ્યરૂપમાં રજૂ કરતો વીડિયો પોસ્ટ કરવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી.
2017માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મીમ શેર કરવા બદલ મુંબઈ પોલીસના સાયબર સેલ દ્વારા IPC કલમ 500 (માનહાનિ) અને IT એક્ટની કલમ 67 હેઠળ FIR નોંધાઈ હતી.
2018માં, #MeToo આંદોલન દરમિયાન, ઉત્સવ ચક્રવર્તી સામેના આક્ષેપોને લઈને તન્મયની ભૂમિકા પર પ્રશ્નો ઉઠ્યા હતા, જેના કારણે તેમણે AIBના CEO પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
અનુભવ સિંહ બસ્સી: 2023માં, સ્ટેન્ડ-અપ કોમેડિયન અનુભવ સિંહ બાસ્સી તેમના શો 'બસ કર બસ્સી' માટે વિવાદમાં આવ્યો હતો. એડવોકેટ ફરહત વાર્શીએ આ શોમાં વકીલ સમુદાય અને ન્યાયિક પ્રણાલીને અપમાનિત કરવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, 'આ પ્રકારની અરજીને અમે કેમ સ્વીકારીએ? કંઈ વધુ મહત્વપૂર્ણ મુદ્દા લાવો.'
અગ્રીમા જોશુઆ: 2020માં, સ્ટેન્ડ-અપ કોમેડિયન અગ્રીમા જોશુઆ ને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા વિશે કરેલી મજાક માટે ધમકીઓ અને ઓનલાઈન ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં મહારાષ્ટ્રમાં IPC section 295A અને 505 હેઠળ FIR પણ દાખલ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેણે માફી માંગી અને વીડિયો ડિલીટ કરવો પડ્યો હતો.
કુનાલ કામરા: કુનાલ કામરાને તેમના રાજકીય વ્યંગને કારણે અસંખ્ય વિવાદોનો સામનો કરવો પડ્યો છે.
2017માં "પેટ્રિયોટિઝમ એન્ડ ગવર્મેન્ટ" નામનો એક વિડિયો રિલીઝ કર્યો હતો, જેમાં તેમણે ભારતીય બેંકનોટ ડિમોનેટાઈઝેશન, સરકાર અને સેના પ્રત્યે ભારતીયોના વલણની મજાક ઉડાવી હતી. આ વીડિયોને કારણે તેમને સોશિયલ મીડિયા પર ભારે ટીકા અને ધમકીઓ મળી હતી.
2019માં, કામરાએ ઈન્ડિગો ફ્લાઈટમાં પત્રકાર અર્નબ ગોસ્વામીનો સામનો કરતા, રાષ્ટ્રીય મુદ્દાઓના તેમના કવરેજ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આ ઘટના રેકોર્ડ કરીને ટ્વિટર પર શેર કરી હતી, જેના કારણે ઈન્ડિગો દ્વારા છ મહિનાનો અને એર ઈન્ડિયા, સ્પાઈસજેટ અને ગો એર દ્વારા અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
2020માં, કામરાએ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પર ટિપ્પણી કરતા ટ્વીટ્સ કર્યા, જેને કારણે તેમને અદાલતની અવમાનના માટે નોટિસ આપવામાં આવી.
2022માં, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના દબાણને કારણે ગુરુગ્રામમાં તેના શો રદ થયા પછી, કામરાએ એક ખુલ્લો પત્ર લખીને વીએચપીને મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની નિંદા કરવા પડકાર ફેંક્યો હતો. આનાથી સેન્સરશીપ અને ધાર્મિક ઉગ્રવાદ પર વધુ ચર્ચાઓ શરૂ થઈ હતી.
2024માં, કામરાએ ઓલા ઈલેક્ટ્રિકના CEO ભાવિશ અગ્રવાલની ગ્રાહકોની ફરિયાદો અને ગીગ વર્કરોના વેતન અસમાનતાઓ અંગે જાહેરમાં ટીકા કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર મોટા પાયે બોલાચાલી થઈ ગઈ હતી.
આટઆટલા વિવાદો હોવા છતાં, કામરા સતત પ્રદર્શન કરે છે અને તેના વિચારો વ્યક્ત કરે છે. એટલે કે પેલી કહેવત છે ને કે, 'કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી.'
આ ભારતીય હાસ્ય કલાકારોના કેટલાક ઉદાહરણો છે જેમણે વિવાદોનો સામનો કરવો પડ્યો છે. જ્યાં એ નોંધવું અગત્યનું છે કે કોમેડી વ્યક્તિલક્ષી હોય છે, જે કેટલાક લોકોને તો રમુજી લાગે છે; પરંતુ અન્યને અપમાનજનક લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાસ્ય અને અપ્રિય ભાષણ વચ્ચે એક સહજ રેખા છે, જ્યાં હાસ્ય કલાકારોએ તેમના શબ્દોની અસરનું ધ્યાન રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે.