ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં બાકીના LAC ઘર્ષણ પોઇન્ટ્સ પર ફરીથી પેટ્રોલિંગ શરૂ કરવા સંમત થયા છે, જે સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત અને ચીન વચ્ચેના સંબંધો લાંબા સમયથી તંગ છે, પરંતુ એક મોટી ઘટનાક્રમમાં બંને દેશો વચ્ચે સરહદ પર કેટલાક કરાર થયા છે. ભારત અને ચીને 2020 પહેલાની જેમ LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા) પર પેટ્રોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન 2020 પહેલાની જેમ LAC પર પેટ્રોલિંગ કરવા પર સમજૂતી પર પહોંચ્યા છે. ત્યારે નજર કરીએ ભારત અને ચીન વચ્ચે પાછલા વર્ષોમાં થયેલા ઘટનાક્રમ પર.
ગલવાન ઘટના અને ભારત-ચીન સંબંધો
જૂન 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગંભીર અથડામણ થઈ હતી. જેમાં ભારતે એક કર્નલ સહિત 20 સૈનિકો ગુમાવ્યા હતા, જ્યારે ચીને અંદાજે 40 સૈનિકો ગુમાવ્યા હતા. 1962ના યુદ્ધ પછી આ સૌથી મોટી સૈન્ય અથડામણ હતી. આ ઘટનાને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો. જોકે ત્યારબાદ સપ્ટેમ્બર 2020 થી બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે અનેક રાઉન્ડની વાતચીતો પણ થઈ હતી, જે હવે બંને દેશો સીમા વિસ્તારમાં તૈનાત સૈનિકોને પાછા બોલાવવા અને તણાવ ઘટાડવાનાં અંતિમ નિષ્કર્ષ પર પહોંચી છે.
સેનાઓ ડેપસાંગ અને ડેમચોકમાંથી પણ પીછેહઠ કરશે
ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જ્યાં બંને દેશો એ વાત પર સહમત થયા છે કે તેઓ ડેપસાંગ અને ડેમચોક જેવા વિવાદિત વિસ્તારોમાંથી તેમની સેનાઓ પાછી ખેંચી લેશે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કરાર ભારતને ડેપસાંગ અને અન્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની મંજૂરી આપશે, જે 2020 પહેલાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
જો કે, અત્યાર સુધી બંને દેશો વચ્ચેની મંત્રણાના કેટલાક પરિણામો પણ આવ્યા હતા. જેમાં અગાઉ બંને દેશોએ ગાલવાન વેલી, પેંગોંગ ત્સોના ઉત્તર અને દક્ષિણ કાંઠા અને ગોગરા-હોટ સ્પ્રિંગ જેવા ચાર અન્ય વિસ્તારોમાંથી તેમની સેના પાછી ખેંચી લીધી હતી.
ડેમચોક અને ડેપસાંગ વિશે થોડું જાણીએ
ડેમચોક અને ડેપસાંગ એ લદ્દાખમાં આવેલા બે ખૂબ જ મહત્વના વિસ્તારો છે. ડેમચોક લદ્દાખના દક્ષિણ ભાગમાં આવેલું છે અને હિમાચલ પ્રદેશની સરહદની નજીક છે. આ વિસ્તારમાં 1962માં ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું હતું. ડેપસાંગ દૌલત બેગ ઓલ્ડી (DBO) પાસે આવેલું છે અને ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ બંને સ્થળો ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ માટે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે.