• Image-Not-Found

લેન્સેટ ઈ-ક્લિનિકલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, ભારતમાં 83% દર્દીઓ પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. આના માટે માત્ર ડોકટરો અને દર્દીઓ જ નહીં પરંતુ સમગ્ર સમાજને એક થઈને આ ખતરા સામે લડવાની જરૂર પડશે.

ધ લેન્સેટ- eClinical Medicine માં પ્રકાશિત થયેલા તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત એન્ટિબાયોટિક પ્રતિકારના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. અભ્યાસ મુજબ, 83% લોકોમાં એવા બેક્ટેરિયા મળી આવ્યા છે, જે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ (પ્રતિકારક) છે. સરળ ભાષામાં સમજીએ, તો આ બેક્ટેરિયા પર દવાઓની કોઈ અસર થતી નથી. 



એન્ટિબાયોટિક પ્રતિકાર વધવા પાછળનું સૌથી મોટું કારણ દવાઓનો દુરુપયોગ અને વધુ પડતો ઉપયોગ છે. આરોગ્ય નિષ્ણાતોએ આને દેશ માટે ગંભીર સુપરબગ ચેતવણી તરીકે ગણાવ્યું છે.



લોકો શરદી અને ઉધરસ જેવા નાના ચેપ માટે પણ ડૉક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરે છે. ઘણીવાર, દવાનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ થતો નથી, જેના કારણે બેક્ટેરિયા દવાઓ સાથે અનુકૂલન સાધીને પરિવર્તિત થાય છે.


આરોગ્ય મંત્રી નડ્ડાએ આ અંગે શું કહ્યું?

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ અને દુરુપયોગ સામાન્ય બની ગયો છે, જેના કારણે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે.



દેશમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ કેમ વધી રહ્યો છે?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારતમાં એન્ટિબાયોટિક દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સરળતાથી મળી રહે છે, જેના કારણે લોકો પોતાની મરજીથી તેનું સેવન કરે છે. આ ખોટો ઉપયોગ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત, ડેરી, પોલ્ટ્રી અને ખેતીમાં એન્ટિબાયોટિકના વધતા ઉપયોગે આ સંકટને ગંભીર બનાવી દીધું છે. 



વળી આ રેઝિસ્ટન્સ ત્યારે ડેવલપ થાય છે, જ્યારે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અથવા પેરાસાઇટ તે દવાઓ સામે રેઝિસ્ટન્ટ થઈ જાય છે, જે તેમને ખતમ કરવા માટે બનાવવામાં આવી હોય. આવી સ્થિતિમાં, સામાન્ય ઇન્ફેક્શન પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે અને સારવાર નિષ્ફળ થવા લાગે છે.



તમારી જાતને સુરક્ષિત રાખવા માટેના આ પગલાં અનુસરવા જોઈએ!

  • જાતે એન્ટિબાયોટિક લેવાનું બંધ કરો – ઘરમાં વધેલી દવાઓ લેવી ફાયદાકારક નહીં, પણ હાનિકારક છે. નિષ્ણાંત અમૃતા ગુપ્તા જણાવે છે કે 'ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક બિલકુલ ન લો. સામાન્ય શરદી અથવા વાયરલ તાવમાં તેની જરૂર હોતી નથી.'


  • દવાનો આખો કોર્સ પૂરો કરો – અડધું ઠીક લાગે એટલે દવા છોડી દેવી એ સૌથી મોટી ભૂલ છે. વચ્ચે એન્ટિબાયોટિક રોકવાથી સૌથી મજબૂત બેક્ટેરિયા બચી જાય છે અને રેઝિસ્ટન્ટ બની જાય છે. તેથી આખો કોર્સ પૂર્ણ કરવો જરૂરી છે.


  • ડૉક્ટરને એન્ટિબાયોટિક આપવાની જીદ ન કરો – ડૉક્ટર જાણે છે કે ક્યારે એન્ટિબાયોટિકની જરૂર છે. જો ડૉક્ટર દવા નથી આપતા, તો તેમના નિર્ણય પર વિશ્વાસ કરો.