• Image-Not-Found

આ વર્ષે અત્યાર સુધીમાં કેરળમાં મગજ ખાનારા અમીબાથી 67 લોકો પ્રભાવિત થયા છે અને આ ચેપને કારણે 18 લોકોના મોત થયા છે. તાજેતરમાં, કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક 17 વર્ષનો છોકરો આ જીવલેણ મગજના ચેપથી પ્રભાવિત થયો છે. આવામાં, દરેકના મનમાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ 'મગજ ખાનાર અમીબા' કેવી રીતે વધી રહ્યો છે અને તેનાથી કેવી રીતે બચી શકાય?

હાલમાં કેરળમાં મગજ ખાનારા અમીબાનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. કેમ કે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ ચેપથી 67 લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી 18 લોકોના મૃત્યુ "નેગ્લેરિયા ફાઉલેરી" નામના અમીબાથી થતાં ‘એમેબિક મેનિન્ગોએન્સેફાલીટીસ’ બીમારીને લીધે થયા છે. જોકે આને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) એ દેખરેખ વધારી છે. જ્યાં દિલ્હી NCRની મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી છે. 
આવામાં, દરેકના મનમાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ 'મગજ ખાનાર અમીબા' કેવી રીતે વધી રહ્યો છે અને તેનાથી કેવી રીતે બચી શકાય? તો ચાલો વિગતવાર જાણવાનો પ્રયત્ન કરીએ કે આ કાળમુખો અમીબા શું છે? આનાથી ફેલાતી બીમારી, મગજ પર તે કેવી રીતે હુમલો કરે છે અને ચેપગ્રસ્ત વ્યક્તિમાં કયા લક્ષણો જોવા મળે છે.


કેરળમાં આ રોગના કયા કેસો જોવા મળ્યા છે? 



અગાઉ, અહિંના કોઝિકોડમાં, શાજી નામના 49 વર્ષીય વ્યક્તિનું માથામાં ઈજા થવાથી અને ચેપ લાગવાથી મૃત્યુ થયું હતું. તેમજ થામરાસેરીની 9 વર્ષની છોકરીની હાલત અચાનક બગડતા તેનું પણ મોત નીપજ્યું હતું. 

તાજેતરમાં, કેરળની રાજધાની તિરુવનંતપુરમના પૂવરમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થીનીને એક પૂલમાં તર્યા પછી PAM (Primary Amebic Meningoencephalitis) ચેપ લાગ્યો હતો અને તેની હાલત પણ ગંભીર છે. જ્યાં સાવચેતી રૂપે, પૂલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પાણીના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. 


આ મગજ ખાનાર અમીબા શું છે?



એમેબિક મેનિન્ગોએન્સેફાલીટીસ, જેને ઘણીવાર "મગજ ખાનાર અમીબા" પણ કહેવામાં આવે છે, તે નેગ્લેરિયા ફાઉલેરીને કારણે થાય છે. આ અમીબા ગરમ અને સ્થિર તાજા પાણીના સ્ત્રોતોમાં જોવા મળે છે અને નાક દ્વારા માનવ શરીરમાં પ્રવેશ કરે છે. જોકે તે જમીનમાં પણ જીવે છે. વળી તેને મુક્ત-જીવી સજીવ (free-living organism) માનવામાં આવે છે કારણ કે તેને જીવવા માટે યજમાન (host) ની જરૂર નથી હોતી.

નેગ્લેરિયા ફાઉલેરી કેન્દ્રીય ચેતાતંત્રમાં ગંભીર ચેપનું કારણ બની શકે છે. કેમકે જે લોકો આ અમીબાથી ચેપગ્રસ્ત થાય છે તેઓ પ્રાથમિક અમીબિક મેનિન્ગોએન્સેફાલીટીસ (PAM) નામની સ્થિતિ વિકસાવે છે. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો ખૂબ જ ગંભીર ચેપ છે જે લગભગ હંમેશા જીવલેણ હોય છે.


આ રોગના લક્ષણો શું છે?



•    તાવ
•    માથાનો દુખાવો
•    ઊલટી
•    ગરદન જકડાઈ જવી
•    ઉબકા


આને કેવી રીતે અટકાવી શકાય?


•    હંમેશા ખાતરી કરો કે સ્વિમિંગ પુલ યોગ્ય માત્રામાં ક્લોરિનથી સાફ કરવામાં આવે છે અને નિયમિતપણે જાળવવામાં આવે છે.
•    તળાવ, સરોવર કે અન્ય જળાશયો જેવા ગંદા અથવા સ્થિર પાણીમાં તરવાનું અને સ્નાન કરવાનું ટાળો.
•    ઘરની પાણીની ટાંકીઓ અને કુવાઓને સ્વચ્છ અને જંતુમુક્ત રાખો અને કુવાઓને ઢાંકીને સુરક્ષિત બનાવો.
•    નાક સાફ કરવા અથવા ધોવા માટે ફક્ત સ્વચ્છ અને શુદ્ધ પાણીનો ઉપયોગ કરો.
•    જો તાવ, માથાનો દુખાવો, ઉલટી અથવા ગરદનમાં જડતા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. સમયસર ઓળખ અને સારવારથી જીવન બચાવવાની શક્યતા વધી જાય છે.