• Image-Not-Found

ઉત્તર કોરિયામાં તાજેતરમાં 99% મતદાન સાથે ચૂંટણી યોજાઈ, જે લોકશાહી ઓછી અને કિમ જોંગ ઉનની સત્તાનું પ્રદર્શન વધુ છે. દરેક બેઠક પર એક જ ઉમેદવાર અને ફરજિયાત મતદાનની શરતો વચ્ચે, આ પ્રક્રિયા માત્ર જનતાનો રોષ શાંત કરવા અને શાસનને માન્યતા આપવા પૂરતી સીમિત છે.

ઉત્તર કોરિયામાં ગઈકાલે રવિવાર, 15 માર્ચના રોજ દેશની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા માટે ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને પણ ભાગ લીધો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ મતદાનમાં લગભગ 99.1% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.



ઉત્તર કોરિયાની રાજકીય વ્યવસ્થા કેન્દ્રીયકૃત સામ્યવાદી પ્રણાલી પર આધારિત છે. દેશની સત્તાનું નેતૃત્વ કિમ જોંગ ઉનના હાથમાં છે, જેમને આ પદ પારિવારિક વારસાના રૂપમાં મળ્યું છે. તેઓ માત્ર સરકારના વડા જ નથી પરંતુ દેશની સેનાના સર્વોચ્ચ કમાન્ડર પણ છે. 



દેશની સંસદ એટલે કે સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીમાં કુલ 687 બેઠકો છે. આ બેઠકો પર ચૂંટણીઓ તો થાય છે, પરંતુ સામાન્ય રીતે સત્તાધારી પાર્ટી 'વર્કર્સ પાર્ટી ઓફ કોરિયા' અને તેના સાથી પક્ષો જ ઉમેદવારો ઉભા રાખે છે. મોટાભાગના કિસ્સાઓમાં દરેક બેઠક પર માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં હોય છે, જેના સમર્થનમાં મતદારો પાસેથી મતદાનની અપેક્ષા રાખવામાં આવે છે.



ઉત્તર કોરિયામાં ચૂંટણી કેવી રીતે થાય છે?

​​​​​​​

ઉત્તર કોરિયામાં આ ચૂંટણી 5 વર્ષ માટે યોજવામાં આવી છે. અહીં ઉમેદવારના નામની સામે ટિક લગાવવાની હોય છે. જો કોઈ મતદાર કોઈ ઉમેદવારના વિરોધમાં મત આપવા માંગતો હોય તો તેણે જાહેરમાં આવું કરવું પડશે. વળી અહીં મતદાન ન કરવું એ પણ રાજદ્રોહ સમાન છે. એટલે કે તમામ નાગરિકો માટે મતદાન કરવું ફરજિયાત છે.



ઉત્તર કોરિયાના બંધારણ મુજબ  17 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો ચૂંટણીમાં ઉતરી શકે છે અને મત આપી શકે છે, ભલે તે કોઈપણ વિચારધારાને માનતો હોય.



અહીં ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે ડિબેટ પ્રણાલી દ્વારા કરવામાં આવે છે. આ માટે ચૂંટણી સમિતિની રચના પણ થાય છે. સામાન્ય રીતે એક બેઠક પર માત્ર એક જ ઉમેદવાર હોય છે. તેમના પ્રત્યે સમર્થન દર્શાવવા માટે મતદાન કરાવવામાં આવે છે.



ઉલ્લેખનીય રીતે જાણકારોનું કહેવું છે કે,ઉત્તર કોરિયામાં ચૂંટણી માત્ર નામ પૂરતી હોય છે. હકીકતમાં કિમ જોંગ ઉન સ્થાનિક સ્તરના ગુસ્સાને શાંત કરવા માટે ચૂંટણીઓ કરાવે છે, જેથી નાની-નાની સમસ્યાઓ માટે તેમને જવાબદાર ન ઠેરવવામાં આવે.