કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આગ હવે બેકાબુ બનતાં શહેરમાં ફેલાઈ ગઈ છે; જેના કારણે હોલીવુડના ઘણા પોશ વિસ્તારો પણ આ આગની ચપેટમાં આવી ગયા છે. વળી 'સાન્તા એના' વાયુઓએ આગમાં ઘી બનવાનું કામ કર્યું છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ લોસ એન્જલસમાં મંગળવારથી લાગેલી આગમાં અત્યાર સુધીમાં 5 લોકોના જીવ ગયા છે અને હજારો મકાનો બળીને ખાખ થઈ ગયા છે. વળી આ આગ જંગલમાંથી શહેરના રહેણાંક વિસ્તારો સુધી પણ ફેલાઈ ગઈ હતી. જ્યાં પરિસ્થિતિ એવી છે કે 1.30 લાખ લોકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવાનો આદેશ અપાયો હતો, જેમાંથી 70 હજારથી વધુ લોકોએ પહેલેથી જ તેમના ઘરો છોડ્યા હતા.
શરૂઆતમાં આગ પેસિલેડ્સના જંગલ સુધી જ મર્યાદિત હતી, પરંતુ હવે છ અલગ અલગ જંગલો તેની ચપેટમાં આવી ચૂક્યા હતા. જ્યાં અત્યાર સુધીમાં 4,856 હેક્ટર જમીન બળી ગઈ હતી અને હજારો ઈમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી. જો કે આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે 2,000 થી વધુ ફાયરફાઈટર્સ કાર્યરત છે અને હેલિકોપ્ટર તેમજ વિમાનોની મદદથી પાણી છાંટવામાં આવી રહ્યું છે. વળી આગને બુઝાવવાના તમામ શક્ય પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં 'સાન્તા એના' વાયુએ પણ ઝંપલાવ્યું છે. તો ચાલો જાણીએ કે આ પવનો શું છે અને તે કેવી રીતે બને છે?
સાન્તા એના વાયુઓનો ઈતિહાસ શું છે?
ઈતિહાસ દર્શાવે છે કે 'સાન્તા એના' વાયુઓ કેલિફોર્નિયામાં ખતરનાક આગના મુખ્ય કારણોમાંથી એક છે. 1961માં અહીંના જંગલોમાં લાગેલી આગને કેલિફોર્નિયાના ઈતિહાસમાંની સૌથી વિનાશક આગ માનવામાં આવે છે.
વાઈલ્ડફાયર એલાયન્સ અનુસાર, અગાઉ 2008 માં, સાયરનાં જંગલોમાં આગ લાગી હતી, જેમાં 600 થી વધુ ઈમારતો અને મકાનો બળીને રાખ થઈ ગયા હતા.
નવેમ્બર 2018 માં લાગેલી 'વૂલ્સી આગ'માં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,600 થી વધુ ઇમારતો નાશ પામી હતી. ત્યારબાદ 'ફ્રેન્કલિન આગ'એ માલિબુ વિસ્તારમાં લગભગ 50 ઘરોને નુકસાન પહોંચાડ્યું અથવા સંપૂર્ણ નાશ કર્યો.
'સાન્તા એના' વાયુઓ શું છે?
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં આવતી શુષ્ક અને ઠંડી હવાને 'સાન્તા એના' કહેવાય છે. શિયાળામાં ફૂંકાતી હવાને આ નામ દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલ પર્વત 'સાન્તા એના'ના નામ પરથી મળ્યું છે. આ હવાઓ પહાડો પરથી ઉતરી આવતા હોવાથી ખૂબ જ ગરમ હોય છે અને હવામાંના ભેજને શોષી લે છે. તેમજ 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી આ હવા જંગલોને સુકાવીને આગને વધુ પ્રચંડ પણ બનાવે છે.
સાન્તા એના વાયુઓ કેવી રીતે બને છે?
સાન્ટા એના વાયુઓ એ દક્ષિણ કેલિફોર્નિયામાં ચાલતી ગરમ, સૂકી અને ઝડપી પવનો છે. જે ગ્રેટ બેસિનમાં ઉચ્ચ દબાણવાળા વિસ્તારમાંથી સર્જાય છે. આ હવાઓ દક્ષિણ કેલિફોર્નિયા તરફ ઘડિયાળની દિશામાં વહે છે, જ્યાં પહેલા તે રેગિસ્તાનો અને સમુદ્રકાંઠાના પહાડોની સાંકડી ખીણોમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયામાં હવાઓ નમીને ગુમાવી વધુ ગરમ, સુકી અને ઝડપી બની જાય છે. ક્યારેક આ હવાઓમાં નમીનું સ્તર માત્ર 1% રહે છે, જેના કારણે ઝાડ-પાન પેપરની જેમ આગને પકડી લે છે. આ સાથે, તેમની ઝડપ કોઈ પણ ચીંગારીને ભયાનક જંગલ આગમાં ફેરવવા માટે પર્યાપ્ત હોય છે!
શું સાન્તા એના વાયુઓને રોકવું શક્ય છે?
સાન્તા એના પવનોને અટકાવવું શક્ય નથી, કારણ કે તે કુદરતી ભૂગોળ અને હવામાનવિજ્ઞાનના કારણે બને છે. જો કે, આગને રોકવા માટેના પગલાં લઈ શકાય છે. વળી વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે તેઓ વધુ ખતરનાક બની રહ્યા છે. તે એટલા માટે કારણ કે વાતાવરણમાં ફેરફારને કારણે તાપમાન વધી રહ્યું છે અને વરસાદ નથી પડી રહ્યો. જેના કારણે સમય પહેલા આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે.