સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની બંધારણીયતા પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જ્યાં કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કલમ 6Aની બંધારણીયતાને 4:1 દ્વારા સમર્થન આપ્યું હતું.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરુવારે 4:1 ના બહુમતી ચુકાદા દ્વારા આસામમાં ગેરકાયદેસર વસાહતીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા કાયદાની કલમ 6A ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું.
બહુમતીનો ચુકાદો આપતાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આસામ એકોર્ડ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સમસ્યાનો રાજકીય ઉકેલ છે, જ્યારે કલમ 6A એ કાયદાકીય ઉકેલ છે. તેમજ બાંગ્લાદેશની સરહદ ધરાવતા રાજ્યોમાં આસામને અલગ રીતે જોવું જરૂરી છે કારણ કે અહીં સ્થાનિક વસ્તીમાં ઇમિગ્રન્ટ્સનું પ્રમાણ ખૂબ વધારે છે. જ્યાં, પશ્ચિમ બંગાળમાં 57 લાખ અને આસામમાં 40 લાખ પ્રવાસીઓ છે. વળી આસામની ઓછી વસ્તી અને નાના વિસ્તારને ધ્યાનમાં રાખીને કોર્ટે 25 માર્ચ, 1971ની કટ-ઓફ તારીખને પણ યોગ્ય ગણાવી હતી.
નાગરિકતા કાયદાની કલમ 6A શું છે?
આસામમાં ગેરકાયદેસર વસાહતીઓને હાંકી કાઢવા માટે લગભગ છ વર્ષ સુધી ચાલેલા આંદોલન બાદ જે સમજૂતી થઈ, તેને 'આસામ એકોર્ડ' કહેવામાં આવે છે. આ એકોર્ડ અનુસાર, 1966 પહેલા આસામ આવેલા ભારતીય મૂળના લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે. જ્યારે 1966 અને 1971 વચ્ચે આવેલા લોકોએ 10 વર્ષ રહ્યા પછી નાગરિકતા માટે અરજી કરવી પડશે. આસામ એકોર્ડને ધ્યાનમાં રાખીને જ નાગરિકતા કાયદામાં કલમ 6A ઉમેરવામાં આવી હતી.
કલમ 6A મુજબ, 1966 પહેલા આવેલા લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવે છે. 1 જાન્યુઆરી, 1966 અને 24 માર્ચ, 1971 વચ્ચે આવેલા લોકોને 10 વર્ષ રહ્યા પછી નાગરિકતા મળશે અને તેઓ આ દરમિયાન મતદાન કરી શકશે નહીં. જ્યારે 25 માર્ચ, 1971 પછી આવેલા લોકોની ઓળખ કરીને કાયદેસર રીતે દેશનિકાલ કરવામાં આવશે.
આ કલમનો શા માટે વિરોધ કરવામાં આવ્યો હતો?
2012માં, આસામ પબ્લિક વર્ક્સ પ્રેસિડેન્ટ, આસામ સંમિલિતા મહાસંઘ અને અન્ય ઘણા લોકોએ આસામ એકોર્ડની કલમ 6Aને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. તેમનું કહેવું હતું કે આ કલમ ભેદભાવી અને ગેરકાયદેસર છે કારણ કે તે આસામ અને બાકીના ભારત માટે અલગ-અલગ નિયમો લાગુ કરે છે. ખાસ કરીને, તેઓ દલીલ કરે છે કે 1971ની કટ-ઓફ તારીખ અન્યાયી છે અને આસામની વસ્તીમાં મોટા પાયે ફેરફાર કરવાનું કારણ બની છે.
સુપ્રીમ કોર્ટે આ કેસને ઘણા વર્ષો સુધી સાંભળ્યો. 2014માં, આ કેસને બંધારણીય બેંચને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ પણ ઘણા વર્ષો સુધી સુનાવણી ચાલ્યા બાદ, આખરે 2023માં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં બનેલી પાંચ જજોની બેન્ચ દ્વારા આને અનામત રાખવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ એમએમ સુરેશ અને જસ્ટિસ મનોજ મિશ્રા સાથે મળીને કલમ 6Aની બંધારણીયતાને સમર્થન આપ્યું હતું. કોર્ટે કહ્યું કે 25 માર્ચ, 1971ના રોજ કે તે પછી જે લોકો બાંગ્લાદેશથી આસામ આવ્યા હતા, તેમની ઓળખ કરીને તેમને દેશનિકાલ કરવામાં આવે.
આ નિર્ણયની શું અસર થશે?
સુપ્રીમ કોર્ટે કલમ 6A ની બંધારણીયતાને સમર્થન આપ્યું હોવાથી, 1966 પહેલા બાંગ્લાદેશથી આવતા અને આસામમાં સ્થાયી થયેલા લોકોને તેની અસર થશે નહીં. પરંતુ 25 માર્ચ, 1971 પછી આવેલા ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવાનું કામ ચાલુ રહેશે અને તેમને પાછા મોકલવામાં આવશે. વળી જો કલમ 6A રદ થાય તો 1966 પહેલા આવેલા લોકો પણ વિદેશી ગણાશે.