• Image-Not-Found

હવે તો લેટરલ એન્ટ્રીનો વિરોધ સમાપ્ત થઈ ગયો છે અને કોંગ્રેસ પોતાનું ધાર્યું કરવામાં સફળ રહી છે. પરંતુ કોંગ્રેસે પોતે ભૂતકાળમાં અનેક લોકોને લેટરલ એન્ટ્રીથી નિયુક્ત કર્યા હતા.

UPSCમાં લેટરલ એન્ટ્રીને લઈને કોંગ્રેસે જે વિવાદ છેડ્યો હતો એ વિવાદનો આખરે અંત આવ્યો છે અને વડાપ્રધાન મોદીએ યુપીએસસીને લેટરલ એન્ટ્રી સંદર્ભની જાહેરાત રદ્દ કરવાના આદેશ આપી દીધા છે. પરંતુ આ વિવાદ બાબતે સરકારની નિયત સાફ હતી એવો સરકારનો દાવો છે. 


કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું આ સંદર્ભે નિવેદન આવ્યું હતું કે કોંગ્રેસ લેટરલ એન્ટ્રી પર દેશને ગેરમાર્ગે દોરી રહી છે. વૈષ્ણવે કોંગ્રેસના શાસનમાં ડૉ. મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાના લેટરલ એન્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો. વૈષ્ણવે કહ્યું કે કોંગ્રેસ ભ્રામક દાવા કરી રહી છે. આ અખિલ ભારતીય સેવાઓમાં SC/ST શ્રેણીની ભરતીને અસર કરશે નહીં.



વાસ્તવમાં, UPSC એ 17 ઓગસ્ટના રોજ એક જાહેરાત બહાર પાડી હતી, જેમાં સરકાર દ્વારા જાહેર થયું હતું કે 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર લેવલની ભરતી લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવશે. લેટરલ ભરતીમાં, ઉમેદવારોને UPSC પરીક્ષા આપ્યા વિના ભરતી કરવામાં આવે છે. આમાં અનામતના નિયમોનો કોઈ ફાયદો નથી. એટલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે, લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વપૂર્ણ પદો પર ભરતી કરીને SC, ST અને OBC વર્ગોની અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહી છે.


જ્યારે આ વિવાદ વધ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે નોકરશાહીમાં લેટરલ એન્ટ્રી કોઈ નવી વાત નથી. 1970ના દાયકાથી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારોથી લેટરલ એન્ટ્રી થઈ રહી છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયા આવી પહેલોના મુખ્ય ઉદાહરણો છે. મંત્રીએ દલીલ કરી હતી કે લેટરલ એન્ટ્રી માટે 45 પોસ્ટ્સ પ્રસ્તાવિત છે. જે 4500થી વધુ IAS કેડરની સંખ્યાના 0.5 ટકા જ છે.



અશ્વિની વૈષ્ણવે હસ્તિઓના નામની યાદી આપી

વૈષ્ણવે જણાવ્યું કે મનમોહન સિંહ 1971માં તત્કાલીન વિદેશ વેપાર મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે લેટરલ એન્ટ્રીથી સરકારમાં આવ્યા હતા અને પછીથી તેઓ નાણાપ્રધાન બન્યા હતા. તો અન્ય અગ્રણી લોકોમાં ટેકનોક્રેટ સામ પિત્રોડા અને વી. કૃષ્ણમૂર્તિ, અર્થશાસ્ત્રી બિમલ જાલાન, કૌશિક બસુ, અરવિંદ વિરમાણી, રઘુરામ રાજન અને આહલુવાલિયાનો સમાવેશ થાય છે.


બિમલ જાલાને સરકારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે અને બાદમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી હતી. 2007 અને 2009 માં અનુક્રમે વિરમાણી અને બાસુને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રઘુરામ રાજને નીતિશ કુમારના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે પણ સેવા આપી હતી અને બાદમાં 2013 થી 2016 સુધી ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર તરીકે સેવા આપી હતી.

અહલુવાલિયાને શૈક્ષણિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી સરકારી ભૂમિકામાં લાવવામાં આવ્યા હતા. તેમણે 2004 થી 2014 સુધી આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વૈષ્ણવે જણાવ્યું કે, ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીને 2009માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ પણ લેટરલ એન્ટ્રી જ હતી.