ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલનો દ્વારા આધુનિક મેનેજમેન્ટના સિદ્ધાંતો જેમ કે લોકસંગઠન, સંચાર, સંસાધન વ્યવસ્થાપન, સંકટ વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક દ્રષ્ટિનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો. આ પ્રયોગોએ સાબિત કર્યું કે નૈતિક નેતૃત્વ, સત્ય અને અહિંસા દ્વારા કોઈપણ અન્યાયી પ્રણાલીને પડકારી શકાય છે.
પ્રક્ષાલી દેસાઈ, જાણીતા શિક્ષણવિદ્
આજના સમયમાં “મેનેજમેન્ટ” એટલે કે વ્યવસ્થાપનને દરેક ક્ષેત્રમાં સફળતાની ચાવી માનવામાં આવે છે. વિશ્વવિદ્યાલયોમાં તે એક સ્વતંત્ર વિષય તરીકે ભણાવવામાં આવે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં તેની મહત્તા માન્ય બની છે. પરંતુ જો આપણે ઈતિહાસ તરફ નજર કરીએ તો જણાય છે કે આધુનિક મેનેજમેન્ટના ઘણા સિદ્ધાંતો મહાત્મા ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ આંદોલનો દ્વારા વર્ષો પહેલા જ વાસ્તવિક જીવનમાં પ્રયોગ કરી બતાવ્યા હતા. ગાંધીજીએ લોકસંગઠન, સંસાધન વ્યવસ્થાપન, સંચાર કુશળતા, સંકટ વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક દ્રષ્ટિને એવી રીતે સમન્વિત કરી કે સત્યાગ્રહ માત્ર રાજકીય લડત ન રહી, પરંતુ માનવતાવાદી નેતૃત્વ અને મેનેજમેન્ટનું જીવંત વિદ્યાલય બની ગયું .
ગાંધીજીના જીવનમાં નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે 1893માં દક્ષિણ આફ્રિકાના પીટરમેરિટ્ઝબર્ગ સ્ટેશન પર તેમને ટ્રેનમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એ ક્ષણે તેમણે પોતાના મનમાં આ પ્રશ્ન ઊભો કર્યો—અન્યાય થી ડરી ભાગવું કે તેનો સામનો કરવો? ત્યાંથી તેમને આ બોધ થયો કે સાચું નેતૃત્વ માત્ર નિયમો અને આદેશોમાં નથી, પરંતુ તેમાં સંવેદનશીલતા, નૈતિક સાહસ અને ભાવનાત્મક પ્રતિબદ્ધતા હોવી જોઈએ. આ જ વિચારથી તેઓ “મોહન”માંથી “મહાત્મા” બન્યા.
1893 થી 1914 સુધી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સંઘર્ષે તેમના વ્યવસ્થાપન કુશળતાનું પ્રથમ પ્રદર્શન કર્યું. ત્યાં તેમણે ભારતીયો પર લાગુ થતા અન્યાયી કાયદાનો વિરોધ કર્યો. “નેટલ ઈન્ડિયન કોંગ્રેસ”ની સ્થાપના કરી, લોકોને સંગઠિત કર્યા અને “ગિરમિટિયા કાયદા” સામે આંદોલન કર્યું. આ સંઘર્ષ માત્ર વ્યક્તિગત અપમાનનો બદલો નહોતો, પરંતુ સામૂહિક સન્માન અને અધિકારોની રક્ષા કરવાનો પ્રયાસ હતો.
ગાંધીજીએ ભાગીદારી આધારિત નેતૃત્વ અપનાવ્યું, નિર્ણય પ્રક્રિયામાં બધાને જોડ્યા. સંચાર માટે Indian Opinion નામનો અખબાર શરૂ કર્યું અને સરકાર, પ્રેસ અને લોકો સાથે સતત સંવાદ કર્યો. સંસાધનો મેળવવા માટે દાન એકત્ર કરીને “ટ્રસ્ટીશિપ” સિદ્ધાંત રજૂ કર્યો. ટોલસ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમ દ્વારા તાલીમ અને શિસ્તનું માળખું ઉભું કર્યું. અહિંસા અને સત્યને તેમણે પહેલીવાર રાજકીય વ્યૂહરચના તરીકે ઉપયોગ કર્યો અને જેલનો ડર “નૈતિક બળ”માં ફેરવ્યો. દક્ષિણ આફ્રિકાનો આ અનુભવ તેમના આગલા બધા આંદોલનો માટે બ્લૂપ્રિન્ટ સાબિત થયો.
ભારત પરત ફર્યા પછી 1917માં બિહારના ચંપારણ જિલ્લામાં તેમણે આ પદ્ધતિઓનો પ્રયોગ કર્યો. અહીં અંગ્રેજ જમીંદારો ખેડૂતોને “ત્રણ -કઠિયા પ્રથા” હેઠળ ગળી ની ખેતી કરવા મજબૂર કરતા હતા. ગાંધીજીએ ગામડાંમાં જઈ સર્વેક્ષણ કર્યું, પુરાવા એકત્ર કર્યા અને ખેડૂતોની સ્થિતિને દસ્તાવેજી બનાવ્યું. આ ફીલ્ડ રિસર્ચ અને ડેટા કલેક્શન સમાન હતું.
રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપલાણી, મઝરૂલ હક જેવા સ્થાનિક નેતાઓ અને વિદ્યાર્થીઓને સાથે જોડ્યા. આ હતી ટીમ બિલ્ડિંગ અને સ્થાનિક નેટવર્કિંગની ઉત્તમ કળા. પોતે ખેડૂતો વચ્ચે રહી “સેવક નેતૃત્વ”નો દાખલો આપ્યો. જ્યારે સરકારે તેમને ચંપારણ છોડવાનો આદેશ આપ્યો ત્યારે તેમણે શાંતિથી ઇનકાર કર્યો—આ હતું જોખમ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ. અંતે ચંપારણ માત્ર એક વિરોધ સ્થળ ન રહ્યું, પરંતુ ગ્રામોત્થાન અને ક્ષમતા નિર્માણનું કેન્દ્ર બની ગયું.
1918માં ગુજરાતના ખેડા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો. ખેડૂતો ટેક્સ ચૂકવી શકતા નહોતા, છતાં સરકાર કઠોરાઈથી વસૂલાત કરતી હતી. ગાંધીજીએ પોતાને કેન્દ્રમાં ન રાખી નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યું. ગામડાંમાં સમિતિઓ રચાઈ, સભાઓ યોજાઈ અને વ્યક્તિગત સંવાદથી ખેડૂતોમાં હિંમત આવી. આંદોલન માટે દાન એકત્ર કરાયું અને પરસ્પર સહકારથી લડત આગળ વધી. આ decentralised managementનું ઉત્તમ ઉદાહરણ હતું.
એજ વર્ષે અમદાવાદમાં મિલ માલિકો અને મજૂરો વચ્ચે વિવાદ થયો. મજૂરો અનુસૂયા સારાભાઈના નેતૃત્વ હેઠળ હડતાળ પર હતા. ગાંધીજીએ બંને પક્ષો સાથે સંવાદ કર્યો, વ્યવહારુ માગણીઓ રજૂ કરી અને ઉપવાસ દ્વારા નૈતિક દબાણ સર્જ્યું. તેમણે તાત્કાલિક જીતની બદલે નાના-નાના મુદ્દાઓ પર સહમતિ બનાવી આગળ વધ્યા. આ વાસ્તવિક વાટાઘાટ વ્યવસ્થાપનનું દર્પણ હતું. પરિણામે 1920માં “મજૂર મહાજન સંઘ”ની સ્થાપના થઈ.
1930નું દાંડીકૂચ ગાંધીજીના વ્યૂહાત્મક મેનેજમેન્ટનું અદ્દભુત ઉદાહરણ હતું. દાંડીકૂચ સત્યાગ્રહ માટે મને વિશેષ ભાવ છે કારણ હું નવસારી થી છું અને ત્યાં હું ગાંધી વિચારો ને આત્મસાત કરતાં મોટી થઈ છું. બ્રિટિશોએ મીઠા પર કર લગાવ્યો હતો, જે દરેક માટે અનિવાર્ય વસ્તુ હતી. ગાંધીજીએ આ મુદ્દો પસંદ કર્યો કેમ કે તે સરળ પણ સર્વવ્યાપક હતો. 78 પસંદ કરેલા સત્યાગ્રહીઓ સાથે તેમણે 240 માઈલ લાંબી યાત્રા કરી. દરેક ગામમાં અગાઉથી આયોજન થયું હતું, જ્યાં કાર્યકરોએ સ્વચ્છતા, રેંટિયા શિક્ષણ બુનિયાદી શિક્ષણ અને અછૂત ઉદ્ધાર જેવા રચનાત્મક કાર્ય ચાલુ રાખ્યા. સંદેશ હતો—“મીઠા પર કર અન્યાય છે અને આપણે તેને તોડશું.”
