• Image-Not-Found

લદાખમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાઓની ભીડ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે જેણે હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું છે. હિંસક વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા હતા.

તાજેતરમાં હજારો યુવાનોએ લેહના રસ્તાઓ પર હંગામો, આગચંપી, હિંસા અને તોડફોડ કરી હતી. આ હિંસક વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે અને 70  લોકો ઘાયલ થયા હતા. અહીં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ કરવાની માંગ કરી હતી. તો ચાલો જાણીએ આ બંધારણની છઠ્ઠી અનુસૂચિ શું છે? જેના માટે લદાખમાં થયો આટલો હોબાળો મચ્યો છે.


લદાખમાં પ્રદર્શનો અને મુખ્ય માંગણીઓ



લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગ સાથે હજારો યુવાનોએ બુધવારે લેહમાં હિંસક પ્રદર્શનો કર્યા હતા.


જ્યાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની હિંસક અથડામણમાં 4 લોકોના મોત થયા છે અને 80થી વધુ ઘાયલ થયા છે. આ પ્રદર્શનકારીઓની ચાર મુખ્ય માંગણીઓ છે: 


- લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો
- છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ
- લોકસભાની બેઠકો વધારીને બે કરવી, અને 
- લદાખની જનજાતિઓને આદિવાસીનો દરજ્જો આપવો.



ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ શું છે?


છઠ્ઠી અનુસૂચિ ભારતીય બંધારણની એક મહત્વપૂર્ણ જોગવાઈ છે, જે પૂર્વોત્તર ભારતના ચોક્કસ આદિવાસી વિસ્તારોને સ્વાયત્તતા પ્રદાન કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ સમુદાયોની સંસ્કૃતિ, જમીન અને સંસાધનોની રક્ષા કરવાનો છે.


આ અનુસૂચિ આદિવાસી બહુલતા ધરાવતા ચાર રાજ્યો – આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં લાગુ છે. તે આ સમુદાયોને પોતાની ઓળખ અને પરંપરાઓ જાળવી રાખવામાં મદદ કરે છે


આ હેઠળ, સ્વાયત્ત જિલ્લા પરિષદો (Autonomous District Councils – ADCs) ની રચના કરવામાં આવે છે, જે સ્થાનિક સ્તરે જમીન, જંગલ, શિક્ષણ અને ટેક્સ જેવા મામલાઓ પર કાયદા બનાવી શકે છે.



સ્વાયત્ત પરિષદોના અધિકારો અને કાર્યક્ષેત્ર


છઠ્ઠી અનુસૂચિના પ્રાવધાનો બંધારણના અનુચ્છેદ 244(2) અને 275(1) હેઠળ આપવામાં આવ્યા છે, જે આદિવાસી વસતીના અધિકારો અને ઓળખનું રક્ષણ કરે છે.


આ જોગવાઈઓ અનુસાર, દરેક સ્વાયત્ત જિલ્લામાં એક પરિષદ હોય છે, જેમાં વધુમાં વધુ 30 સભ્યો હોય છે. તેમાંથી 4 રાજ્યપાલ અથવા ઉપરાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને 26 વોટિંગ દ્વારા ચૂંટાય છે. 


આ પરિષદોને જમીન, વન, શિક્ષણ, ગ્રામ પ્રશાસન, લગ્ન, સામાજિક રિવાજો જેવા વિષયો પર નિયંત્રણ રાખવાની, જમીન મહેસૂલ અને અન્ય ટેક્સ લગાવવાની તેમજ ન્યાયિક સત્તાઓ પણ મળેલી છે.



છઠ્ઠી અનુસૂચિ લાગુ થવાથી સંભવિત પરિવર્તનો


1. જમીન અને સંસાધનોનું રક્ષણ

· બહારના લોકો દ્વારા લદાખમાં જમીન ખરીદી પર અંકુશ રહેશે.
· સ્થાનિક સમુદાયનો જમીન અને સંસાધનો પર કાબૂ સુનિશ્ચિત થશે.


2. સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ

· લદાખની અનન્ય સંસ્કૃતિ અને પરંપરાઓને કાનૂની રક્ષણ મળશે.
· સ્થાનિક રિવાજો અને સામાજિક પ્રથાઓ જાળવી રાખવા માટે કાયદા બનવાની શક્યતા રહેશે.


3. રોજગાર અને શિક્ષણમાં અનામત

· સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક યુવાનો માટે અનામતની જોગવાઈ થઈ શકે.
· આથી સ્થાનિક લોકોના રોજગાર અને શિક્ષણની તકોમાં વધારો થશે.


4. સ્થાનિક નિર્ણય લેવાની શક્તિ

· સ્થાનિક લોકોને પોતાના વિકાસ અને પ્રશાસન સંબંધિત નિર્ણયો લેવાની સત્તા મળશે.
· શિક્ષણ, આરોગ્ય જેવા સ્થાનિક મુદ્દાઓ પર કાયદા બનાવવાની શક્તિ સ્વાયત્ત પરિષદને મળશે.



ઉલ્લેખનીય છે કે, લદાખના લોકોની મુખ્ય ચિંતા તેમના સાંસ્કૃતિક વારસા, આર્થિક સુરક્ષા અને ભવિષ્યના વિકાસનું રક્ષણ કરવાની છે; જેના માટે છઠ્ઠી અનુસૂચિ એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે. એવું ત્યાંના આગેવાનોનું માનવું છે.