પાકિસ્તાન સરહદ નજીક આવેલા બાજૌરમાં 250 તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓ હોવાના અહેવાલો છે. આ દરમિયાન, અફઘાનિસ્તાને પાકિસ્તાન સરહદ પરના પાંચ જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આવામાં એવી ચર્ચા છે કે પાકિસ્તાનમાં કંઈક મોટું બનવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર બનેલી બે મહત્વપૂર્ણ ઘટનાઓએ ઈસ્લામાબાદમાં ચિંતા વધારી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલા આશરે 250 આતંકવાદીઓ બાજૌર વિસ્તારમાં ઘુસી ચુક્યા છે. વળી આ વિસ્તાર પહેલાથી જ હિંસા અને આતંકવાદ માટે અત્યંત સંવેદનશીલ પણ માનવામાં આવે છે.
બીજી તરફ ઘૂસણખોરીના સમાચાર મળતાં જ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે સરહદ પરના પાંચ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી હતી. અહીં જે વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે વિસ્તારો TTPના પ્રભાવ હેઠળ માનવામાં આવે છે અને પાકિસ્તાન માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સંગઠન શું છે?
TTP એક કટ્ટરપંથી આતંકવાદી સંગઠન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં શરિયા આધારિત શાસન સ્થાપિત કરવાનો છે.
આ સંગઠન પાસે અંદાજે 6,000 પ્રશિક્ષિત લડવૈયાઓ છે અને તે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદી ક્ષેત્રમાં બે મુખ્ય તાલીમ શિબિરો ચલાવે છે.
પાકિસ્તાનનો આરોપ છે કે ટીટીપીને અફઘાનિસ્તાનથી શસ્ત્રો અને આશ્રય મળે છે. જો કે, તાલિબાન સરકાર આ દાવાઓને નકારે છે.
પાકિસ્તાનનું ટેન્શન કેમ વધી પડ્યું છે?
બાજૌરમાં આતંકવાદીઓની હાજરી સુરક્ષા દળો માટે ખતરો
બાજૌરને પાકિસ્તાનના અસ્થિર પ્રદેશોમાંનો એક માનવામાં આવે છે, જ્યાં TTP લાંબા સમયથી સક્રિય છે. ગુપ્ત માહિતી અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની પ્રાથમિક રણનીતિ ખૈબર અને તેની આસપાસના વિસ્તારો પર નિયંત્રણ મેળવવાની છે.
2025ના પ્રથમ આઠ મહિનામાં, TTP એ પાકિસ્તાનમાં 700 થી વધુ હુમલા કર્યા છે, જેમાં 256 થી વધુ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની યુક્તિઓ હવે સીધી મુકાબલો બની ગઈ છે - તેઓ સીધા પોલીસ અને સેનાના કાફલાને નિશાન બનાવી રહ્યા છે. પરિણામે, બાજૌર જેવા સરહદી વિસ્તારમાં 250 આતંકવાદીઓની હાજરી પાકિસ્તાન માટે ચેતવણીનો સંકેત છે.
અફઘાનિસ્તાનનો ઈન્ટરનેટ પ્રતિબંધ
તાલિબાન વહીવટીતંત્રે પાકિસ્તાનની સરહદે આવેલા પાંચ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે, જ્યાં TTP હાજર હોવાનું માનવામાં આવે છે. આ પગલું પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ડિજિટલ ટ્રેકિંગ અને સંભવિત હુમલાઓને રોકવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
અગાઉ, પાકિસ્તાની એજન્સીઓ મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ ડેટા દ્વારા આ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખતી હતી. પરંતુ હવે, ઈન્ટરનેટ પ્રતિબંધને કારણે આ માર્ગ પણ બંધ થઈ ગયો છે. અફઘાનિસ્તાને આ માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું ન હોય, પરંતુ સુરક્ષા જાણકારો તેને પાકિસ્તાનની પ્રવૃત્તિઓ પર બદલો લેવા માટેનો હુમલો માને છે.