આ યાત્રાએ આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચ્યું. દાંડી ખાતે ગાંધીજીએ જાતે મીઠું બનાવી ખુલ્લો પડકાર આપ્યો. સરકારી દમનને કારણે ૬૦,૦૦૦ લોકોએ ધરપકડ આપી, પરંતુ આંદોલન ચાલુ રહ્યું. આ નેતૃત્વના વિકેન્દ્રીકરણનું શક્તિશાળી ઉદાહરણ હતું. અંતે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ અને કોંગ્રેસને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી.
1942માં ભારત છોડો આંદોલન દ્વારા ગાંધીજીએ મેનેજમેન્ટ કુશળતાનું શિખર દર્શાવ્યું. 8 ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન પરથી તેમણે “કરો કે મરો”નો નારો આપ્યો. આ માત્ર નારો નહોતો, પરંતુ સમગ્ર આંદોલનનો સ્પષ્ટ હેતુ અને ભાવનાત્મક સંદેશ હતો. આ સંદેશે સમગ્ર રાષ્ટ્રને એકતામાં બાંધ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન નબળું હતું, ત્યારે આંદોલન શરૂ કરવું વ્યૂહાત્મક દ્રષ્ટિએ યોગ્ય હતું. નેતાઓની ધરપકડ પછી પણ આંદોલન જીવંત રહ્યું—આ decentralised leadershipની ચમત્કૃતિ હતી. આંદોલને લોકોમાં ત્યાગ, સાહસ અને સંકલ્પની જ્યોત જગાવી.
ગાંધીજીના આંદોલનોથી સ્પષ્ટ થાય છે કે નેતૃત્વ અને મેનેજમેન્ટનું સાચું આધાર માત્ર તકનીક કે માળખું નથી, પરંતુ પારદર્શિતા, સત્ય, અહિંસા, અનુશાસન અને યોગ્ય સમયની ઓળખ છે. તેમના સંદેશ સરળ હતા, પરંતુ એ જ સરળતા તેમને સર્વવ્યાપક અને અસરકારક બનાવતી હતી.
આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં પણ જ્યારે દુનિયા જટિલ પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે ગાંધીજીના મૂલ્યો—સત્ય, અહિંસા, આત્મઅનુશાસન, ધીરજ અને પ્રેમ—એવા સ્થાયી સૂત્ર છે જે કઠિનથી કઠિન સમસ્યાનો ઉકેલ આપી શકે છે. હિન્દી કવિ દુશ્યંતકુમારની પંક્તિઓ આ ભાવને સુંદર રીતે વ્યક્ત કરે છે:
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं
मेरी कोशिश है की ये सूरत बदलनी चाहिए
मेरे सीने में नहीं तो तेरे सीने में सही हो कही भी आग
आग जलनी चाहिए |
આ જ ગાંધીજીના સત્યાગ્રહનું તત્વ હતું. તેમના આંદોલનો માત્ર રાજકીય સ્વાતંત્ર્ય માટેની લડત નહોતા, પરંતુ નેતૃત્વ, મેનેજમેન્ટ અને નૈતિક જાગૃતિના પાઠ હતા. તેમણે બતાવ્યું કે સાચું બળ હિંસા કે તાકાતમાં નથી, પરંતુ સત્ય, નૈતિક સાહસ અને જનસહભાગિતામાં છે. ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનો એ સાબિત કરે છે કે સ્પષ્ટ હેતુ, નૈતિક આધાર અને સહભાગી નેતૃત્વ દ્વારા કોઈપણ અન્યાયી સામ્રાજ્યને પડકારવામાં અને બદલવામાં આવી શકે છે.