• Image-Not-Found

G20 રિપોર્ટ મુજબ, વર્ષ 2000 થી 2023 દરમિયાન ભારતના સૌથી ધનિક 1% લોકોની સંપત્તિમાં 62% નો વધારો થયો છે. નિષ્ણાતોના મતે વિશ્વના સૌથી ધનિક લોકોએ નવી સંપત્તિનો મોટો હિસ્સો મેળવ્યો, જ્યારે ગરીબ વસતીને ઘણો ઓછો હિસ્સો મળ્યો.

ભારતમાં આર્થિક અસમાનતાની ખાઈ વધુ ઊંડી થતી જઈ રહી છે. કેમકે તાજેતરનાં એક વૈશ્વિક અહેવાલ મુજબ, દેશના સૌથી અમીર 1% લોકોની સંપત્તિ વર્ષ 2000 થી 2023 ની વચ્ચે 62% સુધી વધી છે, જ્યારે વસતીના નીચેના અડધા ભાગને નવી સંપત્તિનો માત્ર 1% હિસ્સો મળ્યો છે. 


આ અહેવાલ દક્ષિણ આફ્રિકાની G-20 અધ્યક્ષતા હેઠળ બહાર પાડવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ નોબેલ વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્ઝ એ કર્યું છે. અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે આર્થિક અસમાનતા હવે “ઇમરજન્સી લેવલ” પર પહોંચી ગઈ છે, જે માત્ર લોકશાહી જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને આબોહવા લક્ષ્યો માટે પણ જોખમ બની રહી છે.


 દુનિયાના અમીરોએ કબજે કર્યો નવી સંપત્તિનો મોટો હિસ્સો 


G-20 અસાધારણ સમિતિના આ અહેવાલ મુજબ, 2000 થી 2024 ની વચ્ચે દુનિયાના શીર્ષ 1% અમીર લોકોએ કુલ નવી સંપત્તિનો 41% હિસ્સો પોતાના નામે કર્યો, જ્યારે ગરીબ વર્ગને ફક્ત 1% હિસ્સો મળ્યો. 


આ સમિતિમાં પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ જયતિ ઘોષ, વિની બયાનીમા અને ઇમરાન વાલોદિયા એ પણ ભાગ લીધો હતો. અહેવાલનું કહેવું છે કે “અત્યંત અસમાનતા એક વિકલ્પ છે, તે કોઈ અનિવાર્યતા નથી. રાજકીય ઈચ્છાશક્તિથી આ સ્થિતિને બદલી શકાય છે, અને G-20 આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.”


 ભારત અને ચીનમાં શું છે સ્થિતિ?


અહેવાલ મુજબ, ભારતમાં 2000 થી 2023 ની વચ્ચે શીર્ષ 1% અમીરોની સંપત્તિમાં 62% નો વધારો થયો, જ્યારે ચીનમાં આ વધારો 54% રહ્યો. 


જોકે, અહેવાલ એ પણ જણાવે છે કે ભારત અને ચીન જેવા દેશોમાં માથાદીઠ આવક વધવાથી વૈશ્વિક અસમાનતામાં થોડો ઘટાડો આવ્યો છે, પરંતુ સંપત્તિનું વિતરણ હજી પણ ખૂબ જ અસંતુલિત છે. 


દુનિયાના અડધાથી વધુ દેશોમાં અમીર વર્ગે પોતાના સંપત્તિના હિસ્સામાં વધારો કર્યો છે, જે હવે વૈશ્વિક સંપત્તિના 74% સુધી પહોંચી ચૂક્યો છે.


 લોકશાહી પર મંડરાઈ રહેલું જોખમ !


અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જે દેશોમાં આર્થિક અસમાનતા વધુ છે, ત્યાં લોકશાહી સંસ્થાઓના નબળા પડવાનું જોખમ 7 ગણું વધારે છે.


સાથે જ, વૈશ્વિક ગરીબીમાં ઘટાડો પણ હવે અટકી ગયો છે. 2020 થી અત્યાર સુધી 2.3 અબજ લોકો મધ્યમ અથવા ગંભીર ખાદ્ય અસુરક્ષાથી ઝઝૂમી રહ્યા છે, જે 2019 ની તુલનામાં 33.5 કરોડ વધુ છે. દુનિયાની અડધી વસતી હજી પણ મૂળભૂત આરોગ્ય સેવાઓથી વંચિત છે, અને લગભગ 1.3 અબજ લોકો આરોગ્ય ખર્ચના બોજથી ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે.